વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલી રહેશે. સામાજિક ક્ષેત્રે તમારા અન્ય લોકો સાથેના સંબંધના સકારાત્મક પરિણામો જોવા મળશે. નાણાકીય રીતે તમારી ઈચ્છા પૂર્ણ થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં અણધારેલી સફળતા આ સમયમાં જોઈ શકશો. જોકે સાથે સાથે તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત રહેશે. સંપત્તિ બાબતના પ્રશ્નો હલ કરી શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ અગાઉના અટવાયેલા કાર્યો હવે થોડાં ઘણા અવરોધોને બાદ કરતાં પૂરાં કરી શકશો. લાંબા સમયથી સતાવતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી પણ ધીમે ધીમે છૂટકારો મળતો જણાય. નોકરીના ક્ષેત્રમાં થોડી તાણવાળી પરિસ્થિતિ રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે નાહકમાં ઝઘડો અથવા મતભેદ સર્જાય. વ્યવસાયિક કામગીરીમાં તેજીનું વાતાવરણ જોવા મળે. નવા મૂડીરોકાણો માટેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. યાત્રા-પ્રવાસથી લાભના યોગ છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કંઈક નવું શીખવાની ધગશ અને મહેનતનું પરિણામ મળતું જોઈ શકશો. માનસિક સ્વસ્થતતા કેળવી શકશો. તમારા મિત્રો અને કેટલાક નજીકના સંબંધી તમારા દરેક કાર્યમાં મદદરૂપ સાબિત બનશે. આર્થિક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટેના તમારા પ્રયત્નો આંશિક રીતે સફળ થાય. વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું થોડું ભારણ વધે. ધંધા- નોકરીના કાર્યોમાં આળસ છોડીને હવે નવા અભિગમ સાથે કામગીરી પાર પાડવાનો સમય છે.
• કર્ક (ડ,હ)ઃ તમારી મનોવ્યથા અને બેચેનીમાંથી બહાર આવવા માટે યોગ – વ્યાયામ તેમજ સારા પુસ્તકોના વાંચન તરફ ધ્યાન આપશો સફળતા મેળવી શકશો. વ્યવસાયિક રીતે મકાન–જમીન તેમજ સોના-ચાંદીના વેપારી તેમજ ખનીજ તેલના વ્યવસાયમાં તેજીનો સમય જોઈ શકશો. પારિવારિક સંબંધોની તિરાડ ઓછી કરવાની પહેલ તમારે જ કરવી પડશે. વિદ્યાર્થીઓ આ સમયમાં કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો નોર્મલ કરતાં બમણું ધ્યાન આપવું જરૂરી રહેશે. તમારું લક્ષ્ય હમણાં એક જ હોવું જોઈએ.
• સિંહ (મ,ટ): આ સમયમાં જૂના વિચારો છોડી નવી કામગીરી અપનાવવાનો છે. જો આપના જૂનવાણી વિચારો નહીં છોડો તો દરેક કામગીરીમાં નુકસાની વેઠવી પડે. દાંપત્યજીવનમાં પણ રૂઢિચુસ્તતાને દૂર કરી નવીન અભિગમ અપનાવવાની જરૂરિયાત રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં શેરસટ્ટાથી દૂર રહેવું. કોઈક મોટા રોકાણો કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહથી આગળ વધવું જરૂરી. નોકરીમાં બઢતીના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ ઘણાં સમયથી અટવાયેલી કામગીરી પૂર્ણ થતી જોઈ શકશો. મકાન–મિલકતની ખરીદી બાબતના પ્રશ્નો પણ હલ થાય. વડીલોના સહકાર થકી આ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો આવે છતાં ખોટાં ખર્ચા ન કરવા સલાહભર્યું છે. પ્રવાસની ઈચ્છાઓ અહીં પૂર્ણ થાય. પ્રિય પાત્ર તરફથી કોઈ આકસ્મિક લાભ મેળવી શકશો.
• તુલા (ર,ત)ઃ વાણી-વર્તનથી થયેલા અકારણ મનદુઃખ આ સપ્તાહે સુખદ સમાધાનમાં પરિણમશે. આથી મન પરનો બોજો દૂર થાય. સંતાનો તરફથી આર્થિક લાભ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવવાના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય. કોર્ટ–કચેરીના કાર્યમાં હજી ઉકેલ મેળવતાં વાર લાગે. ધાર્મિક ક્ષેત્રમાં આપના રસરુચિ મજબૂત થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન અનેક શુભ સમાચારો મળતા મન આનંદિત અને ચિંતામુક્ત બનશે. નવી ઓળખાણ થકી ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા સાથે પ્રમોશન મેળવી શકશો. નાણાકીય તકલીફો દૂર થાય. સંતાનપ્રાપ્તિની ઈચ્છાઓ સાકાર થતી જોવા મળે. વડીલો - મિત્રો તરફથી પણ લાભ થાય. કોર્ટ–કચેરીના અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આપનો આ સમય પુરુષાર્થને યોગ્ય દિશા આપનારો પુરવાર થાય. કોઈક આકસ્મિક ધન લાભ આર્થિક પરિસ્થિતમાં સુધાર લાવી શકશે. વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારી થકી કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેથી સંભાળીને આગળ વધવું જરૂરી. નોકરીમાં પ્રગતિ અને સફળતાકારક તકો હાથ લાગે. પારિવારિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતામાં વધારો થાય. કોર્ટ–કચેરીના લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો હલ આવે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહની શરૂઆત થોડી મુશ્કેલીજનક રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે. અજીબ પ્રકારની ચિંતાનો સામનો કરવો પડે. જોકે, સપ્તાહના અંત ભાગમાં થોડી રાહતનો અનુભવ થાય. તમારી ચિંતાઓને દૂર કરવા માટે કોઈ અંગત વ્યક્તિ સાથે સલાહ–વિચારણા ઉપયોગી બનશે. આર્થિક પરિસ્થિતિ યથાવત્ રહેશે. વ્યવસાયને વિસ્તૃત કરવા માટેની યોજનાઓ પર હજી વધુ કાર્ય કરવું પડશે. પ્રવાસ થકી થોડી હળવાશ અનુભવાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સખત પરિશ્રમ થકી આપના કાર્યમાં સફળતા હાંસલ કરી શકશો. પ્રોપર્ટીને લગતા વારસાગત પ્રશ્નોના નિરાકરણ થકી આપની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવી શકશો. વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં થોડું ધ્યાન રાખીને આગળ વધવું. નોકરિયાત વર્ગને બદલીની ઈચ્છાઓ સાકાર થતી જોવા મળે. બાળકોને લગતી કોઈ સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. સતત કામકાજની દોડધામને કારણે સ્વાસ્થ્ય ઉપર અસર જણાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ થોડું વ્યસ્તતાભર્યું રહેશે. તમારી પારિવારિક જવાબદારીઓમાં પણ વધારો જોવા મળે. આર્થિક રીતે આ સમય સામાન્ય રહેશે. તમારા કાર્યક્ષેત્રે કેટલીક પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જોકે દરેક કાર્ય આપ સૂઝબૂઝથી આગળ વધારી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં વિદેશ સંબંધિત સોદાઓ અથવા નવા પ્રોજેક્ટ પર કામ આગળ વધારી શકશો. જમીન કે મિલકતમાં નવા મોટાં રોકાણો માટે સમય સાનુકૂળ રહેશે. સંશોધનના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન મોટી સફળતા પ્રાપ્ત કરશે.