પોતાના મિત્ર પરિવારની બાર વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કરનાર હેરોના ધ બ્રોડવે ખાતે રહેતા બ્રિજેશકુમાર બારોટ નામના ૩૭ વર્ષના યુવાનને બુધવાર તા. ૧૭મી મેના રોજ સધર્ક ક્રાઉન કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. બ્રિજેશને આગામી તા. ૧૪ જૂનના રોજ સજા ફટકારવામાં આવશે. પોલીસ તપાસ દરમિયાન બ્રિજેશના મોબાઇલ ફોનમાંથી ખૂબ જ ગંદા કહી શકાય તેવી માસુમ બાળકોની અશ્લિલ તસવીરો મળી હતી અને પ્રાણીઅોના સંવનન કરતા અશ્લિલ વિડીયો પોલીસને મળ્યા હતા.
માસુમ બાળા અને તેના પરવિારજનોએ કરેલી ફરિયાદ બાદ પોલીસે બ્રિજેશ બારોટની ગત જુલાઇ ૨૦૧૫માં ધરપકડ કરી હતી. પોલીસે બળાત્કાર અને બાળા પર જાતીય હુમલો કરવા બદલ બ્રિજેશ બારોટ સામે કોર્ટમાં તહોમત ફરમાવ્યું હતું. બ્રિજેશ બારોટને તેના મોબાઇલ ફોનમાંથી મળી આવેલા ગંભીર કહી શકાય તેવા પોર્નોગ્રાફીક મટીરીયલ્સને પગલે ગત જાન્યુઆરી ૨૦૧૭માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે ગત સોમવાર તા. ૮મી મે, ૨૦૧૭ના રોજ બાળકોની અશ્લિલ કહી શકાય તેવી તસવીરો મોબાઇલ ફોનમાં રાખવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
ઇવનીંગ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ માસુમ બાળાના માતા પિતાને બ્રિજેશ પર ખૂબજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસના આધારે તેમણે પોતાની માસુમ દિકરીને ડિસેમ્બર ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૫ના સમયગાળા દરમિયાન કેટલાક સમય માટે બ્રિજેશને દેખભાળ માટે સોંપી હતી. આ સમય દરમિયાન બ્રિજેશે પોતાના ઘરમાં વિશ્વાસઘાત કરી માસુમ બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેણી પર જાતીય હુમલા કર્યા હતા.
સેક્સ્યુઅલ અોફેન્સીસ, એક્સપ્લોઇટેશન અને ચાઇલ્ડ એબ્યુઝ કમાન્ડના ડીટેક્ટીવ કોન્સ્ટેબલ જેની સ્ટિવન્સને જણાવ્યું હતું કે "બ્રિજેશ બારોટે માસુમ બાળકીનું સતત શોષણ કરી શકાય તે માટે જેમ બને તેમ વધુ સમય વિતાવી શકાય તે માટે ચાલાકી વાપરી હતી. હું આ વિષે વધારે વિગતે વાત ન કરી શકું પરંતુ બાળકીએ અને તેના પરિવારજનોએ ખૂબજ હિંમત દાખવીને આ કેસને પૂરવાર કરવામાં મદદ કરી હતી. હું આ તબક્કે આવી કપરી પરિસ્થિતીમાં ભોગ બનનાર અને તેના પરિવારજનોને મદદરૂપ થનાર વિવિધ નેટવર્કના પ્રોફેશનલ્સનો આભાર માનુ છું"
આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ બ્રિજેશ બારોટના પરિવારજનો ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે રહે છે. બ્રિજેશ આશરે ચારેક વર્ષ પૂર્વે પત્ની અને પુત્ર સાથે યુકે આવ્યો હતો અને હેરો ખાતે રહેતો હતો. તે વિઝા પૂરા થયા બાદ યુકેમાં રોકાઇ ગયો હતો અને નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. શરૂઆતમાં તેની આર્થિક સ્થિતી સારી ન હતી ત્યારે અમુક ગામવાસીઅોએ તેને આર્થિક મદદ પણ કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ તે ખૂબ જ ધાર્મિક પ્રકૃતીનો હતો અને અમુક લોકો તે આવું કરી શકે તે વાત માનવા પણ તૈયાર નથી. બે વર્ષ પૂર્વે તેણે તેની પત્ની અને પુત્રને ભારત પરત મોકલી દીધા હતા જેઅો હાલમાં પણ ભારતમાં છે. બ્રિજેશના પરિવારજનો વિવિધ કારણે હાલ આર્થિક સંકડામણ અનુભવતા હોવાની માહિતી મળી છે. બ્રિજેશને તેના અપરાધો બદલ તા. ૧૪મી જૂનના રોજ સજા ફટકારવામાં આવશે.
બાળકોને જાતીય શોષણ અને સતામણીથી બચાવો
માસુમ બાળકીઅોની છેડતીના આવા બનાવો અહિં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાયોમાં ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે. જેમાં પેઇંગ ગેસ્ટમાં કે શેરીંગમાં રહેતા નરાધમ વાસનાલોલુપ લોકો પોતાની હવસ પૂરી કરવા માસુમ બાળકોને ભોગ બનાવે છે. કમનસીબે આપણે આપણા સમુદાય, દેશ કે પ્રાંતના સાથે રહેતા લોકો પર કેટલીક વખત આંધળો વિશ્વાસ રાખીએ છીએ. જેમના વિષે કદી કોઇજ માહિતી હોતી નથી તેવા લોકોને આપણે બાળકોના કાકા - મામા બનાવી દઇએ છીએ અને તેમના પર આંધળો વિશ્વાસ મૂકી બાળકોને સોંપી દઇએ છીએ જે ખૂબ જ જોખમી બની શકે છે.
બ્રિટનમાં રહેતા કેટલાય ભારતીય અને ખાસ કરીને ગુજરાતી માતા - પિતા બે - પાંચ પાઉન્ડ બચાવવા માટે સત્તાવાર તાલિમ પામેલ નેની કે બેબીસીટર પાસે બાળકને મૂકતા નથી. અશિક્ષીત, અોવરસ્ટેયર કે વિઝા વગર રહેતા નેની કે બેબીસીટર, બધા ખરાબ નથી હોતા પરંતુ તમારા પ્રાણથી પણ વ્હાલા બાળક માટે તકેદારી ખૂબજ જરૂરી બની જાય છે.
* બને ત્યાં સુધી કોઇ પણ અજાણી વ્યક્તિને બાળક સોંપો નહિં.
* બાળકની તમામ વાત-ફરિયાદને સાંભળો અને તેની વાત પર વિશ્વાસ રાખો અને માનો.
* બાળક પોતાની તમામ વાત કહી શકે તેવો વિશ્વાસ કેળવો અને તેની સાથે પૂરતો સમય ગાળો.
* બાળકનું હરહંમેશ સતત નિરીક્ષણ કરતા રહો. શોષણ કે તેમની વર્તણુંકમાં ફેરબદલના ચિહ્નોને સમજો. કોઇ વડિલ કે વ્યક્તિનો ભય, તાણ, ઉંઘ ન આવવી, ખાવું નહિં વગેરે.
* માત્ર શારીરિક જ નહિં શાબ્દિક સતામણીને પણ અવગણો નહિં. દા. ત. ગાળ, ગંદી વાતો વગેરે..
* બાળકને તેના અધિકારો, શારીરિક અને જાતીય શોષણ વિષે શરમસંકોચ છોડીને સમજ આપો અને તેને બતાવો કે તે પરિવાર માટે સ્પેશ્યલ છે.
* શોષણ બદલ બાળક કે પરિવાર જવાબદાર નથી.
* શાળામાં આ જાતીય બાબતો અંગે સમજ આપતા હોય તો તેમાં બાળક જોડાય તે જરૂરી છે.
* સમાજની શરમ-સંકોચ કે ડર રાખ્યા વગર બાળકના શોષણ અંગે ફરિયાદ કરો. ફરિયાદના અભાવે બાળક સાથે ફરીથી કે બીજા બાળક સાથે પણ બનાવ બની શકે છે.
* આવા સમયે નરાધમને મારઝૂડ કરી કાયદો હાથમાં ન લો.