લંડનઃ લેબર પાર્ટીના ઉમરાવ લોર્ડ ભીખુ પારેખે આધુનિક લોકશાહીને સુસંગત બની રહે તેવા ક્રાંતિકારી સુધારા માટે હાઉસ ઓફ લોર્ડ્સને હાકલ કરી હતી. તેમણે ગૃહની આટલી વિશાળ સભ્યસંખ્યા રાખવાને કોઈ કારણ ન હોવાનું કહેતા જણાવ્યું હતું કે સભ્યો ઓછાં હશે તો તેઓ નિયમિત ગૃહમાં આવશે અને કમિટીઓમાં સેવા આપી શકશે, જાહેર ખર્ચમાં ઘટાડો થશે અને દરેક સભ્ય ઉમરાવને વધુ ઓફિસ સ્પેસ મળી શકશે. તેમણે ચૂંટાયેલા અને નિયુક્ત સભ્ય એમ બંને સિસ્ટમની તરફેણ કરી હતી. લોર્ડ પારેખે દેશની ઘણી સંસ્થાઓ અને પ્રોસીજર્સમાં પરિવર્તનો લાવી રાષ્ટ્રીય ઓળખનું જાહેર પ્રતીક બનાવી શકાય તેવો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે એક એકેડેમિક તરીકે તેમને અન્ય યુનિવર્સિટીઓમાંથી આવતા વિઝિટિંગ પ્રોફેસરની હાજરી પ્રોત્સાહક જણાય છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં પણ દર વર્ષે એક અથવા બે આંતરરાષ્ટ્રીય નામનાપ્રાપ્ત મહાનુભાવને ચાર કે આઠ સપ્તાહ માટે વિઝિટિંગ કે એસોસિયેટ સભ્ય તરીકે આમંત્રિત કરવાનો વિચાર સારો છે. તેમને વિચાર વ્યક્ત કરવાનો અધિકાર રહે પરંતુ, વોટ આપી શકે નહિ.
લોર્ડ પારેખે ચૂંટાયેલા અને નિયુક્ત સભ્યો સાથે ‘હાઈબ્રીડ’ હાઉસ ઓફ લોર્ડ્સની તરફેણ કરી હતી. લોર્ડ અને લેડીનું ટાઈટલ તેના ધારકને વધુપડતું મહત્ત્વ આપનારું બની રહે છે. તેઓ પોતાને સાથી નાગરિકોની સરખામણીએ પોતાને વધુ ઊંચા સમજવા લાગે છે. ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 60થી 80 ટકાની વચ્ચે રહે જ્યારે બાકીના સભ્યોને નિયુક્ત કરી શકાય. આના પરિણામે, ગૃહ વધુ ડેમોક્રેટિક બની રહેશે.
તેમણે પાર્લામેન્ટના સત્તાવાર ખુલ્લા મૂકવાની કામગીરી હાઉસ ઓફ લોર્ડ્સમાં શા માટે યોજાવી જોઈએ તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ માટે ઐતિહાસિક તર્ક હવે રહેતો નથી અને હાઉસ ઓફ કોમન્સનું મહત્ત્વ સ્થાપિત થઈ ચુક્યું છે ત્યારે કિંગે વેસ્ટમિન્સ્ટર હોલમાં જ સંસદ ખુલ્લી મૂક્વી જોઈએ જ્યાં બંને ગૃહના સભ્યોને બેસવાની પૂરતી જગ્યા છે. અહીં બંને ગૃહના સભ્યો પાર્ટીથી અલગ રહીને અરસપરસ હળીમળી શકશે. ઉમરાવો રુઆબદાર એરમિન રોબ્સ પહેરે તેવી પ્રથાને તિલાંજલિ આપવાની પણ લોર્ડ પારેખે તરફેણ કરી હતી.