લંડનઃ હેન્ડનની સ્થાનિક કોમ્યુનિટી સંસ્થાઓ અને રહેવાસીઓએ મિડલસેક્સ યુનિવર્સિટીના ભાગ તરીકે પાંચ મજલાની રોટુન્ડા બિલ્ડિંગની સૂચિત વિકાસ યોજના સામે શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. સૂચિત વિકાસકાર્યથી જેની વધુ જરૂર છે તેવા ધ બરોઝ અને એગર્ટન ગાર્ડન્સ કાર પાર્કનો નાશ થશે તેમજ આવશ્યક કામકાજ માટે હાલ રહેવાસીઓ, બિઝનેસીસ અને કોમ્યુનિટી ગ્રૂપ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ પાર્કિંગ સ્પેસ દૂર થઈ જશે.
હેન્ડન વિસ્તારના હિન્દુ સંગઠન ચિન્મય મિશન યુકે દ્વારા 30 જૂને શાંતિપૂર્ણ મૌનવિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યોએ તેમની કાર પર ફ્લાયર્સ લગાવી કાઉન્સિલને સૂચિત ડેવલપમેન્ટ પ્લાન્સની ફેરવિચારણા કરવા અને સ્થાનિક કોમ્યુનિટીની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવા વિનંતી કરી હતી.
ચિન્મય મિશન યુકેના ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ સુરેશ વાધવાણીએ જણાવ્યું હતું કે,‘શહેરી વિકાસની જરૂરિયાતને અમે સ્વીકારીએ છીએ તેની સાથે પાર્કિંગ ગુમાવી દેવાની અને દાયકાઓથી આ વિસ્તારની સેવામાં કાર્યરત ત્રણ મુખ્ય ધર્મસ્થળો સુધી પહોંચવાની સુલભતા વિશે અમે ચિંતિત છીએ. બાર્નેટ કાઉન્સિલે કોમ્યુનિટી સવલતોના રક્ષણના હેતુને દર્શાવ્યો છે પરંતુ, કાળજીપૂર્વકની યોગ્ય વિચારણા અને અસરગ્રસ્ત સંસ્થાઓ સાથે પરામર્શ કર્યા વિના જ કરાયેલું સૂચિત ડેવલપમેન્ટ પ્લાનિંગ કાઉન્સિલના ખુદના હેતુઓની વિરુદ્ધ જાય છે. લંડનના મેયરે કાઉન્સિલને આ નિર્ણય પરત મોકલ્યો છે ત્યારે અમે ડેવલપર્સ અને કાઉન્સિલને તેમના પ્લાન્સની પુનઃ વિચારણા કરવા તેમજ સ્થાનિક લોકો અને સંસ્થાઓની જરૂરિયાત અને ડેવલપમેન્ટ પ્લાન્સ વચ્ચે સમતુલા જાળવી શકે તેવા ઉપાય શોધવા કોમ્યુનિટી સાથે મળી કામ કરવા અનુરોધ કરીએ છીએ. કાઉન્સિલ સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દર્શાવશે તેવી ખાતરીને આવકારી વધુ વાતચીતમાં જોડાવાની અમારી તૈયારી છે.’