લંડનઃ આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૧,૧૦૦થી વધુ સીરિયન નિર્વાસિતોને બ્રિટન લાવવામાં આવ્યા છે, જેમાંથી એક પણ નિર્વાસિત ક્રિશ્ચિયન નથી. સીરિયામાં ISIS દ્વારા ખ્રિસ્તીઓ પર દમન અને અત્યાચાર ગુજારાતો હોવાં છતાં ગત વર્ષે ૪,૮૩૨ સીરિયનોને યુકેમાં વસવાટ કરવા બોલાવાયા હતા, જેમાંથી માત્ર ૧૧ ક્રિશ્ચિયન હતા.
માહિતી સ્વાતંત્ર્ય કાયદાઓ હેઠળ બાર્નાબાસ ફંડ ચેરિટીને આ માહિતી આપવામાં આવી છે. ચેરિટીએ યુએન એજન્સી સામે ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે. ક્રિશ્ચિયનોએ સીરિયામાં સાત વર્ષના આંતરિક યુદ્ધમાં યાતના અને ઈસ્લામિક સ્ટેટ દ્વારા દમન સહન કરવા છતાં તમામ આશ્રિતો મુસ્લિમ હતા. ચેરિટીએ જણાવ્યું હતું કે યુદ્ધ અગાઉ સીરિયાની વસ્તીમાં ખ્રિસ્તીની સંખ્યા ૧૦ ટકા જેટલી હતી, જેમને જેહાદીઓએ નિશાન બનાવ્યા હતા. એક સદી અગાઉ, મધ્ય-પૂર્વમાં ખ્રિસ્તીઓની વસ્તી ૨૦ ટકા હતી, જે ઘટીને હવે માત્ર ૪ ટકા રહી છે.
આ વર્ષે યુએન રેફ્યુજી એજન્સી UNHCR દ્વારા બ્રિટનમાં વસવાટ માટે ૧,૩૫૮ નિર્વાસિતની ભલામણ કરાઈ હતી, જેમાં ૧,૧૧૨ સીરિયનોનો સમાવેશ થયો હતો.