લંડનઃ સહનશક્તિ અને મક્કમતાના પ્રેરણાદાયી કાર્યમાં હેરોની દેસી હાઈકર્સ બેડમિન્ટન ક્લબે ઈસ્ટ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલો માઉન્ટ કિલિમાન્જારો સફળતાપૂર્વ સર કર્યો છે. આ હાઈકર્સ ટીમમાં આવા પડકારજનક ટ્રેક સંદર્ભે અનુભવ ઘણો ઓછો હોવાં છતાં, શિખર સુધી આઠ દિવસની સાહસયાત્રામાં પ્રચંડ શારીરિક અને માનસિક અવરોધો પાર પાડ્યા હતા. આ સાહસ થકી હાઈકર્સે હેરો અને બ્રેન્ટમાં પીડાશામક સારસંભાળ આપતી સ્થાનિક ચેરિટી સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે જસ્ટગિવિંગ ફંડરેઈઝિંગ પેજ મારફત 13,000 પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું.
ઉત્સાહી હાઈકર અને લાંબા સમયથી કલ્બના સભ્ય પ્રકાશ જોશી દ્વારા આ સાહસનો આરંભ કરાયો હતો અને સાથી બેડમિન્ટન ખેલાડીઓને ટ્રેકિંગના વિશ્વમાં સામેલ કર્યા હતા. કેન્યામાં જન્મેલા જોશીએ કિલિમાન્જારો સર કરવાનું સ્વપ્ન સેવ્યું હતું પરંતુ, નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે આખરી ચડાણમાં ભાગ લઈ શક્યા ન હતા. જોકે, તેમની ટીમ આગળ વધતી રહી હતી અને હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્રના ઉચ્ચારણો સાથે આખરી ચડાણ પૂર્ણ કર્યું હતું.
દેસી હાઈકર્સ બેડમિન્ટન ક્લબના ટીમ સભ્યોમાં મિતેશ કોઠારી, જયમીન પટેલ, રાજીવ પટેલ, ડો. નિકેશ મહેતા, રશ્મિન શાહ, સંજેશ પરમાર, હિરેન ગાંધી અને મિલન ગાંધીનો સમાવેશ થયો હતો જેમણે આ મુશ્કેલ ચડાણ માટે એક વર્ષ અગાઉથી તૈયારી આરંભી દીધી હતી. SKLP ગ્રૂપ અને દેસી રેમ્બલર્સ ગ્રૂપ સાથે નિયમિત રવિવારી વોક ઉપરાંત, તેમણે ફિટનેસ સુધારવા કઠોર વ્યક્તિગત તાલીમ પણ લીધી હતી.
ટીમે લેમોસો ગેટ ખાતેથી 15 સપ્ટેમ્બરે સાહસનો આરંભ કર્યો હતો અને આઠ દિવસના ગાળામાં તેમણે 2100 મીટરની ઊંચાઈથી 5985 મીટરની ઊંચાઈએ આવેલા શિખરને સર કર્યું હતું. દેસી હાઈકર્સ ટીમને ટાન્ઝાનિયન શેફ્સ, ગાઈડ્સ અને સામાન ઉચકનારા પોર્ટરોએ સપોર્ટ કર્યો હતો. ભારતીય ખોરાક પર નભીને ટીમે પાયાગત સુવિધાથી માંડી મુશ્કેલ હવામાન સુધીની પડકારજનક પરિસ્થિતિનો સામનો કર્યો હતો. ટીમના બે સભ્યો સંજેશ પરમાર અને હિરેન ગાંધીને આરોગ્ય સમસ્યાઓ નડી હતી પરંતુ, ડો. નિકેશ મહેતાએ અમૂલ્ય મેડિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.