અહીંના નોર્થ વેસ્ટ લંડનમાં ડેનહામ સ્થિત અનુપમ મિશનમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આયોજીત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દીકરા દેવદાસ અને ચક્રવર્તી રાજગોપાલાચારીના દીકરી લક્ષ્મીના પુત્ર રાજમોહન ગાંધી (ઉ.વ. 88)ને ‘ગુજરાતી અને ભારતીય પ્રજાનું વૈશ્વિક ડાયસ્પોરામાં યોગદાન અને પડકારો’ વિશે વિચારો રજૂ કરવા એક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું.
સ્વાભાવિક છે ગાંધીજીના પૌત્ર હોવાના કારણે અને દાદાજીના સહવાસમાં જીવનના કેટલાક અમૂલ્ય વર્ષોના અનુભવોના લીધે રાજમોહન ગાંધીના વક્તવ્યમાં ગાંધીજીના વ્યક્તિત્વમાંથી શીખેલી અને મેળવેલી વાતોમાં અને સૂચનોમાં ડાયસ્પોરા વિશે ભૂતકાળમાં એમણે બ્રિટનમાં વીતાવેલ વિદ્યાર્થીજીવન પછી કારકિર્દીના 21 વર્ષોનો દક્ષિણ આફ્રિકામાં વસવાટ, સંઘર્ષ અને આઝાદી માટેની વિદેશ યાત્રાઓ દરમિયાન નોંધેલી અનેક વાતો પડઘાતી હતી.
તેમણે પ્રવચનમાં પોતાના મૂળ દાયરામાંથી બહાર નીકળીને દેશાંતર કરતા મજદૂરો, ડબલ નાગરિકત્વ ધરાવતા લોકો, વિદેશી વિદ્યાર્થીઓ, બીજી-ત્રીજી-ચોથી પેઢીના વિદેશીઓ, ડાયસ્પોરાના ત્રણ પ્રકારો: ઉત્પીડિત ડાયસ્પોરા, શ્રમિક ડાયસ્પોરા અને વ્યાપારી ડાયસ્પોરા સહિતના મુદ્દાને આવરી લીધા હતા. રાજમોહન ગાંધીએ એમના વ્યક્તવ્યમાં કહ્યું કે બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીએ પોતાને ‘પહેલા ગિરમીટિયા' તરીકે ગણાવ્યા હતા. ગિરમીટિયા એટલે વેઠિયા મજદૂર. હળવાશથી એમનું કહેવું હતું એ પણ ક્યારેક એક NRI (નોન-રેસિડેન્ટ ઇંડિયન) હતા.
24 વર્ષની ઉંમરે ગાંધી ખુદ એક વર્ષના એગ્રિમેન્ટ પર બેરિસ્ટર તરીકે દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકાના શેઠ અબ્દુલાએ ગાંધીને બેરિસ્ટરની સેવા આપવા બોલાવ્યા હતા. એક જ અઠવાડિયામાં ગાંધીને કડવા અનુભવો થયા અને ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો, અને આ અનુભવો થકી એમનામાં સત્યાગ્રહ આંદોલનના બીજ રોપાયા હતા. વતન છોડી ઘરઝૂરાપો વેઠતા એ સહુ નથી ત્યાંના થઈ શકતા કે નથી વતનના રહી શકતા. બસ ત્રિશંકુની જેમ બંને વિશ્વો વચ્ચે લટકતા રહે છે.
જોકે રાજમોહન ગાંધીનો એક અભ્યાસ વિચાર માંગી લે એવો છે. વિદેશમાં વસતા બહુ ઓછા ભારતીય લેખકોનું પ્રદાન વિદેશી સાહિત્ય અને અન્ય વિષયો પર રહ્યું છે, અને આપણે પણ સ્થાનિક પ્રજા સાથે સામાજિક, સાંસ્કૃતિક અને વૈચારિક આદાનપ્રદાન કરવું જોઇએ.
એક પત્રકાર, લેખક અને તંત્રી તરીકે પોતાના વિચારો રજૂ કરવા એમણે એ દિવસોમાં સાઉથ આફ્રિકા અને લંડનના વસવાટ દરમિયાન અનેક અખબારોમાં એમના લેખો છપાયા અને આમ સ્થાનિક પ્રજાને પોતાના વિચારોથી વાકેફ કરવા ઉપરાંત સાઉથ આફ્રિકન અને અંગ્રેજ પુરુષ અને મહિલા મિત્રો મેળવવામાં મદદ કરી હતી.
રાજમોહન ગાંધીએ તેમના સંબોધનમાં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ઉપરાંત એમણે લખેલા અનેક પુસ્તકો સાથે એમના લંડનના વિદ્યાર્થીકાળના નિવાસ દરમિયાન લંડન વિશે અને એ દિવસોમાં લખાયેલી એમની અપ્રકાશિત ડાયરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં એમણે અંગ્રેજ પ્રજા અને એ દિવસોની જીવનશૈલી વિશેની વાતો પણ વણી લીધી હતી.
રાજમોહન ગાંધીના મંતવ્ય પ્રમાણે પ્રત્યેક વિસ્થાપિત પ્રજાઓએ એમને આવકાર આપનાર અને સ્વીકારનાર દેશમાં આદર સાથે હળીમળીને રહેવું જોઇએ.