ગ્રેટર ઓરલાન્ડો, લંડનઃ માતા કાલીના નામે ચાનું વેચાણ કરાતા રોષે ભરાયેલા હિંદુઓએ ગ્રેટર ઓરલાન્ડો (ફ્લોરિડા)માં આવેલી કોફી શોપ ઓફ હોરર્સને ‘બ્લડ ઓફ કાલી’ ચાને ખૂબ અયોગ્ય ગણાવીને તેને વેચાણમાંથી પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો.
હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા (અમેરિકા)માં એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેવી કાલી હિંદુ ધર્મમાં ખૂબ પૂજનીય છે. તેઓ મંદિરો અથવા ઘરના પૂજાસ્થાનમાં પૂજવા લાયક છે. તેમની તસવીરનો ફરી ઉપયોગ કરીને ચા વેચવા માટે નથી. હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે કોફી શોપ ઓફ હોરર્સ અને તેના સીઈઓને દેવી કાલીની તસવીરો સાથેની ‘બ્લડ ઓફ કાલી’ ટીબેગ્સનું ઓનલાઈન અને સ્ટોરમાં વેચાણ અટકાવીને ટી બેગ્સને પાછી ખેંચી લેવા ઉપરાંત વિધિસર માફી માગવા અનુરોધ કર્યો હતો.
ઝેડે જણાવ્યું હતું કે કાલી હિંદુઓની દેવી છે અને તેમના ગળાની ફરતે લીલા સાપ અને એક હાથમાં કાતર સાથે તેમનું વિકૃત નિરૂપણ શ્રદ્ધાળુઓને વ્યથિત કરી શકે છે. વધુમાં, કાલીના લોહી તરીકે બ્લેક ટીનું વેચાણ પવિત્ર માન્યતાઓને નુક્સાનકારક છે. તેમણે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૧ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે. તેને નજરઅંદાજ કરી શકાય નહીં. નાના અથવા મોટા કોઈ પણ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી શકાય નહીં.
કોફી શોપ ઓફ હોરર્સ ૨૦૦૭માં શરૂ થઈ હતી. ગ્રેટર ઓરલાન્ડોમાં મોન્ટવર્ડ અને ટેવરેસની શોપમાં તેના કાફે મેનુ ઉપરાંત કોફી, ચા, હોટ કોકો અને કેન્ડી વેચાય છે. તેની એલચી, તજ, આદુ, કાળા મરી અને લવિંગ સાથેની ‘બ્લડ ઓફ કાલી’ (૩ ઔંસની પત્તી ચાની બેગ) ૧૦.૯૯ ડોલરમાં વેચાય છે.