લંડનઃ ૬૫ વર્ષના સતીષ પટેલ આગામી ૧૧મી જૂને શિશુકુંજ, લંડનના લાભાર્થે ભંડોળ એકત્ર કરવા માટે વિમાનમાંથી સ્કાય ડાઈવ કરશે. મૂળ ભાદરણ ગામના વતની અને સાઉથ લંડનમાં લગભગ ૨૦ વર્ષ સુધી સુપર માર્કેટ સ્ટોર ચલાવીને નિવૃત્ત થયેલા સતીષભાઈને બાળપણથી સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ હતી. તેઓ નિવૃત્તિનું જીવન ગાળવા માટે લેસ્ટર શીફ્ટ થયા હતા.
યુવા વયે ખૂબ સક્રિય રહેલા સતીષભાઈને એથ્લેટિક્સમાં રસ હતો અને ખાસ કરીને હાઈ જમ્પમાં તેઓ કુશળ બનવા માગતા હતા. વર્ષોથી સ્કાય ડાઈવ કરવાનું તેમનું સ્વપ્ન હતું અને માત્ર પોતાની આકાંક્ષા પૂરી કરવાને બદલે તેમણે ઉમદા હેતુ માટે ભંડોળ એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે.
સતીષભાઈ ભારતમાં કોઈ ચેરિટીને ડોનેશન આપવા વિચારતા હતા. તે દરમિયાન ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક અને તંત્રી સી.બી પટેલ સાથે તેમની મુલાકાત થઈ. વાતચીતમાં સી.બી. પટેલે શિશુકુંજ સંસ્થાનો પરિચય આપીને તેને મદદ કરવા સતીષભાઈને સૂચન કર્યું. સી બી પટેલ વર્ષોથી શિશુકુંજ ને સક્રિયપણે સહાય કરે છે.
તાજેતરમાં સતીષભાઈએ પત્ની નીલમબેન તથા ભાદરણ બંધુ સમાજના જયરાજભાઈ અને દેવેન્દ્રભાઈ સાથે લંડનમાં શિશુકુંજ ની મુલાકાત લીધી. શિશુકુંજ દ્વારા બાળકો માટે થઈ રહેલી કામગીરી નિહાળીને તેઓ પ્રભાવિત થયા અને તેમણે નિર્ણય કર્યો કે મદદ કરવા માટે આ સંસ્થા જ યોગ્ય છે. સતીષભાઈએ જણાવ્યું હતું કે શિશુકુંજ એક અલગ પ્રકારનું મંદિર છે અને બાળકો ભગવાન જેવા છે.
શિશુકુંજના પ્રમુખ સુરજ શાહે જણાવ્યું હતું કે જે વ્યક્તિને શિશુકુંજ સાથે અગાઉ કોઈ સંબંધ નહોતો તેવી વ્યક્તિ ખાસ કરીને અમને જ્યારે મોટા ભંડોળની જરૂર છે ત્યારે મદદ કરવા માટે પ્રેરાઈ છે તે અમારા યુવા સભ્યોએ કરેલા સદકાર્યોનો પુરાવો છે.
શિશુકુંજ વિશે વધુ માહિતી માટે www.shishukunj.org.uk જુઓ.