હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે. પરિવાર આ દિવસે પુજાઅર્ચના સિવાય બ્રહ્મભોજન વગેરે કરાવે છે. મેક્સિકોના નાગરિકો પરિવારના સભ્યના મૃત્યુ દિને કલરફૂલ કપડાં પહેરીને નાચતાં-ગાતાં એ સભ્યને યાદ કરે છે. જાપાનીઝ પરિવાર તેમના સ્નેહીના મૃત્યુ દિને તેની કબરની સાફસફાઈ કરે છે, જે ઓબોન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઈગ્લેન્ડમાં નાગરિકો તેના સ્વજનોના મૃત્યુ દિને ખાસ કશું કરતા નથી.
આ દેશમાં મધર્સ ડે, ફાધર્સ ડે અને બીજા પણ દિવસો પરિવારના મનોરંજન કે એકતા માટે ઉજવવામાં આવે છે, જેમાંના ઘણા વિશ્વવ્યાપી બન્યા છે. જોકે ઘણાં લોકો સ્વર્ગસ્થની સ્મૃતિમાં ટેટુ કરાવે, મેરેથોન દોડે તેવું કરીને અંજલિ અર્પણ કરતા હોય છે, પરંતુ મોટા ભાગના લોકો આ વિષય અંગે ખાસ ગંભીર જણાતા નથી.
રિસર્ચ કમિશન દ્વારા 2000 વ્યક્તિઓના માધ્યમથી સર્વે કરાયેલો તેમાંથી જાણવા મળ્યું કે દર પાંચમાંથી એક વ્યક્તિ તેના નિકટના સ્વજનના મૃત્યુ વિશે કોઈ સંવાદ કરતા નથી. આથી રિસર્ચ કમિશન દ્વારા ગયા વર્ષથી 28 મેના રોજ ‘સેલિબ્રેશન ડે’ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને તેમનાં અભિપ્રાય મુજબ આ રીતે ઉજવણી કરવાથી માણસોનાં શોકમાં ઘટાડો થશે. બીજા પરિવારના સભ્યો સાથે નિકટ આવવાની સંભાવનાઓમાં વધારો થશે અને ભૂતકાળમાં જીવવાને બદલે વર્તમાનમાં જીવીને સ્વર્ગસ્થ વ્યક્તિની યાદીઓ વાગોળવાનો આ દિવસ બની રહેશે. સાયકોલોજીસ્ટ જૂલિયા સેમ્યુઅલે એક અખબારી નિવેદનમાં કહ્યું છે તે પ્રમાણે માણસો મૃત્યુ વિશે વાતો કરતાં ખચકાય છે, પરંતુ માણસો તેના પરિવારમાં જે સભ્યો હયાત નથી તેના વિશે પરિવારમાં વાતો કરે તે બહુ જરૂરી છે. વધુમાં તેનું કહેવું છે કે ‘સેલિબ્રેશન ડે’ જેવા સ્પેશિયલ દિવસે આપણા સ્વર્ગસ્થને યાદ કરીને, તેઓના જીવન વિશે વાતો કરવાથી આપણાં મનોબળ અને દૃઢતામાં વધારો કરી શકાય છે.
જે રીતે બીજા દિવસોની ઉજવણી માત્ર આપણા જ જીવનમાં નહીં, પરંતુ વિશ્વવ્યાપી બની છે તે પ્રમાણે 28 મેના રોજ ‘સેલિબ્રેશન ડે’ ઉજવવાનો નિર્ણય સમાજમાં કેટલો આવકાર પામે છે એ તો સમય જ કહેશે.