વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સ્વાસ્થ્યને લઈને આ સપ્તાહ ઘણું સારું સાબિત થશે. નાનીમોટી સ્વાસ્થ્ય રિલેટેડ સમસ્યાનો અંત આવશે. જમીન-મકાન અથવા તો કોઈ સંપત્તિ વિષયક પ્રશ્નોને હવે ઉકેલી શકશો. આપની આર્થિક સ્થિતિમાં પણ લાભદાયક ફેરફાર જોવા મળશે. વ્યવસાય-નોકરીમાં તમારા શત્રુઓ અથવા તો હરીફને પછાડવામાં હવે આપ સફળ થાવ. વિદ્યાર્થીઓને શરૂ થતાં નવા વર્ષમાં થોડી દોડધામ વધશે. નવા મિત્રો બનાવવામાં સફળ થશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન કામકાજને લઈને અથવા તો અંગત કારણસર અચાનક બહારના દેશમાં મુસાફરી કરવી પડશે. નોકરી-વ્યવસાયમાં કામનું ભારણ પણ વધતું જોવા મળશે. આર્થિક રીતે હવે મુશ્કેલીનો અંત લાવવામાં આપ સફળ થાવ. સ્વાસ્થ્યને લઈને હવે વધુ સજાગ થવું જરૂરી છે. જો કોઈ કુટેવ હોય તો વહેલી તકે એને છોડવાના પ્રયત્નો શરૂ કરી દેજો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ મહેનત કરવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે શક્ય હોય તો બિનજરૂરી મુસાફરી ટાળજો. શક્તિ અને સામર્થ્ય મુજબના જ કામ હાથ ધરજો. ધંધા-વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં દરેક કર્મચારીને સાથે રાખીને આગળ વધશો તો ફાયદો મેળવી શકશો. નાણાકીય લાભ મેળવવા માટે હજી થોડો સમય રાહ જોવી જરૂરી છે. લગ્નજીવનમાં મતભેદો દૂર કરવા માટેના પ્રયત્નોની શરૂઆત તમારે જ કરવી પડશે. વિઝાને લગતી કામગીરીમાં કોઈ ઉતાવળો નિર્ણય લેશો નહીં.
• કર્ક (ડ,હ)ઃ આ સમય નસીબવંતો સાબિત થઈ શકે છે. જો આપ એનો યોગ્ય ઉપોયગ કરશો તો ફાયદો જ ફાયદો રહેશે. નોકરી-વ્યવસાયમાં આપના કામની પ્રસંશા થાય. ધંધા-ઉદ્યોગમાં કોઈ મોટા મૂડીરોકાણ માટેની જોગવાઈ કરવામાં આપ સફળ થઈ શકશો. જે વિદ્યાર્થીઓ નવી જગ્યાએ એ શિફ્ટ થવાના છે તો થોડી કાળજી રાખવી જરૂરી છે. ઘરથી દૂર રહેવાની પરિસ્થિતિ હજી આપ સ્વીકારી શકશો નહીં.
• સિંહ (મ,ટ): સપ્તાહની શરૂઆત માનસિક તેમજ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીવાળી રહશે. જોકે બાદમાં આપ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ લાવી શકશો. આર્થિક રીતે કોઈ લેણા કે ઉઘરાણીના બાકી નીકળતાં નાણાં હવે આપ પરત મેળવી શકો છો. જેના કારણે આપના ખર્ચાઓને પહોંચી વળવામાં સરળતા રહેશે. નોકરિયાત વર્ગને થોડી સાવધાની રાખવી જરૂરી. ધંધા-વ્યવસાયમાં ભાગીદારીથી નુકસાન થાય. મિલકત સંબંધિત કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડી પરેશાનીઓ ઊભી થતી જોવા મળશે. આપના તરફથી એ વિષયમાં થોડી સાવધાની રાખવાની સલાહ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં વડીલો સાથે ચર્ચાવિચારણા અચૂક કરજો. નાણાકીય સ્થિતિ જેવી છે એવી જ રહેશે. કોઈ મોટા ફેરફાર જોવા મળશે નહીં. આરોગ્ય બાબતે થોડી ચિંતા વધતી જોવા મળે. હવામાનની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. અથવા તો નવી કંપની સાથેનું જોડાણ પણ શક્ય બનશે. નોકરિયાત વર્ગને થોડું કામનું ભારણ વધતું જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ આપનું સપ્તાહ વ્યસ્ત પસાર થાય. કામને લઈને દોડધામ વધશે. કેટલીક અધૂરી ઇચ્છાઓ પણ આ સપ્તાહમાં સાકાર કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં વધારો થશે સાથે સાથે જ નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવાનું થોડું પ્રેશર રહેશે. કૌટુંબિક રીતે જવાબદારીમાં વધારો થતો જોઈ શકશો. સંતાનોના અભ્યાસ વિષયક બાબતોને લઈને એકથી બીજી જગ્યાની મુલાકાત લેવી પડશે. કોર્ટ-કચેરી અથવા વિઝાના કાર્યોમાં હવે રાહત થતી જોઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન બિનજરૂરી તણાવ નહીં લેવા સલાહ રહેશે. બિનજરૂરી ચિંતા આપના સ્વાસ્થ્ય ઉપર પણ માઠી અસર પહોંચાડી શકે છે, જેથી કાળજી રાખવી જરૂરી. નાણાકીય મામલે થોડી રાહતજનક સ્થિતિ રહેશે. નોકરી-વ્યવસાયમાં આપની ઓળખાણ થકી લાભ થાય. પરિવાર સાથે પણ ખુશી-આનંદનો સમય પસાર કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત તમારી જૂની યાદોને તરોતાજા કરશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થાય. કોઈ વસ્તુની ખરીદીમાં સારા એવાં નાણાં ખર્ચી શકો છો. નોકરી-ધંધામાં ઘણાં લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે નજીક આવી રહ્યો છે. આપનું સંપૂર્ણ ધ્યાન પૂર્વનિર્ધારિત કાર્યમાં લગાવવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ માટે ભાગ્યોદયકારક સમય રહેશે. નવી જગ્યાએ અભ્યાસ માટે જવાની મનોકામના પૂર્ણ થાય. કોઈ નાની યાત્રા પણ આ સમયમાં કરી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન વાણી-વર્તનમાં થોડોક બદલાવ જરૂરી રહેશે. નાણાકીય સ્થિતિમાં ફેરફાર લાવવા માટેના લાંબા સમયના પ્રયત્નો હવે ફળતાં જોઈ શકશો. જીવનસાથી સાથેનો સંબંધ પણ સુધરતો જોવા મળશે. ગ્રહયોગની દૃષ્ટિએ જોઇએ તો ધંધા-વ્યવસાયમાં નવી શરૂઆત અથવા તો ભવિષ્ય માટેની વ્યૂહરચનાઓ તમારી સૂઝબૂઝથી આગળ વધારી શકશો. નોકરીમાં ઉપરી અધિકારીની મદદ દ્વારા કાર્યપૂર્તતા સાથે પ્રગતિ પ્રાપ્ત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં આપનું આરોગ્ય સુધરતું જોવા મળે. આપ ઉર્જાસભર થઇને સ્ફૂર્તિપૂર્વક દરેક કામગીરી હાથ ધરશો. નાણાકીય બાબતોમાં કોઈની ઉપર આંધળો વિશ્વાસ રાખીને કામગીરી કરશો નહીં. આ સપ્તાહમાં આપના ઘરે મિત્રો-સ્વજનો પણ આવી શકે છે. મિલન-મુલાકાતથી ખુશી-આનંદનો અનુભવ કરશો. નોકરિયાત વર્ગને કામ પ્રત્યેની જવાબદારી વધતી જોવા મળશે. ધંધાદારી વ્યક્તિઓ માટે ઘણો સારો સમય છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત થોડી માનસિક અશાંતિવાળી જણાય. કામનું ભારણ ચિંતાનું કારણ બની શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ થોડું નિયંત્રણ અનિવાર્ય રહેશે. ખર્ચાઓ વધવાથી આર્થિક સમતુલા હલી જાય. ધંધા-વ્યવસાયમાં કેટલીક અણધારી ઘટનાઓ બની શકે છે, જેથી કાળજી રાખવી. મકાન-મિલકતના પ્રશ્નો અહીં ઉકેલાતા જોવા મળશે, જેના કારણે થોડી રાહતનો અનુભવ થાય.