1960ના દાયકામાં સબ-કોન્ટિનન્ટમાંથી જે લોકો આ દેશમાં આવ્યા તેઓ તેમની સાથે મજબૂત વર્ક એથિક્સ, સેન્સ સમુદાયની ભાવના અને મૂલ્યો લઇને આવ્યા હતા. તેમણે દિનપ્રતિદિન આર્થિક અને સામાજિક પ્રગતિ હાંસલ કરવાનું શરૂ કર્યું. તેઓ ક્યારેય આ દેશ પર બોજરૂપ નહોતા બન્યા. તેઓ હંમેશા એકબીજાને મદદરૂપ બનવા તત્પર રહેતા અને આકરી મહેનત કરીને નવી જનરેશનની પ્રગતિ માટે પણ ખુબ જ પ્રયત્નશીલ જોવા મળતા હતા. આવા ઇમિગ્રન્ટ્સની વાત કરીએ ત્યારે આપણા - ભારતીય સમુદાયના અગ્રણી કનુભાઈ રાવજીભાઇ પટેલનો ઉલ્લેખ કરવો જ રહ્યો. તેમના વગર આપણા સમુદાયની વાત અધૂરી જ રહે.
કનુભાઇ પહેલેથી જ સ્પષ્ટપણે માનતા રહ્યા છે કે સ્વદેશ - વતન છોડીને આ દેશમાં આવતો દરેક ઇમિગ્રન્ટ સારી રીતે સેટલ થાય. અને આ માટે તેઓ પૂરી નિષ્ઠા અને પ્રામાણિક્તાથી મદદરૂપ બનવા માટે સદૈવ સક્રિય રહેતા હતા.
બે-ચાર નહીં, પણ પૂરા પચાસ વર્ષના જાહેરજીવનથી કનુભાઇ આજે માત્ર એશિયન જ નહીં, બ્રિટીશ કોમ્યુનિટી માટે પણ રોલ મોડેલ બની રહ્યા છે. 30 એપ્રિલ 1941ના રોજ કેન્યાના મોમ્બાસામાં કનુભાઇનો જન્મ. અભ્યાસ માટે ભારત ગયા, અને એસએસસી સુધી અભ્યાસ કર્યો. 1959માં નાઇરોબી પાછા ફર્યા અને યુવા વયે પેરેમાઉન્ટ ગ્રોસર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો. ટૂંકા સમયમાં ધંધો જમાવ્યો અને 1966માં 25 વર્ષની વયે નિરંજનાબહેન સાથે ઘરસંસાર વસાવ્યો. બે પુત્રો હેમેન્દ્ર અને રશ્મિના આગમનથી જીવનબાગ મઘમઘ્યો. ઓગસ્ટ 1969માં યુકેમાં સ્થાયી થયા. 1970માં પોસ્ટ ઓફિસ સ્ટોર ખરીદ્યો, અને લાગલગાટ 2003 સુધી સફળ સંચાલન કર્યું. વ્યવસાયિક જીવનમાંથી તો કનુભાઇ નિવૃત્ત થઇ ગયા છે, પણ સામાજિક ક્ષેત્રે પ્રદાન આપવા આજેય તત્પર રહે છે.
બ્રિટનમાં આગમન થયું ત્યારથી જ કનુભાઇ અનેકવિધ સંગઠનો - સંસ્થાનોની પ્રવૃત્તિમાં જોડાઇને નિસ્વાર્થભાવે તેમની સેવા આપતા રહ્યા છે અને ઇમિગ્રન્ટ્સને અહીંના સમાજમાં સેટલ થવામાં મદદરૂપ બનતા રહ્યા છે. આપણા સમાજના લોકો એકસંપ થાય - તેમની વચ્ચે મિલનમુલાકાત થાય અને સંપર્કો વધે તે માટે તેમણે અનેકવિધ આયોજનો કર્યા. જેમ કે, હેમરસ્મિથ અને રિચમંડમાં નવરાત્રી ગરબાનું આયોજન કર્યું તો લોકનૃત્યો, ડિનર ડાન્સ, મિલન સમારોહ જેવા અનેક કાર્યક્રમો યોજ્યા.
એટલું જ નહીં, વિવિધ પ્રવૃત્તિઓ થકી ઘણું ફંડ ભેગું કરીને આપણી સંસ્થાઓ ઉપરાંત સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે સેવ ધ ચિલ્ડ્રન, રેડ ક્રોસ, ફંડ ફોર ધ બ્લાઇન્ડ, રુદાન ઇમરજન્સી અપીલ, મોરબી ફ્લડ રિલીફ, કેરાલા ફ્લડ રિલીફ, કેન્સર રિલીફ ફંડ, મેયર્સ ફંડ અને હોસ્પિટલને દાન કરેલા છે. સાથે સાથે જ અંગત નાણાંમાંથી વતન ગુજરાતમાં પીજ અને વસોમાં બે બાલ મંદિરનું નિર્માણ કરાવીને ટસ્ટ્રોને સોંપ્યા છે. આ તમામ સામાજિક પ્રવૃત્તિઓ તેમણે - વ્યવસાયની સાથે સાથે જ - કોઇ પણ જાતની આશા કે લાભ વગર કરી છે. કનુભાઇના આ પ્રશંસનીય સામાજિક પ્રદાનની નોંધ લઇને નામદાર મહારાણી એલિઝાબેથે તેમને 2020માં એસસીસી-બીઇએમ ઓનરથી સન્માન્યા છે.
1969માં બ્રિટન આગમન થયું ત્યારે કનુભાઇ સમક્ષ નવા દેશમાં, નવા વાતાવરણમાં, નવા માણસો સાથે એડજસ્ટ થવાનો, નવી ઢબથી કામ કરવાનો પડકાર હતો. પ્રારંભે ખૂબ જ અગવડ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જોકે તેમનો એક જ અભિગમ હતો - જે થાય તે ખરું, પડ્યા તેવા દેવાશે. તેમનું માનવું હતું કે આ દેશમાં આવ્યા છીએ તો તેને અનુરૂપ કામ કર્યે જાવ, તાત્કાલિક લાભ ન મળે તો કંઇ નહીં, શુભ નિષ્ઠાથી કામ કરો. સારા દિવસો અચૂક આવશે જ.
શરૂ શરૂમાં આ દેશમાં - બ્રિટનમાં આપણી સંસ્થાઓ ભાગ્યે જ ક્યાંય જોવા મળતી હતી. 1969માં સ્થપાયેલું નેશનલ એસોસિએશન પાટીદાર સમાજ કાર્યરત હતું. કનુભાઇને આ જોઇને એમ થતું કે જો આપણી સંસ્થા હોય તો આપણા માણસોને ઉપયોગી થઇ પડે. જરૂર પડ્યે લોકોને ગાઇડન્સ મળી રહે, તેમને ઉપયોગી થઇ શકાય. આથી બ્રિટન આગમનના ત્રણ જ વર્ષમાં, 1972માં તેમણે રિચમંડ નાગરિક મંડળની સ્થાપના કરી. પ્રારંભે 15-20 માણસો માંડ ભેગા થતા હતા. જોકે ધીમે ધીમે વસ્તી વધવા લાગી. સમાજના ઘડવૈયા જશભાઇ એસ. પટેલ, સી.બી. પટેલ, જનકભાઇ પટેલ, એન.સી. પટેલ, પ્રવિણભાઇ અમીન, રણજીતભાઈ, રસિકાબેન, સ્નેહલતાબેન, પ્રવીણાબેન, પ્રભાબેન જેવા અનેક સક્રિય કાર્યકરો સમાજને મળ્યા.
આ દરમિયાન 1976માં વેસ્ટ લંડન પાટીદાર સમાજની સ્થાપના થઇ. ઘણા બધા ગામોના મંડળો પણ ધમધમતા થયા. કનુભાઇએ ઘણા બધા પ્રોગ્રામો કર્યાં જેવા કે રાસગરબાની યુકે કોમ્પિટીશન, વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં ગુજરાત રાજયના લોક નૃત્યો વગેરે. જોકે હવે ઉંમર વધવાને કારણે તેમની પ્રવૃત્તિઓ મર્યાદિત બની છે.
કનુભાઇ કહે છે કે બ્રિટનમાં અનેક સંસ્થાઓ શરૂ થઇ અને એમાંની ઘણી બંધ પણ થઇ ગઇ, તો અમુક બંધ થવાના આરે છે. જોકે મારી દૃષ્ટિએ આજે પણ સમાજસેવા એક યજ્ઞ છે, પણ જો તે નિઃસ્વાર્થભાવે થાય તો. મારા સક્રિય જીવન દરમિયાન અનેક માણસોના સંપર્કમાં આવ્યો છું. તેમાંના ઘણા મોટા બિઝનેસવાળા હતા, તો ઘણા પ્રોફેશનલ હતા, ઘણા નોકરિયાત હતા... દરેકના મન અને વિચાર જુદા જુદા હોય. અમુક માણસો એવું વિચારતા હોય છે કે પોતે આ સંસ્થામાંથી કેટલો લાભ લઇ શકે તેમ છે. આ તેમની દૃષ્ટિ હોય છે, તો વળી અમુક લોકો માત્રને માત્ર નામ કમાવવા માટે જ સંસ્થામાં કામ કરતા હોય છે. અમુક લોકો તેમના ફોટો પડાવવામાં અગ્રેસર હોય છે, અમુક નિસ્વાર્થી લોકો મૂંગા રહીને પોતે હાથમાં લીધેલું કાર્ય બનેતેટલું સારું થાય તેવા દૃષ્ટિકોણથી કામ કરતા હોય છે. કનુભાઇ કહે છે કે મેં સમાજમાં એવા માણસો પણ જોયા છે, જેઓ શરૂઆતમાં ઘણો સાથ આપે, અને પછી જો કોઇ લાભ ના દેખાય તો મારું શું? એવું વિચારીને સંસ્થા છોડી જતા રહે છે. એવું પણ બનતું હોય છે કે કોઇને ઝઘડો પસંદ ના હોય, અને સંસ્થામાં કામ કરવું છોડી દે તો વળી ક્યારેક એવું પણ બને છે કે કોઇ વ્યક્તિ સારું કામ કરે અને એની વાહ વાહ બોલાય તો તરત કોઇ વ્યક્તિ તેને કેવી રીતે પાડવો તેની મથામણમાં લાગી જાય છે. અનેક સંસ્થાઓમાં આવું જ થયું છે, એક સંસ્થા કંઇ પ્રવૃત્તિ હાથ ધરે તો બીજી સંસ્થા પણ તે જ કરવાનું ચાલુ કરે, એનું પરિણામ એ આવે કે એકેયનું લાંબુ ચાલે નહીં અને બધાયની પ્રવૃત્તિ બંધ થઇ જાય. અમુક સંસ્થા તો વળી ખરેખર કામ કરતાં એક કે બે જણાથી જ ચાલતી હોય છે.
જીવનની અનેક તડકી-છાંયડી જોઇ ચૂકેલા કનુભાઇનું કહેવું છે કે અત્યારે આપણી નવી પેઢી ભણીગણીને સારું કમાય છે, અને પૈસાનો ફુગાવો એટલો છે કે આપણા પ્રસંગો પણ બહારના દેશોમાં જઇને ઉજવવામાં આવે છે. બધું જ પૈસા ખર્ચીને કરવાનું, જેથી તૈયાર ભાણે મળી જાય. નવી પેઢીને સમાજનું કોઇ કામ કરવામાં કે ધરમધ્યાન કે ભજનકીર્તન કરવામાં રસ નથી. ટાઇમે આવીને ખાઈપીને ઘરભેગા થવામાં રસ છે. તેમના આ પ્રકારના અભિગમનું એક જ કારણ છેઃ મારે શું? અત્યારે તો ભલે ઘણી સંસ્થાઓ અને મંદિરો કાર્યરત હોય, પરંતુ યુવા પેઢીનો અભિગમ જોતાં મને તો એવું લાગે છે કે એક સમય એવો પણ આવશે કે આવી સંસ્થાઓ અને મંદિરોને નિભાવવાની મુસીબતો આવશે. અત્યારે ઘણા બધા ચર્ચની દશા આવી જ જોવા મળે છે. આવો વખત આવશે અને જે ભાઇચારો હતો તે રહેશે નહીં એવું મારું માનવું છે.