તા. 20 મે 2023થી 26 મે 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 19th May 2023 10:03 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ અંગત સમસ્યા કે મૂંઝવણો ધીરે ધીરે ઉકેલાતી જોવા મળશે. વિચારોમાં ફેરફાર માનસિક રીતે સ્વસ્થતા મહેસૂસ કરાવે. લાંબા સમયથી અટવાયેલા નાણાંકીય પ્રશ્નોનો સારો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક જવાબદારી વધતી જોવા મળે. સાથે સાથે ખર્ચાઓ પણ વધતાં જોવા મળશે. વ્યાપારિક રીતે થોડો ધીમો પરંતુ આશાવાદી વિકાસ જોવા મળશે. નોકરિયાત વર્ગને અનુકૂળ સ્થિતિ બનતી જોવા મળે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સ્વભાવમાં થોડો ઘણો બદલાવ હવે જરૂરી બનશે. નકામી ચિંતા હવે ઓછી કરો. નોકરી-વ્યવસાયમાં નવી તકો ઊભી થતી જોઈ શકશો, જેનો લાભ ઊઠાવવાનું ચૂકતા નહીં. આર્થિક રીતે હવે રાહત થતી જોવા મળે. જોકે, સામે ખર્ચા પર થોડો કાબૂ રાખજો. કોર્ટ–કચેરીમાંથી હવે છૂટકારો મળી શકે. વિદ્યાર્થીઓ માટે લાભદાયી સમય પૂરવાર થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્ર પરિણામવાળો બની રહેશે. વ્યવસાયિક રીતે ઘણી સારી તકો પ્રાપ્ત કરી શકાય. નવા રોકાણોથી લાભ થાય. નોકરીમાં થોડી ઘણી મુશ્કેલી આવે પરંતુ તમારી સૂઝબૂઝથી એને હલ કરી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. આવક–જાવકનું પ્રમાણ સરખું રહેશે. પારિવારિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ બની રહેશે.
• કર્ક (ડ,હ)ઃ નવી જવાબદારી તેમજ મહત્વપૂર્ણ નિર્ણયો થકી આપની કાર્યશીલતામાં નવા સોપાનો સર કરી શકાય એવા પ્રસંગો ઊભા થશે. પ્રગતિ તેમજ કારકિર્દીલક્ષી તકો પ્રાપ્ત થતાં મનોસ્થિતિમાં પણ સુધારો જોઈ શકશો. અવિવાહિતને મનપસંદ પાત્રની શોધ પૂર્ણ થતી જોવા મળશે. પરિવાર સાથે પણ ખુશી-આનંદની પળો માણી શકાય. પ્રવાસનું આયોજન કરી શકાય.
• સિંહ (મ,ટ)ઃ આ સમય જૂના વિચારો છોડી નવી કામગીરી અપનાવાવાળો રહેશે. જો જૂનવાણી વિચારો નહીં છોડો તો દરેક કામગીરીમાં નુકસાની વેઠવી પડે. દાંપત્યજીવનમાં પણ આપની રૂઢિચુસ્તતાને દૂર કરી નવીન પ્રયાસો અપનાવાની જરૂરિયાત રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં શેર–સટ્ટાથી દૂર રહેવું. કોઈક મોટા રોકાણો કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહથી આગળ વધવું. નોકરીમાં બઢતીના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ લાંબા સમયથી અટવાયેલ કામગીરી પૂર્ણ થતી જોઈ શકશો. મકાન–મિલકતની ખરીદી બાબતના પ્રશ્નો પણ હલ થાય. વડીલોના સહકાર થકી આ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય પરિસ્થિતિમાં સુધાર આવે. છતાં ખોટાં ખર્ચા ન કરવા સલાહભર્યું રહેશે. પ્રવાસની ઈચ્છઆઓ અહીં પૂર્ણ થાય. પ્રિયપાત્ર તરફથી કોઈ આકસ્મિક લાભ મેળવી શકશો.
• તુલા (ર,ત)ઃ અકારણ વાણી-વર્તનથી થયેલા મનદુઃખનો મામલો આ સપ્તાહે સુખદ સમાધાનમાં પરિણમશે. મન પરનો બોજો દૂર થાય. સંતાનો તરફથી આર્થિક લાભ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મેળવવાના પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય. કોર્ટ–કચેરીના કાર્યમાં હજી ઉકેલ મળતાં વાર લાગે. ધાર્મિક ક્ષેત્રમાં આપની રૂચિ વધુ મજબૂત થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન અનેક શુભ સમાચારો મળતાં મન આનંદિત અને ચિંતામુક્ત બનશે. નવીન ઓળખાણ થકી ફાયદો થાય. નોકરીના ક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા સાથે પ્રમોશન મેળવી શકશો. નાણાકીય તકલીફો દૂર થાય. સંતાનપ્રાપ્તિની ઈચ્છા ફળીભૂત થતી જોવા મળે. વડીલો-મિત્રો તરફથી પણ લાભ થાય. કોર્ટ–કચેરીના અટવાયેલા કાર્યો પૂર્ણ થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કામનું ભારણ ઓછું થતાં રાહત અનુભવાય. સમયનો સદુપયોગ જીવનમાં લાભકર્તા સાબિત થાય. આવકની રીતે આ સમયમાં ફસાયેલાં નાણાં પરત મેળવી શકાય. જમીન–મકાનની ખરીદીના પ્રશ્નો દૂર થાય. વ્યવસાયમાં કોઈના પર અતિ વિશ્વાસુ બની જવાબદારી ન સોંપવાનું સૂચન છે. કારકિર્દીલક્ષી સમસ્યાનો અંત આવે. નવી નોકરીના પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. માંગલિક પ્રસંગો ઊજવાય.
• મકર (ખ,જ)ઃ ક્ષમતા કરતાં વધુ પડતું કામ આપના સ્વાસ્થ્ય પર અસર કરે, જેથી કાળજી રાખવી. નાણાકીય દ્રષ્ટિએ આપના ભૂતકાળનાં રોકાણો થકી અહીં સારી એવી આવક ઊભી કરી શકશો, જે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઉપયોગી સાબિત થાય. નોકરી-વ્યવસાયમાં પણ સારી એવી તકો હાથ લાગે. નવાં ઔદ્યોગિક રોકાણ શક્ય બનતાં જોવા મળે. નાની પિકનિક ઘણો મોટો આનંદ આપી જાય. વિદ્યાર્થીઓ માટે નકારાત્મક વિચારો દૂર કરી વધુ મહેનત સાથે આગળ વધવાથી ફાયદો થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ બાકી રહેલા કામકાજને પૂર્ણ કરવા માટે આ સમય ખૂબ મહત્ત્વપૂર્ણ પૂરવાર થાય. નવા વ્યવસાય તેમજ વિસ્તરણ માટેની યોજનાઓ સાકાર થકી જોવા મળે, જેના કારણે કામનું ભારણ પણ ખૂબ વધતું જોવા મળશે. આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત થતી જોવા મળશે. નોકરિયાત વ્યક્તિઓને બઢતી માટેની ઉત્તમ તક પ્રાપ્ત થાય, જેને આપ ઝડપી લેશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. જીવનસાથી સાથેના સંબંધોની તિરાડ વધુ ઊંડી ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આપના જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવી શકે છે. ઈચ્છિત આર્થિક લાભ મેળવી શકશો. કામ અને અંગત જીવન વચ્ચે બેલેન્સ રાખવામાં સફળ થઈ શકશો. વ્યાપારિક ક્ષેત્રમાં તેજીનું વાતાવરણ જોઈ શકાય. વ્યવસાયિક કામગીરીમાં મોટાં ફેરફાર કરતાં પહેલાં થોડી વધુ સાવધાની રાખવી હિતાવહ રહેશે. પરિવાર સંબંધી કોર્ટ–કચેરીના કાર્યમાં અહીં સુખદ સમાચાર પ્રાપ્ત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter