તા. 24 સપ્ટેમ્બર 2022થી 30 સપ્ટેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 23rd September 2022 08:11 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આનંદ - ઉત્સાહ અને સ્ફૂર્તિથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો ચિંતા અને દુઃખદર્દથી પર રહી શકશો. નોકરી-વ્યાપાર અથવા તો ઘર-પરિવારના કામમાં પણ મન પરોવી શકો છો. સાંસારિક જીવનમાં સામાન્ય મતભેદો ઊભા થઈ શકે છે જેની કાળજી રાખવી. આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર રહેશે નહીં. વ્યવસાયિક રીતે જે પણ લોકો હોલસેલના ધંધામાં હોય એમને થોડી કાળજી રાખી આગળ વધવું. માતાપિતાના આરોગ્યની કાળજી રાખવી.

• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક પરિસ્થિતિ થોડી ઉગ્ર જોવા મળે. આશા અને નિરાશાની વચ્ચે મન હાલમડોલ થાય. આર્થિક રીતે થોડા વધુ પ્રયત્નો કરવાથી પરિસ્થિતિને સાનુકૂળ બનાવી શકશો. ઉઘરાણીના પૈસા પરત મેળવશો. ધંધાકીય બાબતોમાં નિર્ણય લેવામાં વિલંબ કરશો નહીં. નોકરિયાત વર્ગને પોતાના ઉપરી વર્ગનો સહકાર મળશે. બઢતી માટેના પ્રયત્નો પણ સફળ થાય. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય છે. કોર્ટ કચેરીના કાર્યો હજી વણઉકેલ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. તમારા કાર્યો થકી અણધાર્યો ફાયદો થાય. વ્યવસાયિક રીતે કોઈ સારી ડીલ પર કામ આગળ વધારી શકશો. જોકે ખોટી લાલચમાં ન ફસાવાય એની પણ ખાસ કાળજી રાખશો. નોકરિયાત વર્ગને નવું જોખમ કરવાથી નુકસાન ભોગવવું પડી શકે છે. હાલ જ્યાં છો ત્યાં સ્થિરતા રાખીને કામગીરી કરવી સલાહભર્યું છે. પ્રવાસનું આયોજન લાભકારક સાબિત થશે.
• કર્ક (ડ,હ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશાનો તેમજ સફળ પુરવાર થતાં તમારો ઉત્સાહ વધશે. મુશ્કેલીનો સમય હવે પસાર થઈ ગયો છે. જે કામગીરી હાથ ધરશો એમાં સફળતા મેળવશો. નોકરી-ધંધામાં તમારી સૂઝબૂઝથી માર્ગ આડેના અવરોધો દૂર કરી આગળ વધી શકશો. વ્યવસાયિક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ થોડા પરિશ્રમ બાદ મેળવી શકશો. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. આરોગ્ય પણ સુધરતું જોવા મળે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહના ગ્રહયોગો થોડી વિચલીત પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. જેના કારણે મનોસ્થિતિ ડામાડોળ થાય. મન મક્કમ રાખી ધીરજ રાખી કામગીરી કરશો તો સમયને સાનુકૂળ બનાવી શકશો. ખર્ચના કારણે આર્થિક મુદ્દે થોડી ખેંચતાણ જોવા મળે. નોકરિયાત માટે સમય થોડો સાનુકૂળ રહેશે. પરિસ્થિતિનો લાભ લઈ શકશો. વ્યાપારિક રીતે નવા સંબંધો - ઓળખાણો થકી એકંદરે લાભ થાય. પૈતૃક સંપત્તિના પ્રશ્નો હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય માન-પ્રતિષ્ઠા અપાવનારો પુરવાર થશે. મુશ્કેલીઓ તેમજ તમામ વિઘ્નોને દૂર કરી હવે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. મહત્ત્વપૂર્ણ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. નાણાંકીય સમસ્યા પણ દૂર થાય. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત કરવામાં સફળ થશો. જોકે સામે બજેટ પર પણ પૂરતું ધ્યાન રાખવું જરૂરી. વ્યવસાયિક ખર્ચને પહોંચી વળવા માટે સંતુલન બનાવી રાખવું જરૂરી છે. પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થાય. પરિવારમાં કોઈ શુભ સમાચાર મેળવી શકશો.
• તુલા (ર,ત)ઃ મનની નિરાશાને ખંખેરી નાંખો. જે કામ કરવાથી તમારો ઉત્સાહ વધે તેને ચાલુ રાખો. લોકો સાથે હળવા-મળવાનું વધારો. યોગ્ય કસરત અને મેડિટેશન વડે તમે બિનજરૂરી ચિંતાઓથી દૂર રહી શકશો. સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. નોકરી - વ્યવસાયમાં નિરર્થક મુદ્દે વાદવિવાદમાં ઉતરશો નહીં. મકાન-સંપત્તિના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થી વર્ગને પોતાની મહેનતના સારા પરિણામ જોવા મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં દિમાગને બાજુ પર મૂકી દિલથી કામગીરી કરશો તો ફાવશો. તમારો અંતરાત્મા તમને યોગ્ય દિશામાં આગળ લઈ જશે. આર્થિક રીતે હવે ખાસ કોઈ મુશ્કેલી દેખાતી નથી. પરંતુ પાછલા નુકસાનીના પ્રસંગોને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણયો લેશો તો ફાયદો રહેશે. કરિયર વિષયક બાબતોમાં જરૂરી જાણકારી મેળવીને આગળના પગલાં લેવાથી સફળતા હાંસલ કરી શકશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે મન હળવાશ અનુભવશે. વાહન ખરીદીની ઇચ્છા હવે પૂરી થતી જોઈ શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનો આ સમય મિશ્ર પસાર થાય. જોકે કોઈ નુકસાનીનો ભય નથી. ધીમે ધીમે તમારા લક્ષ્ય તરફ આગળ વધવાથી કામગીરી સફળ બનાવી શકશો. નોકરી-વ્યવસાયમાં હમણાં કોઈ મોટા પ્રોજેક્ટ્સ કે ડીલ પર આંખ બંધ કરીને કામગીરી કરવી નહીં. દરેક કામ ખાસ ચીવટથી જ કરવું. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.
• મકર (ખ,જ)ઃ કોઈ મહત્ત્વપૂર્ણ કામ સપ્તાહ દરમિયાન સંપન્ન થવાથી હળવાશ અનુભવશો. ઉધાર આપેલા નાણાં હવે પરત મેળવી શકશો. આથી નાણાંકીય સ્થિતિ વધુ મજબૂત બને. વ્યવસાયિક કામગીરીમાં તમારી કોશિષ સફળ થતી જોવા મળશે. નોકરીમાં તણાવ હવે ઓછો થાય. કામનું ભારણ થોડું ઓછું થાય. રિઝલ્ટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ પાછલી ભૂલોમાંથી બોધપાઠ લઈને આગળ વધશો તો કામગીરી થોડાઘણા અંશે સફળ બનાવી શકશો. લોકો પ્રત્યેના તમારા વલણને હવે બદલવું પડશે. નોકરી-વ્યવસાયમાં અહંકાર દૂર રાખીને બધા સાથે હળીમળીને કામગીરી કરશો તો વધુ સફળ મેળવશો. કરિયરના પ્રશ્નોમાં કોઈ સલાહકાર સાથે ચર્ચાવિચારણા કર્યા પછી આગળ વધવું. માનસિક ભાર હળવો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઉતાવળ અને આવેશથી લીધેલા નિર્ણયો ઉલટા સાબિત થઇ શકે છે. આથી શાંતચિતે નિર્ણયો લેવા સલાહભર્યું છે. વ્યવસાયના ક્ષેત્રે હવે નવી નીતિ બનાવીને આગળ કામ કરવું પડશે. શિસ્તબદ્ધ યોજનાઓ દ્વારા કામગીરી કરવાથી ફાયદો થાય. દરેક મુશ્કેલીનો હલ તમારા જ આસપાસ મેળવી શકશો. પરિવાર તેમજ મિત્રો મદદરૂપ રહેશે. આરોગ્ય સારું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter