તા. 20 જાન્યુઆરી 2024થી 26 જાન્યુઆરી 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 19th January 2024 06:50 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય આપના માટે મિશ્ર પરિણામ આપનારું રહેશે. કોઈક વાર અશાંતિ - બેચેનીનો પણ અનુભવ થાય. કામકાજનું ભારણ વધે. આર્થિક રીતે બેલેન્સ જાળવી શકશો. ધંધાકીય મૂડીરોકાણની જોગવાઈ માટે થોડી વધુ દોડધામ કરવી પડે. જોકે, એમાં સફળતા પણ મેળવી શકશો. જમીન– મકાનના કાર્યોમાં ફાયદો થાય. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ નિયમિત જીવનશૈલીમાં હવે તમારે બદલાવ કરવો જરૂરી રહેશે. આળસ ખંખેરીને કામ કરવા લાગી જવાનું સલાહભર્યું છે. આર્થિક રીતે આ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે. જોકે, સામે આવકની જોગવાઈ પણ કરી શકશો. કૌટુંબિક રીતે કોઈ વિવાદોમાં જો ઘેરાયેલા હો તો એમાંથી હવે બહાર નીકળી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ થોડી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આ સપ્તાહ દરમિયાન વડીલ વર્ગમાં જોવા મળી શકે છે. જોકે, યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ થકી તેમને આમાંથી બહાર લાવી શકશો. નાણાકીય રીતે વિચારીને આગળ વધવું જરૂરી છે. નાહકના ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. વાહન ચલાવતા વખતે થોડી સાવધાની રાખવી.
• કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન જો તમે મન શાંત રાખીને તેમજ દૃઢતાથી આગળ વધશો તો દરેક સમસ્યાનું સમાધાન શોધવા સક્ષમ બની શકશો. આવકની રીતે હવે થોડી ઘણી રાહત રહેશે. જરૂરી નાણાકીય જોગવાઈ કરવા માટે યોગ્ય રસ્તાઓ મેળવી શકશો. જો આ સમય દરમિયાન મકાન અથવા કોઈ પ્રોપર્ટી ખરીદીની વાતો ચાલી રહી હશે તો એ આપના ફાયદામાં રહેશે. વ્યવસાય – રોજગાર સંબંધિત કામગીરીમાં થોડી મહેનત વધારવી જરૂરી રહેશે.
• સિંહ (મ,ટ): આ સપ્તાહે આપના ગ્રહોની સ્થિતિ અને દશા ઘણા અંશે તમારી તરફેણમાં રહેશે. જે દરેક કાર્યોની અણધારી સફળતા અપાવશે. આર્થિક રીતે સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળશે. નોકરીમાં બાકી રહેલા કામકાજોને પૂરા કરી શકશો, જેના કારણે પ્રમોશનના પણ યોગ છે. વ્યાવસાયિક દૃષ્ટિએ ઘણા ખરા ફેરફાર જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ થોડી ઘણી માનસિક સમસ્યા વધી શકે છે. આપના શારીરિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર ઊભી થઈ શકે છે. નાણાકીય રીતે આ સમય દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. કોઈને પણ ઉછીના પૈસા આપવાનું ટાળો. નોકરીમાં કોઈ પણ જાતનું પ્રોમિસ આપતાં પહેલાં બે વખત વિચારજો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ બમણું ઉત્સાહભર્યું રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ ઘણું વ્યસ્ત પુરવાર થાય. કામકાજનું ભારણ વધે. જોકે, સામે પરિણામ પણ એવું મેળવી શકશો જે આપને ઉત્સાહિત કરી શકશે. આર્થિક રીતે આ સમયમાં લાંબા સમયથી અટવાયેલાં નાણાં પરત મેળવી શકાય. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યોની પ્રશંસા થાય. સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય ઊર્જાથી ભરેલો તેમજ સકારાત્મક રહેશે. જે તમને જુદા જુદા કાર્યમાં પણ સફળતા અપાવશે. કારકિર્દીની દૃષ્ટિએ આ સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે. વ્યવસાયિક કામગીરીમાં તમારા વિરોધીઓ સામે વિજયી ડંકો વગાડવામાં સફળ થશો. નોકરીમાં થોડુંઘણું વિવાદિત વાતાવરણ તેમજ કામનું ભારણ તમને બેચેન બનાવી શકે છે. કોર્ટ સંબંધિત કાર્યોમાં આપનો વિજય થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી અંગત મુશ્કેલીઓને તમારા કાર્યોથી દૂર રાખશો તો ફાવી શકશો, નહીં તો ના ઘરના ના ઘાટના જેવી પરિસ્થિતિમાં ફસાઈ જશો. પાછલી ભૂલોમાંથી બહાર આવીને નવા જોશ અને હોંશથી કામગીરી કરવી જરૂરી રહેશે. આર્થિક રીતે હજી સમય તમારા પક્ષમાં નથી તેમ છતાં કોઈ મોટી મુશ્કેલી જણાતી નથી.

• મકર (ખ,જ)ઃ આ સપ્તાહના ગ્રહયોગોની અનુકૂળતા તમારી તરફેણમાં રહેશે. જે પણ નવી કામગીરી હાથ ધરવાનું વિચારી રહ્યા હો એમાં અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. ફાઈનાન્સિયલી પણ આ સમય ખૂબ હકારાત્મક સાબિત થાય. કૌટુંબિક જવાબદારીમાં પણ વધારો જોવા મળે. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધશે. નોકરીમાં થોડો અજંપાનો સમય જોવા મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ અઠવાડિયું શારીરિક રીતે તમને વધુ સ્વસ્થ અને મજબૂત બનાવશે. ઘણા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવતો જણાશે. તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કારકિર્દીલક્ષી નિર્ણયો લેવામાં વડીલોની સલાહથી આગળ વધવું હિતાવહ રહેશે. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. ધંધાકીય કામગીરીમાં ચોક્કસ નીતિ બનાવીને આગળ વધવું જરૂરી.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈની ઉપર અતિવિશ્વાસ રાખી કામગીરી કરશો તો નુકસાની ભોગવશો, આથી ખાસ કાળજી રાખશો. નાણાકીય વ્યવહારોમાં શક્ય હોય એટલી સાવચેતી રાખી આગળ વધશો. નોકરિયાત વર્ગને વૃદ્ધિ કે ઉચ્ચ હોદ્દાની જગ્યા માટે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે. જોકે મક્કમ મને મહેનત કરશો તો લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ નથી. વિદ્યાર્થી વર્ગને થોડું સંભાળીને આગળ વધવું જરૂરી. કોર્ટ–કચેરીના અટવાયેલાં કાર્યોમાં થોડો વધુ સમય બરબાદ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter