‘Uprooted 50 Years Ago’ઃ યુવા પેઢીને વારસાની સમજ આપતો મેળાવડો

આ 50 વર્ષની ઉજવણીના ગાળામાં યુગાન્ડામાં સ્કૂલ્સ, આઈ ક્લિનિક્સ સહિત કુલ 50 પ્રોજેક્ટ્સ કરાશે

Wednesday 12th October 2022 02:56 EDT
 
 

લંડનઃ યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણી અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ન્યૂબરી રગ્બી ક્લબ ખાતે 24 સપ્ટેમ્બર 2022ના દિવસે વિશિષ્ઠ મેળાવડો ‘Uprooted 50 Years Ago - અપરુટેડ 50 યર્સ અગો’ યોજાયો હતો. લંડનસ્થિત રેપર અને સંગીતકાર NX પેન્થરે ખાસ આ કાર્યક્રમ માટે લખાયેલું ગીત ‘Uprooted’ ગાયું હતું. આ કાર્યક્રમ યુવા પેઢીઓને તેમની ધરોહર વિશે સમજવામાં મદદરૂપ થવાના હેતુથી યોજાયો હતો.

ન્યુબરીના મેયર ગેરી નોર્મને જણાવ્યું હતું કે,‘આ કાર્યક્રમ માણવા જેવો લાગ્યો. ઘણા સારા વક્તાઓ હતા અને સ્ટોરીઝ ખરેખર મર્મભેદક હતી.’ જર્નાલિસ્ટ યાસ્મિન અલીભાઈ-બ્રાઉને જણાવ્યું હતું કે,‘ યુગાન્ડાથી આવેલા એશિયનો દ્વારા કહેવાયેલા વર્ણનોથી બધાને સારું લાગ્યું પરંતુ, જે સ્ટોરીઝ કહેવાઈ નથી તેનું શું.’ તેમણે ‘અમે નિર્વાસિતો ન હતા’ વિશે વાત કરી હતી.

ઈવેન્ટના આયોજક પ્રજ્ઞા હેએ જણાવ્યું હતું કે,‘ઈદી અમીન પર સવાર થયેલાં ગાંડપણના કારણે યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા યુગાન્ડન એશિયનો યુકેમાં આવ્યાને ઓગસ્ટ 2022માં 50 વર્ષ પુરા થયા છે. યુગાન્ડાને પોતાનું વતન બનાવી ચુકેલા આશરે 80,000 એશિયનોના જીવનમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. અમારું ધ્યેય એશિયનોની યાતનાને પ્રકાશમાં લાવવાની સાથોસાથ જે લોકો ત્યાં રહી ગયા હતા, જે વોલન્ટીઅર્સે યુકેમાં આવનારા લોકોને નવા જીવનમાં સ્થાયી થવામાં મદદ કરી તેમજ એશિયનોને સલામત રીતે તે દેશ છોડવામાં મદદરૂપ થવા યુગાન્ડા મોકલાયા હતા તેવા લોકોને તેમજ યુગાન્ડામાં શિક્ષક વગેરે તરીકે કામ કરતા બ્રિટિશ લોકોની પણ હકાલપટ્ટી કરાઈ હતી તેમની વાતો પણ પ્રકાશમાં લાવવાનું હતું. આપણે તેમનો અવાજ બનવાની પણ જરૂર છે.’

ધ વન્સ અપોન અ ટાઈમ 50 યર્સ અગો (OUT50) ટીમ આગામી મહિનાઓમાં વધુ રોમાંચક ઈવેન્ટ્સ લાવવાનું આયોજન કરી રહી છે. વર્તમાન પ્રોજેક્ટ્સમાં બેથ ફ્લિનટોફ અને પ્રજ્ઞા હે દ્વારા લિખિત તેમજBBC Berkshire સાથે RABBLE Theatre દ્વારા નિર્મિત રેડિયો ડ્રામાનો સમાવેશ થાય છે. Uprooted 50 Years Ago પ્રદર્શન ગ્રીનહામ કન્ટ્રોલ ટાવર, બરીઝ બેન્ક રોડ, ન્યુબરી Berks RG19 8BZ ખાતે યોજાયું છે અને તે 18 ડિસેમ્બર 2022 સુધી ખુલ્લું રહેશે. 2023ના સ્પ્રિંગમાં આ પ્રદર્શન પુનઃવસનના અન્ય કેમ્પ સમરસેટના યેઓવિલ ખાતે યોજાશે. BBC Berkshire પર 17 ઓક્ટોબરે અને તે પછી BBC Sounds પર ઓડિયો નાટક ‘ધ ન્યૂકમર્સ’ રીલીઝ કરાશે. યુગાન્ડાથી હકાલપટ્ટીના આ 50 વર્ષની યાદની ઉજવણી દરમિયાન યુગાન્ડામાં કુલ 50 પ્રોજેક્ટ્સ કરવામાં આવશે જેમાં, આઈ ક્લિનિક્સ, સ્કૂલ્સ, પાણીના કૂવા અને અનાથાલયોને સપોર્ટ સહિતનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter