તા. 29 જૂન 2024થી 5 જુલાઇ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 28th June 2024 07:56 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન તમારા પરિવારમાં ચાલતી ગેરસમજ દૂર કરી શકશો અને આનંદમય માહોલ સર્જાશે. નોકરિયાત વર્ગને આ સમયમાં કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કરિયરને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. વ્યવસાય જગતમાં નવી યોજનાઓ અને નવા રોકાણ થકી લાભ મેળવી શકશો. નાણાકીય રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે. નવા વાહનની ખરીદી કે ઘરમાં રિનોવેશન પાછળ ખર્ચ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ જો આળસ ખંખેરીને મહેનત કરશો તો દરેક કાર્ય સરળતાથી કરી શકશો, નહીં તો નિર્ધારિત કામો અટવાઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોઈ શકશો. વ્યવસાય–ઉદ્યોગમાં ખોરંભે પડેલા કામકાજો ફરીથી શરૂ કરી શકશો. કોઈ યોગ્ય સલાહકારની મદદ લઈને કામ કરશો તો સફળ થશો. નોકરિયાત વર્ગને પ્રગતિકારક તકો હાથ લાગી શકે છે. પારિવારિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધતી જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન થોડી બેચેની અને મનોસ્થિતિમાં ઊર્જાનો અભાવ વર્તાય. થોડું ટેન્શનવાળું વાતાવરણ જોવા મળે. જોકે, તમારું ધ્યાન અન્ય બાબતોમાં પરોવશો તો થોડીઘણી રાહત મેળવશો. નોકરિયાત વ્યક્તિ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોય તો એ થોડો વિલંબિત થતો જોવા મળે. વ્યવસાયમાં કોર્ટ–કચેરી રિલેટેડ પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો. સ્વાસ્થ્ય સંદર્ભે થોડીઘણી સમસ્યા જોવા મળે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે તમારા રૂટીનમાં થોડા બદલાવ લાવવા જરૂરી રહેશે. સ્વાસ્થ્ય સાથે કોઈ પણ જાતની લાપરવાહી નુકસાની નોંતરશે. આર્થિક સમસ્યાઓને ઉકેલ લાવવામાં સફળ થશો. તમારી જરૂરિયાતને પહોંચી વળવા માટે નાણાકીય વ્યવસ્થા કરી શકશો. નોકરી-વ્યવસાયમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. બિનજરૂરી ખર્ચા ટાળવા.
• સિંહ (મ,ટ): હાથ ધરેલી યોજના સાકાર કરવા માટે જરૂરી સાનુકૂળતા ઊભા થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારા ઉત્સાહમાં વધારો કરશે. નાણાકીય રીતે પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ બનતી જોવા મળે. બાકી નીકળતાં લેણાં પરત મેળવી શકશો. નોકરિયાત વર્ગને થોડાઘણાં અંશે પરિશ્રમ વધુ કરવો પડે. વેપાર-ઉદ્યોગમાં પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. શેરબજારથી સંભાળવું. વાહન–મિલકતની ખરીદીથી લાભ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં માનસિક વ્યથા-બેચેનીનો અનુભવ થાય. જોકે, આ પરિસ્થિતિમાંથી બહાર આવવાના તમારા પ્રયત્નો નિરર્થક જશે નહીં. આર્થિક રીતે જોતાં તમારા ખર્ચને પહોંચી વળવાની વ્યવસ્થા ઊભી કરવામાં સફળ થશો. નોકરી-વ્યાપારમાં ઉન્નતિનો માર્ગ હજી અવરોધરૂપ જોવા મળે. આમ છતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખશો. તમારી સંપત્તિ બાબતના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યોગ્ય સલાહકારની મદદથી આગળ વધશો તો સફળ થશો.
• તુલા (ર,ત)ઃ કેટલીક નવીન યોજનાઓ અને લાભદાયક તકો હાથ લાગે તો તુરંત એના પર કામે લાગી જજો. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોઈ શકશો. કેટલાક અંશે કામકાજનો બોજો વધતો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી વિચારસરણી તેમજ પ્રયત્નોમાં સફળતા મેળવી શકશો. સહકર્મચારી તરફથી પ્રશંસા મેળવશો. મકાન–મિલકતના પ્રશ્નો હજી વણઉકલ્યા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા કેટલાય સમયથી બગડેલા સંબંધો હવે સુધરતા જોવા મળે. ઘરની સુખ–સુવિધામાં વધારો કરી શકશો. આર્થિક સ્થિતિ સદ્ધર થતી જોવા મળશે. વેપાર-ઉદ્યોગમાં તેજીનો માહોલ જોઈ શકશો. ભવિષ્યને લગતા મૂડીરોકાણ માટે સમય સાનુકૂળ રહેશે. કરિયરની ચિંતા હવે ઓછી થતી જોવા મળે. તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી પ્રાપ્ત કરી શકો એવો માહોલ સર્જાય. પ્રવાસ–પર્યટનથી ઉત્સાહ વર્તાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ઘરનું વાતાવરણ અનુશાસિત તથા વ્યવસ્થિત બની રહે તેના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે. બાળકોના પ્રશ્નોનો ઊકેલ લાવવા માટે શાંત ચિત્ત રાખીને નિર્ણય લેશો. વ્યવસાયિક કામગીરીમાં યોગ્ય કોમ્યુનિકેશન જાળવી રાખશો તો દરેક મુશ્કેલીઓનો ખ્યાલ આવશે અને એનું નિરાકરણ પણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતીના સંજોગો સર્જાય. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતામાં ઘટાડો થાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડું બેચેની તેમજ માનસિક તણાવવાળું પસાર થાય. નાણાકીય લેવડદેવડમાં ખૂબ ધ્યાન રાખીને આગળ વધજો નહીં તો મોટી નુકસાનીમાં ફસાઈ જવાનો વખત આવી શકે છે. વેપાર-ઉદ્યોગમાં હમણાં કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવાનું સલાહભર્યું રહેશે. નોકરિયાત વર્ગને પોતાના અધિકાર પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. નવી નોકરીની શોધખોળમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆતના દિવસોમાં થોડીઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે, પરંતુ અંત સુધીમાં તમારી દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. નોકરી-વ્યવસાયમાં થોડું કાયદાકીય દાવપેચમાંથી પસાર થવું પડે. પાર્ટનરશિપથી સંભાળવું. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. કોર્ટ–કચેરીના કામમાં વિજય મેળવી શકશો. નાના પ્રવાસનું આયોજન સફળ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી અંદર રહેલી પ્રતિભા અને ક્ષમતાને હવે બહાર લાવો, જે તમને સફળતાના માર્ગે આગળ લઈ જશે. તમારી વિશેષ ઉપલબ્ધિની ચર્ચા ચારેબાજુ થતી જોવા મળશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવા માટે દોડધામ વધી જાય. વ્યવસાય જગતમાં ભાગીદારી થકી ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. તેમના ભોજન પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter