લંડનઃ વિશ્વપ્રસિદ્ધ બર્મિંગહામ પેલેસની બહાર તલવારથી પોલીસ અધિકારીઓ પર હુમલાની ઘટનામાં વેસ્ટ લંડનના અન્ય ૩૦ વર્ષીય યુવકની પણ આતંકવાદની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. અગાઉ શુક્રવાર, ૨૫ ઓગસ્ટની રાત્રે લૂટનના ૨૬ વર્ષના યુવકે ‘અલ્લાહુ અકબર’ના નારાઓ સાથે ચાર ફૂટ લંબાઈની તલવારથી હુમલો કરવાની ઘટનાથી ભારે સનસનાટી ફેલાઈ હતી. હુમલાખોર યુવકને CS ગેસના ઉપયોગથી ઝડપી લેવાયો હતો પરંતુ, ત્રણ નિઃશસ્ત્ર પોલીસ અધિકારીને ઈજા થઈ છે. સ્કોટલેન્ડ યાર્ડે આતંકી હુમલો ગણી આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
મેટ્રોપોલીટન પોલીસ અધિકારીઓએ ત્રાસવાદી કૃત્યના આચરણ, તૈયારી અને ઉશ્કેરણીની શંકાના આધારે રવિવાર, ૨૭ ઓગસ્ટે પશ્ચિમ લંડનમાંથી ૩૦ વર્ષીય યુવકની પણ ધરપકડ કરી છે.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર પર ગંભીર શારીરિક ઈજા પહોંચાડવા તથા પોલીસ પર હુમલો કરવાનો આરોપ મુકાયો છે. ત્યારબાદ બ્રિટિશ ટેરરિઝમ એક્ટ,૨૦૦૦ અન્વયે બીજીવાર તેની ધરપકડ કરાઈ છે. આ ઘટના સમયે રાણી એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવારના સભ્યે બર્મિંગહામ પેલેસમાં ઉપસ્થિત ન હતાં. ૯૧ વર્ષના એલિઝાબેથ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં છે અને શાહી પરિવારના અન્ય વરિષ્ઠ સભ્યો રજાની મોજ માણી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે એક કાર ઈરાદાપૂર્વક પોલીસ વાન પાસે આવી હતી અને બર્મિંગહામ પેલેસ પાસે કોન્સ્ટિટયૂશન હિલના પ્રતિબંધિત વિસ્તાર સામે આવી ઉભી રહી હતી. નિઃશસ્ત્ર પોલીસ અધિકારીઓ કાર પાસે ગયા હતાં અને કાર ડ્રાઈવરને પડકાર્યો હતો. આ પછી ડ્રાઈવરે ચાર ફૂટ લાંબી તલવાર સાથે તેમના પર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં ત્રણ અધિકારીઓને સામાન્ય ઈજા થઈ હતી. હુમલાખોર વ્યક્તિ કારમાં એકલો જ હતો અને અલ્લાહો અકબરની બુમો પાડતો હતો. તેને CSગેસથી નિયંત્રણમાં લેવાયો હતો.
બે અધિકારીઓને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર પછી જવા દેવાયા હતાં. જ્યારે ત્રીજા અધિકારીને સારવારની જરૂર જ ન હતી. હુમલાખોરને પૂછપરછ માટે સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.