લંડનઃ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરની સંકલ્પના અને ગુજરાતી નાટ્યકાર ઉત્તમ ગડા દ્વારા લિખિત કલાત્મક, રંગભૂમિનું માસ્ટરપીસ અને એવોર્ડવિજેતા નાટક ‘યુગપુરુષ’ ભારત અને યુકેમાં છવાઈ ગયું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની પાવનકારી ઉપસ્થિતિમાં હર્ટફોર્ડશાયરના અલબાન એરીનામાં તેનો ૫૦૦મો સીમાચિહ્ન શો યોજાયો હતો. સૌ પહેલા મુંબઈમાં નવેમ્બર ૨૦૧૬માં આ નાટક લોન્ચ કરાયા પછી માત્ર છ મહિનાના સમયગાળામાં ભારત અને યુકેમાં થઈ ૧૭૦થી વધુ શહેરોમાં તેનું મંચન કરવામાં આવ્યું છે. જૈન સંત અને તત્વવેત્તા શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતીની અનોખી ઉજવણી સમાન આ નાટક સંતશ્રી અને ભારતના મહાન નેતા મહાત્મા ગાંધી વચ્ચેના પરિવર્તનકારી સંબંધોને આદરાંજલિ અર્પે છે.
ઐતિહાસિક મહત્ત્વ હોવાં છતાં, મહાત્મા ગાંધી અને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજી વચ્ચેના સંબંધો વિશે ઘણું ઓછું કહેવાયું છે. આ એવા સંબંધ હતા જેનાથી મોહનદાસ કરમચંદ ગાંધીનું ‘મહાત્મા’માં રુપાંતર થયું હતું તેમજ અહિંસા અને સત્યના સિદ્ધાંતો થકી ભારતની આઝાદીનું ઘડતર થયું હતું. મહાત્મા ગાંધીએ ૧૯૨૧માં અમદાવાદ ખાતે કહ્યું હતું કે,‘મેં અનેક વખત જાહેરમાં કહ્યું છે કે મહાપુરુષો પાસેથી અને તેમના જીવનમાંથી હું ઘણું શીખ્યો છું. પરંતુ, કવિશ્રી (શ્રીમદજી)ના જીવનમાંથી તો મેં ઘણું જ પ્રાપ્ત કર્યું છે. તેમના જીવનમાંથી જ મને કરુણાના પાઠ શીખવા મળ્યા છે.’
આવી અનોખી ઉજવણીના અવસરે ઉત્સાહી અને મંત્રમુગ્ધ ઓડિયન્સમાં મીડિયા, સરકાર, કોર્પોરેટ્સ અને ધાર્મિક જૂથોના આમંત્રિત મહેમાનોનો સમાવેશ થયો હતો. ભારતીય હાઈ કમિશનમાં મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન એ.એસ. રાજન, APBL ગ્રૂપના ચેરમેન સી.બી. પટેલ, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ શ્રીમતી તૃપ્તિ પટેલ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ચેરમેન નેમુ ચંદેરિયા OBE અને મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ ડો. જગદીશ દવેને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રીના હસ્તે વિશિષ્ટ મેમેન્ટોઝ મેળવવા સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આ સહુએ નાટ્ય શો અગાઉ દીપપ્રાગટ્ય વિધિમાં પણ ભાગ લીધો હતો. શ્રી અને શ્રીમતી સુતરવાલા, સતીષભાઇ ચતવાણી, લાલુભાઇ પારેખ અને બેન્ક ઓફ બરોડા યુરોપના વડા શ્રી ધીમંતભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
નાટ્યકથાનો આરંભ ગાંધીજીની આંખો સમક્ષ મુંબઈમાં શ્રીમદજી સાથેની પ્રથમ મુલાકાત તરવરી રહી છે તે સાથે થાય છે. ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા ત્યારે તેમની સાથેના પત્રાચારની યાદ આવે છે. ગાંધીજી આંતરિક અને બાહ્ય સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમની આધ્યાત્મિક આધારશિલા બની રહેલા શ્રીમદજી સાથેના સંબંધોની ગહનતા બહાર આવે છે. આ પછી ગાંધીજી જીવનધ્યેયના માર્ગે આગળ વધતા જાય છે ત્યારે શ્રીમદજીના લખાણો, વિચારો અને તત્વજ્ઞાન તેમને માર્ગદર્શન આપતાં રહે છે. ગાંધીજીએ ૧૯૦૯ની ૨૬ એપ્રિલે એચએસએલ પોલાકને પાઠવેલા પત્રમાં શ્રીમદ રાજચંદ્રજી વિશે જણાવ્યું હતું કે,‘જેમ જેમ હું તેમના જીવન અને તેમના લખાણો વિશે વિચારતો જાઉં છું તેમ હું તેમને તેમના સમયખંડમાં શ્રેષ્ઠ ભારતીય તરીકે માનતો રહું છું.’
નાટકના શો પછી સી.બી. પટેલે આનંદસહ જણાવ્યું હતું કે,‘આ અનોખા અનુભવ અને પ્રયોગના મીડિયા પાર્ટનર બનવાનું અમને ગૌરવ છે. ઘણી બાબતો એવી છે કે જેનું પુનરાવર્તન થતું રહે તે આવશ્યક છે.’ એ.એસ. રાજને જણાવ્યું હતું કે,‘ગુરુ અને શિષ્યના સંબંધો ભારતીય તત્વજ્ઞાનનો મહત્ત્વનો હિસ્સો છે. મારી જાણમાં આવ્યું કે મહાત્મા ગાંધીના પણ ગુરુ હતા, જે ગુરુની તેમના જીવન પર ગહન અસર પડી હતી ત્યારે મારે તેમના વિશે વધુ જાણવું જ જોઈએ તેમ મને લાગ્યું હતું. આ નાટકે મને જરા પણ નિરાશ કર્યો નથી. જ્યારે પણ મહાત્મા ગાંધી શંકા અથવા મૂંઝવણથી ઘેરાયા હોય કે કોઈ પરિસ્થિતિમાં માર્ગદર્શનની જરુર લાગતી હોય ત્યારે તેઓ પોતાના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી તરફ વળતા અને તેમને ઉત્તર મળતો જ હતો. ભારતીય તત્વજ્ઞાનમાં આત્મીય સંબંધ પણ મહત્ત્વનું તત્વ છે અને આ નાટકમાં દેહ, મન અને આત્માના સંગમનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.’
‘યુગપુરુષ’ નાટક વ્યક્તિની નિસ્વાર્થભાવે ચાહવાની અને આપવાની ક્ષમતા, વૈવિધ્યતાના સન્માન, સત્યનું સમર્થન, વિશ્વાસનું સંવર્ધન અને કોમ્યુનિટીઝનું અનંત નિર્માણના મૂલ્યોનું વિસ્તરણ સમજાવે છે. ગાંધીજીની માન્યતાઓને આકાર આપનારા આ મૂલ્યોના પ્રસારનું ધ્યેય ધરાવતી આ પહેલ તેના શોની વધારાની તમામ આવક થકી ભારતના દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં અદ્યત્તન સાધનોથી સુસજ્જ ૨૦૦ પથારીની નવી મલ્ટિ સ્પેશિયાલિટી ચેરિટી હોસ્પિટલ ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ’ના નિર્માણને સપોર્ટ કરે છે. આ હોસ્પિટલથી દક્ષિણ ગુજરાતના આદિવાસી અને આદિજાતિ તથા આર્થિક રીતે પછાત એવા ગ્રામ્યજનોને તબીબી સેવાનો લાભ મળશે.
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર આધુનિક કાળના ગુરુ અને આધ્યાત્મિક દૂરદૃષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈના વડપણ હેઠળ યુકેમાં લંડન, માન્ચેસ્ટર, લેસ્ટર અને બર્મિંગહામ સહિતના કેન્દ્રો સાથે મજબૂત અને ગતિશીલ હાજરી ધરાવે છે. આ તમામ કેન્દ્રો મિશનના ‘વ્યક્તિ આત્માની સાચી નઓળખ અને અન્યોની નિસ્વાર્થભાવે સેવા’ના ધ્યેયને આગળ વધારવા વિવિધ પ્રકારની સખાવતી, શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે.
ભારતમાં આ નાટકને વ્યાપક પ્રસિદ્ધિ, પ્રશસ્તિ અને એવોર્ડ્સ પ્રાપ્ત થયેલ છે, જેમાં શ્રેષ્ઠ નાટકનો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એક્સેલન્સ એવોર્ડ તેમજ શ્રેષ્ઠ ડ્રામા, શ્રેષ્ઠ દિગ્દર્શક, અને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ગુજરાતી ટ્રાન્સમીડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ્સ સહિતનો સમાવેશ થાય છે. આ દ્વારા નાટકમાં ચિત્રિત સંબંધોની ઊંડાઈ અને સર્જકોની પ્રતિભાને નવાજવામાં આવી છે.
યુકેના પ્રવાસમાં આ નાટક ગુજરાતી અને હિન્દી સહિત ચાર ભાષામાં ભજવાઈ રહ્યું છે. આ હૃદયસ્પર્શી કથાને વ્યાપક ઓડિયન્સ સુધી પહોંચાડવાની આશા સાથે અંગ્રેજી ભાષામાં મંચનની તૈયારી પણ થઈ રહી છે. આ બે દાર્શનિક દિગ્ગજો દ્વારા અપનાવાયેલા શાંતિ, અહિંસા, સત્ય અને પ્રેમનો સંદેશ અગાઉના સમયની સરખામણીએ આજે સૌથી વધુ પ્રસ્તુત છે અને સમગ્ર વિશ્વના લોકોનાં મન અને હૃદય પર તેની સ્થાયી અસર રહેશે.
‘યુગપુરુષ’ નાટકના શો ૧૪ મે સુધી લંડન, બર્મિંગહામ અને બોલ્ટનમાં ભજવાયા પછી યુકે પ્રવાસનું સમાપન થશે. વધુ માહિતી માટે www.yugpurush.orgની મુલાકાત લેશો.