લંડનઃ રાજધાની લંડનના કેન્ટન હેરો વિસ્તારમાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની સુવર્ણજયંતી નિમિત્તે નવ દિવસીય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજીની નિશ્રામાં ૪૧ સંતો, અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ, મહાઆચાર્ય તેજેન્દ્રપ્રસાદજી ઉપસ્થિત રહ્યા હતા.
હેરો મંદિરે સમગ્ર વર્ષમાં ચેરિટીના આયોજન થકી ૯૦,૦૦૦ પાઉન્ડ (આશરે રૂપિયા ૯૦ લાખ) એકત્ર કર્યા હતા. જે સેંટ લ્યુક્સ હોસ્પિસ, આશિયાના સહિત સ્થાનિક ચેરિટીસને અર્પણ કરાયા હતાં. આ સંસ્થાઓને ચેક અર્પણ કરતા મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ વસુધૈવ કુટુંબકમની ભાવના તાદૃશ્ય થયાનું જણાવ્યું હતું. ચેક અર્પણ વિધિમાં મહારાજ, મંદિર પ્રમુખ વિશ્રામભાઈ માયાણી (દહીંસરા) પણ હાજર હતાં.
નવ દિવસના ઉત્સવમાં શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ૧૦,૦૦૦ હરિભક્તો જોડાયા હતાં. શોભાયાત્રામાં આધ્યાત્મિક ઉપદેશોને ચરિતાર્થ કરતાં નૃત્યો, સ્તોત્ર, સંગીતના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. વિલ્સડન, કાર્ડિફ, ઇ. લંડન, સ્ટેનમોર, બોલ્ટન, વુલીચ સહિત યુ.કે.નાં મંદિરો પણ ઉત્સવમાં સામેલ થયા હતાં. આ મંદિરના પ્રમુખોને પહેરામણી કરાઈ હતી. ભુજ મંદિરના વિદ્વાન સંતોએ સત્સંગી જીવન કથામૃતનું પાન કરાવ્યું હતું. હરિ તપોવન ગુરુકૂળના સંત દેવચરણદાસજીએ સભાનું સંચાલન કર્યું હતું.
ઉત્સવના આયોજનને સફળ બનાવવા કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરની કાર્યવાહક સમિતિએ બે વર્ષ તથા જહેમત ઉઠાવી હતી. જ્યારે ૮૦૦ સ્વયંસેવકોએ તેમાં સાથ આપ્યો હતો.