વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આપના મનની મુરાદ અધૂરી રહેતાં માનસિક અશાંતિ કે અજંપો વર્તાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો એટલા જલ્દી દૂર થશે નહીં, પરંતુ કોશિશ કર્યે રાખશો તો અવશ્ય સફળતા મળશે. આવકની દૃષ્ટિએ કોઈ જૂનો લાભ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે થોડી રાહત અનુભવાય. શેરબજારથી લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વ્યક્તિને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે, વિરોધીઓ દૂર થતાં માર્ગ સરળ બનતો જણાશે. ધંધા-વેપારમાં ઉન્નતિકારક તક આવે તો ઝડપી લેશો. મકાન– મિલકતના પ્રશ્નો ઊકેલાતાં જાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં સુખ અને શાંતિનો અનુભવ થાય. સ્વસ્થતા અને સક્રિયતા વધતાં જોવા મળે જેના કારણે કાર્યમાં પ્રગતિ કરી શકશો. નાણાકીય રીતે પણ સમયની સાનુકૂળતા વર્તાશે. નોકરીના ક્ષેત્રમાં થોડું વધારે સાવચેત રહીને કામગીરી કરવી જરૂરી, નહીં તો કામ તમે કરશો અને ક્રેડિટ કોઈ બીજી વ્યક્તિ લઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય. ધંધાકીય પ્રવૃત્તિઓમાં કાર્યભાર વધતો જણાશે. સામાજિક કાર્ય સાથે જોડાયેલા હશો તેવા ક્ષેત્રમાં આ સમય જીતનો અહેસાસ કરાવશે. આપની અટવાયેલી મિલકતસંબંધી કાર્યવાહીનો ઉકેલ આવશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ધારેલા કાર્યોની પૂર્તતા માટે તનતોડ મહેનત કરવી જરૂરી છે. કેટલીક વાર હારનો સામનો પણ કરવો પડે, પરંતુ જો આપ અડગ રહીને કામગીરી કરશો તો અચૂક સફળતા મેળવશો. ધંધા-નોકરીના સંદર્ભમાં સાનુકૂળ તકો ઊભી થશે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. ઈચ્છીત અભ્યાસ માટેના માર્ગ ખૂલશે. પ્રવાસ–પર્યટનની દૃષ્ટિએ આપ આનંદની સાથે સાથે કોઈ મોટો લાભ પણ મેળવશો. કોર્ટ–કચેરી સંબંધિત કાર્યોના ઉકેલમાં હજી થોડો વધુ સમય લાગશે. આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી.
• કર્ક (ડ,હ)ઃ નક્કામા વિચારો તમારા મગજમાં ઘર ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી જાતને કોઈને કોઈ કારણસર વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરશો તો ફાવશો. તમારા અંગત વ્યક્તિની સલાહ મુજબ આગળ વધવું હિતાવહ રહેશે. કાર્યક્ષેત્ર થકી ધનલાભ થવાની સંભાવના છે. નોકરિયાત વર્ગને બઢતીના યોગ છે. દાંપત્યજીવનમાં મતભેદ હશે તો દૂર રહેશે. મકાન–મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવતા વાર લાગશે. સંતાનો બાબતે ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ): આ સમય આપના માટે વધારે મહેનત અને ઓછું પરિણામ આપનારો સાબિત થાય. વિવિધ કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતા ભંગ થાય, જેના કારણે માનસિક ઉચાટ અનુભવાય. નોકરી-વ્યવસાયમાં પણ મુશ્કેલીમાં વધારો થતો જોવા મળશે. જોકે, નાણાકીય મામલે થોડી રાહત વર્તાશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોઈ ખાસ મુશ્કેલી નથી. વિદ્યાર્થીઓને પોતાની મહેનતના સારા પરિણામ મળી શકે છે. વિદેશમાં અભ્યાસની શક્યતાઓ વધે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય સખત મહેનત કરવાનો રહેશે. વધુને વધુ કુશળતાનો ઉપયોગ કરી તમારી મહેનત દ્વારા તમારા સ્થાનને મજબૂત કરવું પડશે. વ્યવસાયમાં નવીન રોકાણોને કારણે વ્યસ્તતા વધે. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓને ખાસ કાળજી રાખવી જરૂરી છે, નહીં તો અભ્યાસમાં અવરોધની શક્યતા છે. પરિવારમાં ખુશીના સમાચારને કારણે વાતાવરણ આનંદિત બની રહેશે. માંગલિક પ્રસંગનું આયોજન થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય આપને થોડું વધુ નિયંત્રણ સાથે કાર્ય કરવાનું સૂચવે છે. આપના કાર્યોમાં વધુને વધુ મહેનત અને કુશળતા દર્શાવી પડે નહીં તો નુકસાની વેઠવી પડશે. નોકરીના ક્ષેત્રમાં આપ જો ધ્યાન નહીં રાખો તો આપના વિરોધીઓ આપને ટકવા દે નહીં. ખર્ચ અને આવકનું પ્રમાણ એક સરખું રહેશે. કોર્ટ–કચેરીના કાર્યો હજી વિલંબિત થાય. સ્વાસ્થ્યની બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. કામના કારણે પ્રવાસ–પર્યટન વધે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ખૂબ મહત્ત્વનો અને સફળતા અપાવનારો સાબિત થાય. વ્યવસાયના ક્ષેત્રમાં તમારા સાથી કર્મચારીઓ દ્વારા લાભ થાય. નોકરીના ક્ષેત્રમાં આપને ઈચ્છિત જગ્યાઓ બદલી-બઢતી શક્ય બને. આર્થિક દૃષ્ટિએ આવકના પ્રમાણમાં વધારો જોવા મળે. મકાન–મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય. દાંપત્યજીવનમાં સુધારો થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો પૂરવાર થાય. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના નિર્ણયો તમારા તરફેણમાં પરિવર્તીત થાય. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક પુરવાર થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોનું આયોજન થાય જેના કારણે વાતાવરણ ખુશહાલ અને આનંદિત રહેશે. વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરશે. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.
• મકર (ખ,જ)ઃ આપનો આ સમય થોડો મિશ્ર રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડશે તો ક્યાંક ગમગીનીનું વાતાવરણ ઊભું થાય. જોકે, આ દરેક પરિસ્થિતિનો સામનો આપ કુશળતાપૂર્વક કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન–મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આપના માટે પરિવર્તન લાવશે. આપના ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. કોઈક મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઊભું થાય. આર્થિક સમસ્યાનો ઉકેલ મળશે. નોકરીમાં બઢતીનો સમય આવે. વ્યાપારમાં નવા રોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે. શારીરિક તંદુરસ્તીમાં સુધારો થતો જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઘણાં અવરોધો લાવશે પણ આપની સૂઝબૂઝથી અને બુદ્ધિકૌશલ્યથી આગળનું વિચારશો તો દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો. સારા પરિણામ પણ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે, આપની ધીરજની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતાનો બોજ હળવો થાય. આર્થિક રીતે આ સમય નહીં નફો, નહીં નુકસાનવાળો રહેશે.