લંડનઃ રાજધાનીના મેયરપદના લેબર પાર્ટીના ઉમેદવાર સાદિક ખાન તાજા પોલમાં છ પોઈન્ટની સરસાઈ ધરાવે છે ત્યારે તેમણે લંડનના મકાનો લોકોને વાસ્તવમાં પોસાય તેવા બનાવવા સાથે મેટ્રોપોલીટન પોલીસ ફોર્સને કોમ્યુનિટી ચહેરો આપવાનું વચન આપ્યું છે. ખાને તાજેતરમાં ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને એક્સ્લુઝિવ ઈન્ટર્વ્યુ આપ્યો હતો, જેમાં તેમણે મેટ્રો પોલીસ, બ્રસેલ્સ હુમલા, વિરોધી પક્ષોના પ્રચાર અભિયાન, લઘુ ઉદ્યોગો, વિઝા અને વિદ્યાર્થીઓ સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી.
સાદિક ખાને જણાવ્યું હતું કે, ‘હું તમામ લંડનવાસીઓ માટે મેયર બની રહીશ. પોલીસ દળને જે કોમ્યુનિટીઝની સેવા કરે છે તેના જેવો જ ચહેરો આપવા હું કટિબદ્ધ છું. હું મેયરપદે ચૂંટાઈશ તો લંડનની વૈવિધ્યપૂર્ણ વસ્તી જેવું જ પોલીસ દળ રાખવાનું મારું લક્ષ્ય રહેશે. પોલીસમાં વિશ્વાસ ઘટવાથી બ્લેક એશિયન માઈનોરિટી એથનિક (BAME) લંડનવાસીઓ કારકીર્દિના વિકલ્પ તરીકે મેટ્રો દળમાં જોડાય તેવી શક્યતા ઘટી છે.’ તેમણે ફ્રન્ટલાઈન પોલીસને આધુનિક દળ બનાવવા અને મહિલાઓ વિરુદ્ધની હિંસા રોકવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તેમની સંખ્યા વધારવાની ખાતરી ઉચ્ચારી હતી.
ત્રાસવાદને ઈસ્લામ સાથે જરા પણ સંબંધ નથી
ખાન પોતે મુસ્લિમ હોવાથી UKIP જેવા પક્ષો દ્વારા ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેઓ માને છે કે બ્રસેલ્સ કે પેરિસને હચમચાવનારા ત્રાસવાદને ઈસ્લામ સાથે જરા પણ સંબંધ નથી. તેઓ મુસ્લિમ, હિન્દુ, યહુદી, શીખ, બૌદ્ધ સહિતના તમામ લોકો હળીમળીને રહેતા હોવાની હકીકતને ધિક્કારે છે. ઘૃણા અપરાધ, ઈસ્લામોફોબિયા, યહુદીવિરોધ, હોમો-ફોબિયામાં ઉછાળો ચિંતાજનક છે. આ બધી બાબતો સામે ઝીરો ટોલરન્સ હોવું જોઈએ. મને લંડનવાસીઓમાં શ્રદ્ધા છે અને મને કહેતા ગર્વ થાય છે કે તેઓ ખુલ્લાં દિલના અને પ્રગતિશીલ છે.’
વિરોધીઓના પ્રચારનીતિઓની ચર્ચા
ખાન લંડનવાસીઓની અનેકતામાં એકતાની બડાશ હાંકી રહ્યા છે ત્યારે તેમના ટોરી હરીફ ઝેક ગોલ્ડસ્મિથ કોમ્યુનિટી આધારિત પ્રચારને આગળ વધારી રહ્યા હોવાનો આક્ષેપ છે. વાસ્તવમાં, ગોલ્ડસ્મિથના પ્રચારની તરફેણમાં લોકોને પત્રો મોકલનારા વડા પ્રધાન ડેવિડ કેમરન સામે ‘રેસિયલ પ્રોફાઈલિંગ’નો આક્ષેપ છે. આપણી શેરીઓને ત્રાસવાદી હુમલાઓથી સુરક્ષિત બનાવવાની જરૂર છે ત્યારે વડા પ્રધાન મેયરપદના કન્ઝર્વેટિવ ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથને મત આપવા લંડનના ગુજરાતી હિન્દુ અને પંજાબી શીખ મતદારોને આવા પત્રો મોકલી રહ્યા છે.
બિઝનેસીસના અવાજને પ્રાધાન્ય
સાદિક ખાન બરાબર જાણે છે કે બિઝનેસ કોમ્યુનિટીને વિકાસની તક ન હોય તો કોઈ શહેર વિકાસ પામતું નથી. સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઈસીસ (SMEs) સહિત બ્રિટિશ ભારતીય બિઝનેસમેનને ટેકો આપી લંડનને તેમના જેવો સૌથી વધુ બિઝનેસતરફી મેયર મળી શકે નહિ તેમ પણ તેમણે જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે,‘હું મેયર હોઈશ તો આપણા શહેરના વિકાસમાં બિઝનેસીસના અવાજને પ્રાધાન્ય મળશે. લંડનના બિઝનેસીસમાં ૯૯ ટકા SMEs છે અને બાવન ટકા લંડનવાસીઓ તેના માટે કામ કરે છે. સ્કીલ્ડ ઈમિગ્રન્ટ્સ માટે સમસ્યા સર્જતા ગેરવાજબી વિઝા નિયમો બદલવા હું સરકારમાં લોબીઈંગ કરીશ. વિદ્યાર્થીઓ લંડન અભ્યાસ કરવા આવે છે, આ પછી અહીં રહે છે, કામ કરે છે, ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સ ચુકવે છે. નેહરુ, ગાંધી, મન્ડેલા, આંગ સાન સૂ કી, બિલ ક્લિન્ટન જેવા વિશ્વનેતાઓ અભ્યાસ માટે લંડન આવ્યા હતા તે ગર્વની બાબત છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયંત્રણોથી યુકે આવતા વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે, લંડનના અર્થતંત્ર અને સાંસ્કૃતિક વિરાસતને પણ નુકસાન ગયું છે.