લંડનઃ સભ્ય સમાજના રસના સાંપ્રત વિષયોને આવરી લેતી ધ ઈસ્માઈલી સેન્ટર લેક્ચર સીરિઝમાં ઈસ્ટ આફ્રિકાના બે વિદ્વાનો વચ્ચે વર્ચ્યુઅલ વાર્તાલાપનું આયોજન કરાયું છે. ક્રોસ કલ્ચરલ મેડિએશન વિશે આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડો. મોહમ્મદ એમ. કેશવજી અને એન્થ્રોપોલોજિસ્ટ અને સ્વાહિલી ભાષાના નાટ્યલેખક ડો. ફારુક ટોપાન ગુરુવાર બીજી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સાંજના ૮ કલાકે (BST) ismaili/TV પર આ વાર્તાલાપમાં જોડાશે.
આફ્રિકામાં નોંધપાત્ર એશિયન યોગદાન વિશેના આ વાર્તાલાપનો આરંભ મોહનદાસ કરમચંદ ગાંધીએ ૧૮૯૪માં પોરબંદરના મેમણ બિઝનેસમેન દાદા અબ્દુલ્લાની મદદ સાથે આફ્રિકામાં સૌથી જૂના રાજકીય પક્ષની સ્થાપના કરી તેનાથી કરાશે. ૨૦મી સદીમાં સાઉથ આફ્રિકામાં રંગભેદની નાબૂદીમાં ભારતીયોના ગણનાપાત્ર પ્રદાનની વાત આવશે.
આ જ રીતે ઈસ્ટ આફ્રિકામાં આઝાદીની લડતમાં હુસેન સુલેમાન વીરજી, એ.એમ. જીવણજી, એમ.એ દેસાઈ, માખન સિંહ અને પિઓ ગામા પિન્ટો જેવા એશિયન મહાપુરુષોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ડો. ફારુક ટોપાનના દાદા સર થારીઆ ટોપાન અગ્રણી પ્રણેતા બિઝનેસમેન અને પરગજુ મહાનુભાવ હતા જેમણે ડેવિડ લિવિંગ્ટન ૧૮૫૦ના દાયકામાં દાંધીબાર હતા ત્યારે પોતાનું ઘર રહેવા આપ્યું હતું.
ડો. ટોપાન કહે છે કે, ‘આપણો ઈતિહાસ આજે ચાર અલગ રીતે- એકેડેમિયા, સ્મરણો, પોતાના મૂળિયા શોધતી યુવા પેઢીની જિજ્ઞાસા અને કલ્પના થકી કહેવાઈ રહ્યો છે. ટુંકી વાર્તાઓનું ડો. કેશવજીનું પુસ્તક ‘Diasporic Distraction (ડાયાસ્પોરિક ડિસ્ટ્રેક્શન)’ મનોરંજક અને શૈક્ષણિક રીતે ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. આપણી જૂની પેઢી હજુ જીવે છે ત્યાં સુધી આપણે ઈતિહાસને કાયમી સ્વરુપ નહિ આપીએ તો મહત્ત્વને હિસ્સો ગુમાવી બેસવાનો ભય છે.’