ઈન્ટરનેશનલ સાઈબર એટેકને ફેલાતો અટકાવનાર ‘એક્સિડેન્ટલ હીરો’ મારકસ હચિન્સ જાતે જ તાલીમ લેનારો સિક્યુરિટી નિષ્ણાત છે, જે પોતાના ફેમિલી હોમમાંથી જ કામકાજ કરે છે. મારકસની આજે વાહ-વાહ થાય છે પરંતુ, સાઉથ-વેસ્ટ ઈંગ્લેન્ડના આ ૨૨ વર્ષના બ્લોગરે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો નથી અને તેના ટેકનિકલ બ્લોગ પરના લખાણો જોઈને જ કેલિફોર્નિયા વેબ સિક્યુરિટી કંપનીએ તેને કામે રાખી લીધો હતો. મારકસે અજાણતા જ વિનાશક સોફ્ટવેરમાં રહેલી ‘કિલ સ્વીચ’ને એક્ટિવેટ કરી હતી, જેના પરિણામે વિશ્વના ૧૦૦થી વધુ દેશોને અધ્ધર કરી નાખનારો સાયબર એટેક ફેલાતો અટકી ગયો હતો. મારકસે પોતાની ઓળખ જાહેર કરી ન હતી પરંતુ, બે દિવસમાં જ તેનું નામ અને ફોટો અખબારોમાં પ્રસિદ્ધ થઈ ગયો હતો.
મારકસ હચિન્સને કોઈ ગંભીર લાયકાત વિના જ શાળાકીય અભ્યાસ પછી પ્રથમ નોકરી મળી ગઈ હતી. આ નોકરી મળવા માટે સોફ્ટવેર રાઈટિંગની તેની કુશળતા અને ટેક બ્લોગ કારણભૂત બન્યા હતા. તે હવે લોસ એન્જલસસ્થિત થ્રેટ ઈન્ટેલિજન્સ કંપની ક્રીપ્ટોસ લોજિક માટે કામ કરે છે.
મારકસે શુક્રવારની ઘટના સંબંધે જણાવ્યું હતું કે તે મિત્રની સાથે લંચ કરીને પાછો આવ્યો ત્યારે NHS અને વિવિધ યુકે ઓર્ગેનાઈઝેશન્સને સાઈબર એટેકથી અસર થયાનું જણાવતા આર્ટિકલ્સ જોવાં મળ્યાં હતાં. તેણે આ લેખો વાંચતા તેને માલવેરનું સેમ્પલ જોવા મળ્યું હતું, જે રજિસ્ટર્ડ નહિ થયેલાં કોઈ ચોક્કસ ડોમેઈન સાથે જોડાતું હતું. આ ડોમેઈન તેણે રજિસ્ટર્ડ કરાવ્યું ત્યારે તેને જાણ ન હતી કે આમ કરવાથી માલવેર આગળ વધતું અટકી જશે. આમ, અકસ્માતે જ ઈન્ટરનેશનલ સાઈબર એટેક અટકાવી દેવાનું કાર્ય મારકસના હાથે થયું હતું.