‘ચાર દિવસ કામ, બાકી આરામ’નો પાઈલોટ પ્રોજેક્ટ

Wednesday 08th June 2022 02:45 EDT
 
 

 

લંડનઃ પ્લેટિનમ જ્યુબિલીની ચાર હોલીડેઝ પછી હવે બ્રિટનમાં સપ્તાહમાં માત્ર ચાર દિવસ કામકાજની ઝૂંબેશ શરૂ થનાર છે. વિશ્વભરમાં ચાર દિવસ કામ બાકી આરામની વ્યવસ્થા આરંભાય તે પહેલા વિશ્વનો સૌથી મોટો પાઈલોટ પ્રોજેક્ટ બ્રિટનમાં શરૂ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની ટ્રાયલમાં 70 કંપનીઓના 3300 કર્મચારીઓ સામેલ થશે

થિન્ક ટેન્ક ઓટોનોમી, 4 ડે વીક કેમ્પેઇન અને ક્રેમ્બિજ યુનિવર્સિટી, ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન કોલેજના સંશોધકોના સહયોગથી 4 ડે વીક ગ્લોબલ દ્વારા આયોજિત આ ટ્રાયલમાં કર્મચારીઓ 6 મહિના સુધી સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ કામ કરશે.આ ટ્રાયલ 100:80:100ના ગુણોત્તર પર આધારિત છે, જેમાં 100 ટકા ઉત્પાદકતા જાળવી રાખવાના વાયદાના બદલામાં 80 ટકા સમય માટે 100 ટકા વેતન આપવામાં આવશે.

આ દરમિયાન કોર્પોરેટ પ્રોડક્ટિવિટીની સાથે જ કર્મચારીઓના હિત અને પર્યાવરણ સહિત જાતીય સમાનતા પર અસરનું પણ આકલન કરાશે. આ માટે સંશોધકો પ્રત્યેક ભાગ લેનારા સંગઠનો સાથે જોડાશે. તેમાં સોફ્ટવેર ફર્મથી લઇને ચિપ્સ બનાવતી કંપનીને સામેલ કરાઇ છે. કર્મચારીઓના એક લીડરે કહ્યું કે સામાન્યપણે તેઓ વધુ કામને કારણે થાક અનુભવે છે એટલે આશા છે કે, આરામ કરવા માટે વધુ સમય મળવાથી ઊર્જા પણ વધશે.

આ વર્ષના અંત સુધીમાં સ્પેન અને સ્કોટલેન્ડમાં પણ બ્રિટનની માફક જ ચાર દિવસીય સપ્તાહની ટ્રાયલ શરૂ થશે. કોરોના બાદ કંપનીઓ ઓછા કલાકોમાં વધુ આઉટપુટ કઇ રીતે આપી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી તેઓ સ્પર્ધામાં મજબૂત રીતે ટકી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter