તા. 17 ઓગસ્ટ 2024થી 23 ઓગસ્ટ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 16th August 2024 06:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સ્વાસ્થ્યને લઈને આ સપ્તાહ ઘણું સારું સાબિત થશે. નાની-મોટી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. જમીન–મકાન અથવા તો કોઈ સંપત્તિ વિષયક પ્રશ્નોને હવે આપ સોલ્વ કરી શકશો. આપની આર્થિક સ્થિતિમાં પણ લાભદાયી ફેરફાર જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા શત્રુઓ અથવા તો હરીફને માત આપવામાં હવે સફળ થઈ શકશો. વિદ્યાર્થીઓને શરૂ થતાં નવા વર્ષમાં થોડી દોડધામ વધે. નવા મિત્રો બનાવવામાં સફળ થઈ શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજને લઈને અથવા કોઈ અંગત કારણોસર અચાનક બહારના દેશમાં મુસાફરી કરવી પડશે. નોકરી-વ્યવસાયમાં કામનું ભારણ પણ વધતું જોવા મળશે. આર્થિક રીતે હવે આપની મુશ્કેલીઓનો અંત લાવવામાં આપ સફળ થાવ. સ્વાસ્થ્યને લઈને હવે વધુ સજાગ થવું પડશે. જો કોઈ કુટેવ હોય તો વહેલી તકે એને છોડવાના પ્રયત્નો શરૂ કરી દેજો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ મહેનત કરવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે શક્ય હોય તો કામ વગર મુસાફરી ટાળજો. આપની શક્તિ અને સામર્થ્ય મુજબના જ કામ હાથ ધરજો. ધંધા-નોકરીમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં દરેકને સાથે રાખીને આગળ વધશો તો ફાયદો મેળવી શકશો. નાણાકીય લાભ મેળવવા માટે હજી થોડો સમય રાહ જોવી પડશે. લગ્નજીવનનો ખટરાગ દૂર કરવા માટેના પ્રયત્નોની શરૂઆત તમારે જ કરવી પડશે. વિઝાને લગતી કામગીરીમાં કોઈ ઉતાવળો નિર્ણય લેશો નહીં.
• કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય ભાગ્યવાન સાબિત થઈ શકે છે. જો આપ એનો યોગ્ય ઉપાય કરશો તો ફાયદો જ ફાયદો રહેશે. કેટલાક અણધાર્યા પરિણામો મેળવવામાં સફળતા મેળવશો. નોકરી- વ્યવસાયમાં આપના કામની પ્રસંશા થાય. ધંધા-ઉદ્યોગમાં કોઈ મોટા મૂડીરોકાણ માટેની જોગવાઈ કરવામાં આપ સફળ થઈ શકશો. વિદ્યાર્થીઓને અહીં જો કોઈ નવી જગ્યાએ શિફ્ટ થવાનું હોય તો કાળજી રાખવી જરૂરી. ઘરથી દૂર રહેવાની પરિસ્થિતિ હજી આપ સ્વીકારી શકશો નહીં.
• સિંહ (મ,ટ): સપ્તાહની શરૂઆત માનસિક તેમજ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની વાળી રહેશે. જોકે, બાદમાં પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવી શકશો. આર્થિક રીતે કોઈ લેણાં કે ઉઘરાણીના બાકી નીકળતાં નાણાં હવે પરત મેળવી શકશો. આથી ખર્ચાઓને પહોંચી વળવામાં સરળતા રહે. નોકરિયાત વર્ગે થોડી સાવધાની રાખવી જરૂરી. ધંધા-વ્યવસાયમાં ભાગીદારીથી નુકસાન થાય. મિલકત સંબંધિત કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડી પરેશાનીઓ ઊભી થતી જોવા મળશે. આપના તરફથી એ બાબતમાં થોડી વધુ સાવધાની રાખવાની સલાહ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં વડીલો સાથે ચર્ચા-વિચારણા અચૂક કરજો. નાણાકીય સ્થિતિ જેવી છે એવી જ રહેશે કોઈ મોટા ફેરફાર જણાતા નથી. આરોગ્ય બાબતે થોડી ચિંતા વધતી જોવા મળે. હવામાનની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે. વ્યવસાય–ઉદ્યોગમાં કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો અથવા તો નવી કંપની સાથેનું જોડાણ પણ શક્ય બનશે. નોકરિયાતને કામનું થોડું ભારણ વધતું જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ આપનું આ સપ્તાહ વ્યસ્ત પસાર થાય. કામને લઈને દોડધામ વધશે. કેટલીક અધૂરી ઈચ્છા આ સપ્તાહમાં સાકાર કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં વધારો તેમજ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનું થોડું પ્રેશર રહેશે. કૌટુંબિક રીતે આપની જવાબદારીમાં વધારો થતો જોઈ શકશો. સંતાનોના અભ્યાસ વિષયક બાબતોને લઈને એકથી બીજી જગ્યાની મુલાકાત લેવી પડશે. કોર્ટ– કચેરી અથવા વિઝાના કાર્યોમાં હવે રાહત થતી જોઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન બિનજરૂરી તણાવ નહીં લેવાની અહીં સલાહ રહેશે. વિનાકારણ ચિંતાઓ આપના સ્વાસ્થ્ય ઉપર પણ માઠી અસર પહોંચાડી શકે છે. આથી કાળજી રાખવી જરૂરી. નાણાકીય રીતે થોડી રાહતજનક સ્થિતિ રહેશે. નોકરી-વ્યવસાયમાં ઓળખાણ થકી લાભ થાય. પરિવાર સાથે પણ ખુશી-આનંદનો સમય વ્યતીત કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત તમારી જૂની યાદોને તરોતાજા કરશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થાય. કોઈ ચીજવસ્તુની ખરીદીમાં સારા એવાં નાણાં ખર્ચી શકશો. નોકરી-ધંધામાં ઘણાં લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે નજીક આવી રહ્યો છે. આપનું સંપૂર્ણ ધ્યાન કાર્યમાં લગાવવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓની મનોકામના પૂર્ણ થાય. આપ કોઈ નાની યાત્રા પણ આ સમયમાં કરી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં થોડુંક વર્તન બદલવું જરૂરી રહેશે. આપના સ્વભાવમાં સમય સાથે બદલાવ ખાસ જરૂરી ગણાય. નાણાકીય સ્થિતિમાં ફેરફાર લાવવા માટેના આપના લાંબા સમયના પ્રયત્નો હવે ફળીભૂત થતાં જોઈ શકશો. જીવનસાથી સાથેનો સંબંધ પણ સુધરતો જણાય. તમારા ગ્રહયોગોની દૃષ્ટિએ ધંધા-વ્યવસાયમાં નવી શરૂઆત અથવા તો ભવિષ્ય માટેની વ્યૂહરચના તમારી સૂઝબૂઝથી આગળ વધારી શકશો. નોકરીમાં ઉપરી અધિકારીની મદદથી કાર્યપૂર્તિ સાથે પ્રગતિ કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે આરોગ્યમાં સુધારો જોવા મળશે. આપ ઊર્જાથી સભર, સ્ફૂર્તિપૂર્વક દરેક કામગીરી કરી શકશો. નાણાકીય બાબતોમાં કોઈની ઉપર આંધળો વિશ્વાસ રાખીને કામગીરી કરવી હિતાવહ નથી. સપ્તાહમાં આપના ઘરે મહેમાન પણ આવી શકે છે, જેની સાથે ખુશી-આનંદનો સમય પસાર કરશો. નોકરિયાત વર્ગને કામ પ્રત્યેની જવાબદારી વધતી જોવા મળશે. ધંધાદારી વ્યક્તિઓ માટે ઘણો સારો સમય રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહનો પ્રારંભ થોડી માનસિક અશાંતિવાળો જણાય. કામનું ભારણ ચિંતાઓનું કારણ બની શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ થોડો કંટ્રોલ અનિવાર્ય રહેશે. ખર્ચાઓ વધવાથી બેલેન્સમાં ઘટાડો જણાય. ધંધા-વ્યવસાયમાં કેટલીક અણધારી ઘટનાઓ બની શકે છે, જેથી કાળજી રાખવી જરૂરી. મકાન–મિલકતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળશે જેના કારણે થોડી રાહત વર્તાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter