૭૦ મિલિયન બેન્કખાતાની તપાસઃ બેન્કો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ શોધશે

Wednesday 27th September 2017 06:47 EDT
 
 

લંડનઃ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર ત્રાટકવા વડા પ્રધાન થેરેસા મે જાન્યુઆરીથી યુકેની બેન્કો અને બિલ્ડિંગ સોસાયટીઝની સહાય મેળવી તેમના માટે ‘મુશ્કેલ વાતાવરણ’ સર્જશે. નાગરિકતાને ધ્યાનમાં લીના વિના જ દેશના ૭૦ મિલિયન બેન્ક એકાઉન્ટ્સ માટે ઈમિગ્રેશન ચેકિંગ હાથ ધરાનાર છે. બાર્કલેઝ બેન્કના પ્રવક્તાએ જણાવ્યું છે કે બેન્કો તો ઈમિગ્રેશન એક્ટ ૨૦૧૬નો અમલ જ કરી રહી છે.

બેન્કખાતાંઓનું ચેકિંગ ત્રિમાસિક ધોરણે કરવામાં આવશે. હોમ ઓફિસ તપાસના પ્રથમ વર્ષમાં વિઝા ઓવરસ્ટેયર્સ, એસાઈલમ મેળવવામાં નિષ્ફળ અને ડિપોર્ટેશનનો સામનો કરી રહેલા અપરાધીઓ સહિત ૬૦૦૦ લોકોની ઓળખ કરવાની ધારણા રાખે છે. જે ખાતાંની ઓળખ કરાઈ છે તેને બંધ અથવા સ્થગિત કરી દેવાશે જેથી આ લોકોને યુકેમાં સ્થિર જીવન સ્થાપિત કરવામાં કે જાળવવામાં મુશ્કેલી પડે. નોંધપાત્ર સિલક ધરાવતાં ખાતાં સ્થગિત કરવાથી લોકોને સ્વૈચ્છિકપણે દેશ છોડી જવા પ્રોત્સાહન મળશે જેથી દેશ છોડી ગયા પછી આ રકમો તેમને પરત મળી શકે.

બેન્કોને જો કોઈ ભૂલ થાય તો આવા ગ્રાહકો બ્રિટનમાં કાયદેસરનો વસવાટ કરે છે તે દર્શાવવા પાસપોર્ટ અથવા બાયોમેટ્રિક રેસિડન્સ પરમીટ રજૂ કરે તો પણ હોમ ઓફિસનો સંપર્ક કરવાનું ગ્રાહકોને જણાવવાની સૂચના અપાઈ છે.

ઈમિગ્રેશન એક્ટ ૨૦૧૪ હેઠળ નવા બેન્ક અથવા બિલ્ડિંગ સોસાયટી એકાઉન્ટ ખોલાવવા માટે ઈમિગ્રેશન દરજ્જાનું ચેકિંગ જરૂરી છે પરંતુ, બ્રિટનમાં દરેક કરન્ટ એકાઉન્ટની અગાઉ તપાસ હાથ ધરાઈ નથી. નવા કાયદા હેઠળ બેન્કોએ હોમ ઓફિસ દ્વારા અપાયેલા ડેટાબેઝ સામે દરેક એકાઉન્ટ હોલ્ડરની ઓળખ ચકાસવી પડશે. આ ડેટાબેઝમાં હોમ ઓફિસ જેઓને દેશનિકાલ માટે યોગ્ય માને છે તેવા વિઝા ઓવરસ્ટેયર્સ, એસાઈલમ મેળવવામાં નિષ્ફળ અથવા ઈમિગ્રેશન અટકાયતથી નાસતા લોકોની વિગતો છે. બેન્કખાતાં બંધ ન કરી શકાય તેવી જોગવાઈ પણ છે જેના કારણે ખાતાધારકને જીવનનિર્વાહમાં મુશ્કેલી ઉભી થશે.

હોમ ઓફિસના સૂત્રો અનુસાર સૂચિત પગલાથી બ્રિટનમાં રહેવાની કાયમી છૂટ ન હોય તેવા કાયદેસરના માઈગ્રન્ટ્સને બેન્કસેવા ઓફર કરવામાં મુશ્કેલી પડી શકે છે પરંતું, આવી સ્થિતિ પર નજર રખાશે. બેન્કિંગ કાયદાઓ કાયદેસર રહેવાસી ગ્રાહકો સાથે ભેદભાવ પર પ્રતિબંધ લગાવે છે. ઈમિગ્રેશન એક્ટ ૨૦૧૬નું અન્ય મહત્ત્વનું પગલું ‘રાઈટ ટુ રેન્ટ’ તપાસનું છે, જે અનુસાર ગેરકાયદે માઈગ્રન્ટ્સને ઘર ભાડે આપતા પહેલા મકાનમાલિકે તેમના ઈમિગ્રેશન દરજ્જાની તપાસ ન કરે તો ભારે દંડ ભોગવવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter