લંડનઃ હેરો વેસ્ટ માટે લેબર પાર્ટી અને કો-ઓપ પાર્લામેન્ટરી ઉમેદવાર ગેરેથ થોમસે જનરલ ઈલેક્શન માટે તેમના ચૂંટણીપ્રચારનો આરંભ કર્યો હતો. આ પ્રચારમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ, બિઝનેસીસ અને સભ્યો હાજર રહ્યા હતા. ગેરેથ થોમસ સૌ પહેલા 1997માં હેરો વેસ્ટના મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાયા હતા.
ચૂંટણીપ્રચારનો આરંભ કરતા ગેરેથે જણાવ્યું હતું કે,‘હેરો મારું ઘર છે. હું અહીં ઉછર્યો છું, હંમેશા અહીં રહ્યો છું અને અહીં જ મારા નાના પરિવારને ઉછેરી રહ્યો છું. ગત લેબર સરકારના સમયમાં તમારે જરૂર હોય ત્યારે GPને મળી શકતા હતા, NHS નું વેઈટિંગ લિસ્ટ સૌથી ટુંકુ હતું અને સંતોષનું રેટિંગ સૌથી ઊંચું હતું. દુઃખની વાત એ છે કે આપણા NHS સ્ટાફની નિષ્ઠા અને અતુલનીય મહેનત છતાં વેઈટિંગ લિસ્ટ ઓલ ટાઈમ હાઈ છે. આ બદલાવું જ જોઈએ.’ તેમણે કહ્યું હતું કે,‘આપણે કોમ્યુનિટી પોલિસિંગ તરફ પાછા વળવાની જરૂર છે. આપણી શેરીઓમાં વધુ પોલીસ અને હેરો માટે સમર્પિત ટાઉન સેન્ટર પોલીસ ટીમ જોઈએ. હું યુકે અને ભારત વચ્ચેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પરત્વે તીવ્ર રસ લેવાનું ચાલુ રાખીશ. મેં વિઝા ચિંતાઓ બાબતે હોમ ઓફિસ પર દબાણ કરેલું છે, સાઉથ એશિયન ભાષાઓ શીખવવા માટે કેમ્પેઈન ચલાવ્યું છે અને ભારત સાથે વેપારને ઉત્તેજન આપવાના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખીશ.’
હેરો વેસ્ટ લેબર પાર્ટીના અધ્યક્ષ, હેરોના પૂર્વ દીર્ઘકાલીન લેબર કાઉન્સિલર, લંડન એસેમ્બલીના પૂર્વ સભ્ય અને એસેમ્બલી અધ્યક્ષ નવીન શાહ CBEએ પણ પ્રચારના આરંભમાં હાજરી આપી હતી. કેમ્પેઈન લોન્ચિંગ સંદર્ભે નવીન શાહ CBEએ જણાવ્યું હતું કે, ‘ગેરેથ થોમસ ગત 27 વર્ષથી મારા સ્થાનિક MP તરીકે હોવાનો મને ગર્વ છે. તેઓ સ્થાનિક કોમ્યુનિટી અને બિઝનેસીસની કાળજી રાખે છે તેમજ સ્થાનિક સમસ્યાઓ-મુદ્દાઓના સાચા હિમાયતી છે. હેરોની ચાવીરૂપ તાકાતમાં એક તેની વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટી છે. ગેરેથે તમામ કોમ્યુનિટીઓ સાથે સંપર્ક જાળવવામાં અને સંવાદિતાને પ્રોત્સાહન આપવામાં મોટી ભૂમિકા ભજવી છે.’