લંડનઃ ખૂબ કિંમતી એશિયન ગોલ્ડેને લક્ષ્ય બનાવીને એન્ફિલ્ડમાં બનેલી ચોરી અને લૂંટની ઘટનામાં ચોરોએ કુલ ૧૦૦,૦૦૦ પાઉન્ડની કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હોવાનું સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે જણાવ્યું હતું. એન્ફિલ્ડમાં એક ઘરમાં અચાનક ઘૂસી આવેલા બુકાનીધારી શખ્સોની ગેંગે પ્રેક્ટિસ કરતા ૭૫ વર્ષીય GP અને તેમના ૬૪ વર્ષીય પત્ની તેમજ મુલાકાતે આવેલા એક મિત્રને લગભગ એક કલાક સુધી બંધક બનાવીને ઘરમાં લૂંટ કરી હતી. તેમણે GP ને તેમની વોકિંગ સ્ટીકથી માર માર્યો હતો અને તેમના પત્નીની આંખમાં બ્લીચ છાંટ્યુ હતું. તેમણે નાઈફ, સ્ક્રૂ ડ્રાઈવર અને હેમર બતાવીને ધમકી આપી હતી.
લૂંટારાઓએ આ ત્રણેને એક રૂમમાં પૂરી દઈને ઉપરના માળે આવેલા ચાર બેડરૂમમાંથી જ્વેલરી, ઘડીયાળો, રોકડ અને વારસામાં મળેલી કિંમતી ચીજવસ્તુઓ સહિત કુલ ૩૦,૦૦૦ પાઉન્ડની કિંમતની માલમતા લૂંટી ગયા હતા.
GP એ જણાવ્યું હતું કે તેઓ ટીવી જોતા હતા અને તેમના પત્ની કિચનમાં ભોજન બનાવવા ગયા હતા. તે કિચનમાં પહોંચ્યા કે તરત આ શખ્સો હોલમાં આવી ગયા હતા. તેઓ પત્નીને લોંજમાં ઘસડી ગયા અનેબધા પડદા પાડી દીધા. તેમણે અમને અંધારામાં રાખ્યા અને કશું બોલ્યા વિના માત્ર ટેબલ પર હાથ રાખીને બેસવા અને બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડોક્ટર પ્રાર્થના કરતા હતા તો તેમને ચૂપ કરાવવા માટે એક શખ્સે તેમની જ સ્ટીક લઈને માર માર્યો હતો.
આ ઘટનાના ત્રણ દિવસ અગાઉ આર્નોસ ગ્રોવમાં તેમની ૪૧ વર્ષીય પુત્રીના મકાનમાં ચોરી થઈ હતી. તે એક ચેરિટી ઈવેન્ટમાં ગઈ હતી ત્યારે ઘરમાં ઘૂસેલા ચોરો ૧૨,૦૦૦ પાઉન્ડની રોલેક્સ, ૧૫,૦૦૦ પાઉન્ડની ડાયમન્ડની એંગેજમેન્ટ રિંગ, ૫,૦૦૦ પાઉન્ડની એંગેજમેન્ટ રિંગ, કાર્ટિયરની ઘડિયાળ અને જીમી ચૂ હેન્ડ બેગ મળીને કુલ ૭૦,૦૦૦ પાઉન્ડની માલમતા ચોરી ગયા હતા.
ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર પૌલ રિડલીએ જણાવ્યું હતું કે આ બધી લૂંટ અને ચોરી ખૂબ કિંમતી ‘ એશિયન ગોલ્ડ’ને લક્ષ્ય બનાવીને કરાઈ હતી. (૩૧૩)