લંડનઃ કમિશન ઓન ધ ફ્યુચર ઓફ મલ્ટિ-ઈથનિક બ્રિટનના પૂર્વ અધ્યક્ષ લોર્ડ ભીખુ પારેખે પૂર્વ ક્રિકેટર અઝિમ રફિકે તેની સાથે કરાયેલા રંગભેદી વ્યવહાર બાબતે આગળ આવી બોલવાની હિંમત કરી તેને બિરદાવી હતી. પૂર્વ ક્રિકેટરની કથનીથી ભારે વ્યથિત લોર્ડ પારેખે કહ્યું હતું કે ટોરી પાર્ટીની સરકારોએ બહુસાંસ્કૃતિકવાદ - Multiculturalismને જે રીતે જાકારો આપ્યો તેનાથી રફિકે અનુભવેલા ‘વલ્ગર રેસિઝમ - અસંસ્કારી રંગભેદ’ને ફૂલવા-ફાલવામાં મદદ મળી છે. લેબર પાર્ટીની બહુસાંસ્કૃતિકવાદની નવી રેસ પોલિસીને આકાર આપનારા રિપોર્ટના આલેખક અને ૨૦૦૩થી ૨૦૦૮ના સમયગાળામાં એકેડેમી ઓફ સોશિયલ સાયન્સીઝના પ્રમુખ રહેલા લોર્ડ પારેખે રનીમીડ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કમિશનના ભાગરૂપે વર્ષ ૨૦૦૦માં એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ જારી કર્યો હતો. જેને તત્કાલીન હોમ સેક્રેટરી જેક સ્ટ્રોએ ‘ઘણા વર્ષો સુધી રંગભેદી ભેદભાવ પરની રાષ્ટ્રીય ચર્ચામાં અતિ મહત્ત્વપૂર્ણ યોગદાન’ તરીકે બિરદાવ્યો હતો.
ગત મંગળવાર, ૧૬ નવેમ્બરે અઝિમ રફિકે ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ સિલેક્ટ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, ‘P-word’, ‘elephant washers’ અને ‘you lot’ જેવાં શબ્દોનો ઉપયોગ સામાન્ય હતો ને રંગીન ત્વચા ધરાવતા ખેલાડીઓને ‘Kevin’ તરીકે ઓળખાવાતા હતા. તેમણે કહ્યું હતું કે બાર્ન્સ્લી ક્રિકેટ ક્લબમાં તે ૧૫ વર્ષનો હતો ત્યારે તેની ધર્મભાવનાથી વિરુદ્ધ તેના ગળામાં વાઈન રેડવામાં આવતો હતો. રફિકની આ જુબાનીએ ઈંગ્લિશ ક્રિકેટમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે અને કટોકટી સર્જી છે.
લેબર પાર્ટીના ઉમરાવ ભીખુ પારેખે જણાવ્યું હતું કે, ‘આજે આપણે જે નિહાળી રહ્યા છીએ તે કદી કલ્પના પણ કરી ન હોય તેવા રંગભેદનો સૌથી હલકટ પ્રકાર છે. એશિયન અને અશ્વેત લોકોની હાજરીના પરિણામે ઈંગ્લેન્ડમાં ઘણો બદલાવ આવ્યો છે. મ્યુઝિક, ડ્રામા, થીએટર, મોડે સુધી ખુલ્લી રહેતી કોર્નર શોપ્સ, પારિવારિક મૂલ્યો તરફ નજર નાખશો તો ખ્યાલ આવશે કે આ બધાએ બ્રિટિશ સંસ્કૃતિને બદલી નાખી છે. આ જ રીતે, એશિયનો પણ બ્રિટિશ સંસ્કૃતિના કારણે બદલાયા છે. જે લોકો આ બધાને સ્વીકારવા ઈચ્છતા નથી તેઓ આ પ્રકારના હલકટ રેસિઝમનો આશરો લે છે.’
ડેવિડ કેમરને ૨૦૧૧માં વડા પ્રધાન બન્યા પછી પ્રથમ પ્રવચનમાં બહુસાંસ્કૃતિકવાદને વખોડી ફગાવી દીધો હતો તેના ૧૦ વર્ષ પછી લોર્ડ પારેખે આમ જણાવ્યું હતું. એન્જેલા મર્કેલ અને અન્ય તત્કાલીન રાજકીય નેતાઓએ કેમરનની ટીકાનો પડઘો પાડ્યો હતો. આ બાબત લેબર પાર્ટીના વૈવિધ્યતા સંદર્ભે નવા અભિગમથી તદ્દન વેગળી હતી.
લોકોએ ફગાવેલા મલ્ટિકલ્ચરાલિઝમ અને રફિક દ્વારા અનુભવાયેલા રંગભેદી શોષણ-દુરુપયોગ વચ્ચે કોઈ સંબંધ ખરો તેવા પ્રશ્નના ઉત્તરમાં લોર્ડ પારેખે જણાવ્યું હતું કે તેઓ આમ માને છે પરંતુ, ‘કોઈ સીધો સંબંધ નથી કારણ કે હું કલ્પી શકું છું કે લોકો બહુસાંસ્કૃતિક હોઈ શકે પરંતુ, સાથોસાથ રંગભેદી ન હોઈ શકે. એક વિચારસરણીમાંથી બીજી વિચારસરણીમાં ઢળી જવાનું કેટલું સરળ હોય છે તે હું બરાબર જોઈ શકું છું.’
તેમણે જણાવ્યું હતું કે બહુસાંસ્કૃતિકવાદનો અર્થ સમજ્યા વિના જ લોકોએ તેના પર હુમલા કર્યા હતા. દરેક સંસ્કૃતિ સ્વાવલંબી હોય છે તેવા સંકુચિત અર્થને તેમણે પકડ્યો છે. અન્ય સંસ્કૃતિમાંથી મેળવાયેલા માપદંડોથી તેની ટીકા થઈ શકે નહિ અને આથી, દરેક સંસ્કૃતિ અત્યંત પવિત્ર હોય છે અને ટીકાથી પર હોય છે; આથી તેના કેટલાક અધિકારો હોય છે જે રાજ્યે તેને આપવા જોઈએ. સ્વસ્થ માનસિક ધરાવતા કોઈએ પણ આ માટે હિમાયત કરી નથી.’
બહુસાંસ્કૃતિકવાદના પુનર્વિચાર અંગે વિસ્તૃત લખનારા લોર્ડ પારેખે ઉમેર્યું હતું કે, ‘બહુસાંસ્કૃતિકવાદનો અર્થ એ છે કે કોઈ સંસ્કૃતિ સર્વાંગસંપૂર્ણ નથી. દરેક સંસ્કૃતિમાં ખામી હોય છે, તેણે અન્ય સંસ્કૃતિમાંથી શીખવાનું હોય છે અને આથી અમે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવા માગીએ છીએ જ્યાં, દરેક પોતાની જ ટીકા કરવાનું - ગુણદોષ જોવાનું શીખી શકે તેમજ અન્ય સંસ્કૃતિઓના ખજાનાઓમાંથી પણ શીખી શકે. આ પરસ્પર શીખવાની પ્રક્રિયા છે.’
રેસિઝમ પર હુમલો કરતું મજબૂત નિવેદન જારી કરવામાં સરકારની નિષ્ફળતાની તીવ્ર ટીકા કરતા લોર્ડ પારેખે જણાવ્યું હતું કે, ‘રેસ - જાતિ બાબતે કોઈ મક્કમ નેતૃત્વ-માર્ગદર્શન અપાયું નથી. તમારી પાસે સમાનતાને ઉત્તેજન આપતી, ભેદભાવ અને ગેરલાભો વિરુદ્ધ લડતી સ્પષ્ટ નીતિ હોવી આવશ્યક છે. મને આવી કોઈ નીતિ દેખાતી નથી.’
તેમણે કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં યુકેમાં રેસિયલ અસમાનતા બાબતે પ્રસિદ્ધ કરાયેલો સરકારનો રિપોર્ટ નિરાશાજનક હતો કારણ કે વર્તમાનમાં વંશીય લઘુમતીઓએ સહન કરવી પડતી ઘણી સમસ્યાઓના મૂળમાં જવામાં તે નિષ્ફળ હતો.
લોર્ડ ભીખુ પારેખે કહ્યું હતું કે સમાજના વિવિધ વર્ગોમાં રેસિઝમનો લૂણો લાગતો રહ્યો છે તેનાથી તેમને થોડું આશ્ચર્ય થાય છે. આમ છતાં, ‘ગત ૨૦ વર્ષમાં જોવા મળેલું પરિવર્તન પણ ખરેખર નોંધપાત્ર છે. તમે સાંસદોની સંખ્યા તરફ નજર કરો, વિવિધ વંશીય જૂથોમાંથી જ નહિ, હિન્દુ, મુસ્લિમ્સ અને અન્યો પણ જોવા મળે છે.’
બ્રિટનને રંગભેદી સમાજ કહેવાનું નકારતા તેમણે કહ્યું હતું કે આ સમાજ અડધીપડધી સફળતા સાથે તેના સામ્રાજ્યશાહી ભૂતકાળના વારસા સામે લડવા અને જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે. રેસિયલ ઈક્વિાલિટીના મુદ્દે યુકેએ પીછેહઠ કરી હોવાનું પોતે માનતા નથી તેમ કહી લોર્ડ પારેખે જણાવ્યું હતું કે ‘તે એક ડગલું આગળ ગયા પછી અટકી ગયું છે. હું એમ કહીશ કે આ દેશે થોડી પ્રગતિ કરી છે. પરંતુ, આપણે યાદ રાખવું જોઈએ કે આ એક એવો દેશ છે જે ધીમે ધીમે નવા વિશ્વમાં ખેંચાઈ આવ્યો છે. આથી આપણે ઘણા ઉતાવળા-અધીરા થવાની જરૂર નથી.’
ગત બે દાયકામાં જાતિ વિશે રાષ્ટ્રીય વાર્તાલાપ-સંવાદનો વિકાસ થયો છે તેમ જણાવતા લોર્ડ પારેખે કહ્યું હતું કે, ‘રેસ - જાતિ વિશેના પ્રશ્ને હું એટલું કહીશ કે તેનાથી લોકોને ઊંડી પીડા થતી હોવાનું સ્વીકારાય છે, કોઈ પણ માનવી સાથે તમે કરી શકો તેવા વ્યવહારમાં તે સૌથી ખરાબ પ્રકાર છે. બ્રિટનમાં તેનું અસ્તિત્વ છે અને તેને નાબૂદ કરાવું જોઈએ. હું માનું છું કે આ સ્વીકૃત બાબત છે.’ આજથી ૨૦ વર્ષ અગાઉ તેનો અધકચરો સ્વીકાર થયો હતો તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
લોર્ડ પારેખે કહ્યું હતું કે, ‘આ પરિવર્તન મુખ્યત્વે રફિક જેવા લોકોની ગવાહી-જુબાનીઓના કારણે શક્ય બન્યું છે. કોઈ પણ બાબત જાહેર ચર્ચાનો વિષય બની શકે તેના માટે કેટલાક હિંમતવાન લોકોની જરૂર રહે છે જેઓ આગળ આવી તેના વિશે વાત કરવા માટે તૈયાર હોય.’