નવી દિલ્હી, મુંબઈ, લંડનઃ ટ્રેડ મિશનની આગેવાની લઈ ભારત અને પાકિસ્તાનના પ્રવાસે જનારા સાદિક ખાન લંડનના સૌપ્રથમ મેયર બન્યા છે. તેમણે ત્રીજી ડિસેમ્બરે બે દેશના છ શહેરનો છ દિવસનો પ્રવાસ આરંભ્યો હતો. મેયર ખાને ‘London Is Open’ કેમ્પેઈન બાબતે સ્પષ્ટ કહ્યું હતું કે ઈયુ રેફરન્ડમના પરિણામ છતાં લંડન આજે પણ અભ્યાસ, બિઝનેસ કરવા અને પ્રવાસ ખેડવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ સ્થળ છે. ભારતીય ઉપખંડમાં તેમના પ્રવાસનો હેતુ બંને દેશો સાથે નવા બિઝનેસ અને વેપારસંપર્કોના નિર્માણ તેમજ તેમની સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો સાથે સંપર્ક વધારવાનો છે. બ્રિટિશ પાકિસ્તાની સાદિક ખાને ભારતમાં મુંબઈ, દિલ્હી અને અમૃતસરની મુલાકાત લીધી હતી. તેઓ પાકિસ્તાનમાં લાહોર,ઈસ્લામાબાદ અને કરાચીની મુલાકાત લેશે.
પ્રવાસ માટે નીકળતા અગાઉ સાદિક ખાને કહ્યું હતું કે, ‘હું ભારત અને પાકિસ્તાનના મહાન નગરો અને લંડન વચ્ચે અસ્તિત્વ ધરાવતા સંપર્કોને મજબૂત કરવા ઈચ્છું છું. આપણે એકબીજા પાસેથી ઘણું શીખી શકીએ તેમ છીએ અનેવધુ સહકાર માટે સંભાવનાઓ પણ છે. વેપાર અને બિઝનેસથી માંડી ટુરિઝમ, ટેકનોલોજી એજ્યુકેશન, સ્પોર્ટ્સ, સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રોમાં વર્તમાન સંબંધોને ગાઢ બનાવવાની મારી તીવ્ર ઈચ્છા છે.
લંડનના મેયરપદે ચૂંટાયેલા પ્રથમ બ્રિટિશ પાકિસ્તાની સાદિક ખાને પહેલા મુંબઈની મુલાકાત લીધી હતી. તેમણે હાલમાં ભારતના રાષ્ટ્રપિતાના મ્યુઝિયમમાં ફેરવાયેલા મહાત્મા ગાંધીના વડા કાર્યાલય મણિભવનની મુલાકાત લીધી હતી. તેમણે રાષ્ટ્રપિતાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પી હતી. લંડનના મેયરે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ના દિવસે ઘૃણિત ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલી તાજ પેલેસ હોટેલની પણ મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક પર આ હુમલાના મૃતકો અને ઈજાગ્રસ્તોને યાદ કરી પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે મુંબઈ સોકર ચેલેન્જની નવમી વાર્ષિક ફાઈનલના ફૂટબોલરોની પ્રશંસા કરવા ઉપરાંત મેયર ઓફ લંડન કપની ઉદ્ઘાટન મેચ નિહાળી હતી અને બે છોકરા અને બે છોકરીને ક્વીન્સ પાર્ક રેન્જર્સ સાથે તાલીમ લેવા લંડન લઈ જવાની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે મુંબઈ સિટી ફૂટબોલ ક્લબના સહમાલિક અને યુવા બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર પણ ઉપસ્થિત હતા.
સાદિક ખાને ત્રીજી ડિસેમ્બરની રાત્રે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સહિત ફિલ્મી હસ્તીઓ તેમજ બોલીવૂડમાં કાર્યરત બ્રિટિશ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. ખાને વિશ્વની બે ફિલ્મ રાજધાની વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની પ્રશંસા કરી હતી. ખાને આ પછી ટ્વીટર પર અંબાણી પરિવારનો આભાર માન્યો હતો.
મેયરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈ લંડનને મુક્ત શહેર ગણાવી મુંબઈ પાસેથી વિચારો, મુલાકાતીઓ, પ્રતિ, સર્જનાત્મકતા અને બિઝનેસના વિનિમયને ઉત્તેજન આપવા વિશે વાતચીત કરી હતી. મુંબઈ દ્વારા પણ વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં જોડાવાને સમર્થન અપાયું હતું. આ ફોરમમાં જોડાનાર મુંબઈ પ્રથમ ભારતીય શહેર હશે. લંડનમાં ૨૦૧૨માં સ્થાપિત આ ફોરમમાં ૩૩ નગર સભ્યપદ ધરાવે છે.
લંડનના મેયરે ભારત અને યુકેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોની પ્રશંસા કરતા કહ્યું હતું કે યુકેમાં રહેતા ભારતીયોએ બ્રિટનના અર્થતંત્ર અને પ્રતિષ્ઠામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. તેમણે પોસ્ટ-સ્ટડી વિઝા વર્ક રૂટની નાબૂદીની ભારે ટીકા કરતા કહ્યું હતું કે,‘ ૨૦૧૨માં આ વિઝા નાબૂદ કરીને યુકેએ મોટી ભૂલ કરી હતી. બહારથી આવતા વિદ્યાર્થીઓ તેમની ફીના લીધે જ નહિ, વાસ્તવમાં મોટી અસ્ક્યામત છે. આ નિર્ણયથી અમારી યુનિવર્સિટીઓમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓ ઘટ્યા છે અને મારા શહેરને પ્રતિભાનો દુકાળ નડે તેવું જોખમ છે. અમે આ પોલિસીઓ બદલવા હિમાયત કરી રહ્યા છીએ.’ તેમણે યુવાન ભારતીયો લંડનમાં અભ્યાસ કરે અને કામ કરી શકે તે સરળ બનાવવા બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો હતો.
ભારતપ્રવાસના ત્રીજા દિવસે તેમણે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. શ્વેત કુર્તા- પાયજામામાં સજ્જ ખાને મંદિરમાં હિન્દુ દેવીદેવતાઓના દર્શન કર્યા હતા.
‘ધ ફાર પેવેલિયન્સ’ રીમેકની સાદિક ખાનની જાહેરાત
બ્રિટિશ લેખક એમ.એમ કાયે દ્વારા લિખિત ‘ધ ફાર પેવેલિયન્સ’ ટેલિવિઝન શ્રેણીની રીમેક યુકે અને ભારતના સહયોગમાં કરવાની જાહેરાત લંડનના મેયર સાદિક ખાને મુંબઈમાં કરી હતી. એક કલાકના ૩૦ એપિસોડ ધરાવતી શ્રેણીનું સહનિર્માણ ૧૧૩ મિલિયન પાઉન્ડના ખર્ચે કરાશે. આ શ્રેણીમાં ભારતીય અભિનય પ્રતિભા અને લંડનની વિશ્વસ્તરીય પોસ્ટ પ્રોડક્શન સ્કીલનો સમન્વય થશે. મેયર સાદિક ખાન પ્રતિનિધિમંડળ સાથે છ દિવસના ભારત અને પાકિસ્તાનના વ્યાપાર પ્રવાસે નીકળ્યા છે.
બ્રિટિશ લેખક મેરી માર્ગારેટ (મોલી) કાયે દ્વારા ૧૯૭૮માં લિખિત ‘ધ ફાર પેવેલિયન્સ’માં બ્રિટિશ રાજ દરમિયાન હિન્દુ તરીકે ઉછરેલા અને ભારતીય રાજકુમારી માટે ઉત્કટ પ્રેમ ધરાવતા ઈંગ્લિશમેનની કથા કહેવાઈ છે. ૧૯૮૪માં ત્રણ એપિસોડની મિનિ સીરિઝમાં બેન ક્રોસ, એમી ઈર્વિંગ, ઓમર શરીફ અને ક્રિસ્ટોફર લીએ અભિનય આપ્યો હતો. યુકે - ઈન્ડિયા યર ઓફ કલ્ચર અંતર્ગત આ ટેલિવિઝન શ્રેણીનું સહનિર્માણ ભારતસ્થિત પ્રોડ્યુસર માઈકલ વોર્ડ અને યુકેસ્થિત પ્રોડ્યુસર કોલીન બરોઝની કંપની બ્યૂટીફૂલ બે પ્રોડક્શન હસ્તક રહેશે, જેમાં ભારતીય અને બ્રિટિશ ટેક્નિશિયન્સ હશે. તેની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટેનું કાર્ય લંડનમાં હાથ ધરાશે.
ભારતમાં દર વર્ષે ૧,૦૦૦થી વધુ ફિલ્મોનું નિર્માણ થાય છે. વિશ્વમાં લોસ એન્જલસ અને ન્યૂ યોર્ક પછી સૌથી મોટા ફિલ્મનિર્માતા નગરમાં લંડન ત્રીજા ક્રમે છે. ભારતીય ફિલ્મો માટે લંડન લોકપ્રિય સ્થળ છે. ગત ૧૨ મહિનામાં આશરે ૨૦ ફિલ્મોનું શૂટિંગ લંડનમાં થયું છે. બીજી તરફ, સ્લમડોગ મિલિયોનેર્સ અને ધ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હોટેલ જેવા બ્લોકબસ્ટર ઈંગ્લિશ ફિલ્મોનાં શૂટિંગ ભારતીય લોકેશન્સમાં થયાં છે.