બર્મિંગહામઃ વેસ્ટમિન્સ્ટર હુમલાખોર ખાલિદ મસૂદની બર્મિંગહામની પ્રવૃત્તિઓ પર ડિટેક્ટિવ્ઝ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યા અનુસાર બે વર્ષથી બર્મિંગહામમાં રહેતો ખાલિદ છેલ્લા ૧૨ મહિનામાં જ કટ્ટરવાદના પાઠ ભણ્યો હોવાનું કહેવાય છે.
ખાલિદ આઠ વર્ષ અગાઉ લૂટનમાં રહેતો હતો ત્યારે પોલીસની નજરમાં આવ્યો હતો. પોલીસ બે જાણીતા કટ્ટરવાદીના ફોન સંપર્કોની તપાસ કરતી હતી ત્યારે ખાલિદનો મોબાઈલ ફોન નંબર પણ તેમના ધ્યાને આવ્યો હતો. આ સમયે તેને ગૌણ વ્યક્તિ ગણવામાં આવ્યો હતો. ઈસ્લામમાં ધર્માંતર કરનારો ખાલિદ બર્મિંગહામમાં ઓછામાં ઓછાં બે સરનામા પર રહેતો હતો. પોલીસે અત્યાર સુધી બર્મિંગહામમાં સાત, લંડનમાં ત્રણ તેમજ બ્રાઈટન, સરે, વેલ્સ અને માન્ચેસ્ટરની પ્રોપર્ટીઝ પર દરોડા પાડ્યા છે. પકડાયેલા ૧૨ શકમંદમાંથી સાત તો બર્મિંગહામના જ હતા. આ બધાને છોડી દેવાયા છે.
એમ મનાય છે કે ખાલિદ સલાફી મુસ્લિમ કોમ્યુનિટી સાથે વધુ હળતોમળતો હતો. આ કોમ્યુનિટીની મસ્જિદો અને સ્ટડી સેન્ટર્સમાં પણ તેણે હાજરી આપી હોવાનું કહેવાય છે. ખાલિદ મસૂદે યુનિવર્સિટી ઓફ સસેક્સ ખાતે ઈકોનોમિક્સ અને ઈકોનોમિક હિસ્ટરીનો અભ્યાસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.