તા. 29 માર્ચ 2025થી 04 એપ્રિલ 2025 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 28th March 2025 05:33 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં નવીન તકો મળતાં વિકાસ અને પ્રગતિના માર્ગ ખુલે. અગત્યના કામ પાર પાડી શકાય. નાણાકીય રીતે પરિસ્થિતિ અનુકૂળ થતી જોવા મળશે. ખર્ચાને પહોંચી વળવા માટેની યોગ્ય જરૂરિયાત થઈ શકશે. ધંધાકીય ક્ષેત્રમાં ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. વિરોધીના ઉધામા હવે થોડા શાંત પડશે. કૌટુંબિક રીતે થોડી જવાબદારી વધે. સ્નેહી સ્વજન તરફથી માનપાન મેળવશો. નોકરિયાતોને પ્રગતિમાં વધારો થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ હાથ ધરેલી પ્રવૃત્તિઓ માટે જરૂરી મદદ ઊભી કરવામાં સફળ થશો. માનસિક ચિંતા ઓછી થાય. બાકી નાણાં પરત મળતાં થોડી રાહત થાય. જોકે, બિનજરૂરી ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે સમય થોડો મિશ્ર પરિણામવાળો જણાય. વ્યવસાયમાં લાભ થાય, પરંતુ સામે એવી દોડધામ પણ કરવી પડશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થતાં જણાશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આસપાસની પરિસ્થિતિ હવે સુધરતી જોવા મળે. મનની મૂંઝવણો દૂર થાય. સમય હવે તમારા પક્ષમાં થતો જોઈ શકશો. કામગીરીમાં પણ સફળ થઈ શકશો. આર્થિક મામલે તમારી ચિંતાઓ દૂર થાય. નવી આવક ઊભી કરવા માટેનો માર્ગ મોકળો થાય. નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક પ્રાપ્ત મેળવશો, જે તમને લાભદાયક રહેશે. નવી કોઈ જવાબદારી આવશે, પરંતુ તમે એને સારી રીતે નિભાવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સમય હજી થોડી અકળામણ અને બેચેનીનો અનુભવ કરાવશે. કાર્ય પૂરા થવામાં વિનાકારણ વિલંબ થતો જોવા મળશે. નાણાકીય ભીડ સહન કરવી પડે. બધી બાજુથી પરિસ્થિતિ વિપરિત થતી જોવા મળે. જોકે હિંમત હાર્યા વગર ધીરજથી કામ લેશો તો આ બધામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકશો. વ્યાપાર–નોકરીના ક્ષેત્રમાં બિનજરૂરી જીભાજોડીમાં ન ઉતરવા સલાહ છે. કોર્ટ–કચેરીના કાર્યોમાં હમણાં કોઈ પણ જાતની ઊતાવળ કરશો નહીં.
• સિંહ (મ,ટ): હાથમાં લીધેલી પ્રવૃત્તિ માટે જરૂરી સાનુકૂળતા ઊભી થઈ શકશે. સફળતા અને આશાસ્પદ સંજોગો તમારા ઉત્સાહમાં વધારો કરશે. નાણાકીય રીતે પરિસ્થિતિ તમારા માટે અનુકૂળ બનતી જોવા મળશે. બાકી નીકળતાં નાણાં પરત મેળવી શકશો. નોકરિયાત વર્ગને થોડાઘણા અંશે પરિશ્રમ વધુ કરવો પડશે. વ્યવસાય જગતમાં પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. શેરબજારથી સાચવવું. વાહન–મિલકતની ખરીદીથી લાભ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં માનસિક વ્યથા અને બેચેનીનો અનુભવ થાય. જોકે, આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેના તમારા પ્રયત્નો વ્યર્થ જશે નહીં. આર્થિક બાજુ જોતાં તમારા ખર્ચને પહોંચી વળવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં સફળ થશો. નોકરી-વ્યાપારમાં ઉન્નતિનો માર્ગ હજી અવરોધરૂપ જોવા મળે. છતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી છે. સંપત્તિ બાબતના તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યોગ્ય સલાહકારની મદદથી આગળ વધશો તો સફળ થશો.

• તુલા (ર,ત)ઃ કેટલીક નવીન યોજનાઓ કે લાભદાયક તકો જો હાથ લાગે તો તુરંત એના પર કામે લાગી જજો. આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોઈ શકશો. કેટલાક અંશે કામકાજનો બોજો વધતો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારી વિચારસરણી તેમજ પ્રયત્નોથી સફળતા મેળવી શકશો. સહકર્મચારી તરફથી વાહ–વાહ મેળવી શકશો. મકાન–મિલકતના પ્રશ્નો હજી વણઉકેલ્યા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા કેટલાક સમયથી બગડેલા સંબંધો હવે સુધરતા જોવા મળે. ઘરની સુખસુવિધામાં વધારો કરી શકશો. આર્થિક સ્થિતિ સદ્ધર થતી જોવા મળશે. વ્યવસાય જગતમાં તેજીનો માહોલ જોઈ શકાશે. ભવિષ્યને લગતા મૂડીરોકાણ માટે સમય સાનુકૂળ છે. કરિયરની ચિંતા હવે ઓછી થતી જોવા મળે. તમારી ઈચ્છીત જગ્યાએ નોકરી પ્રાપ્ત કરી શકો એવા યોગ સર્જાય. પ્રવાસ–પર્યટનથી વાતાવરણમાં ઉત્સાહ વધશે.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન સારો એવો સમય ઘરની દેખરેખ કે સુધારાને લગતી ગતિવિધિમાં પસાર થાય. આર્થિક ક્ષેત્રે જોઇએ તો, કોઈને ઉછીના આપેલાં નાણાં પરત મેળવી શકશો. વ્યવસાયમાં પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આગળની કામગીરી કરવા સલાહ રહેશે. નોકરીમાં બદલી-બઢતીના અટવાયેલા કામકાજો હવે ઉકેલાશે. પરિવાર સાથે થોડો વધુ સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળે.

• મકર (ખ,જ)ઃ તમારો આ સમય થોડો કસોટીવાળો રહેશે. જોકે, સૂઝબૂઝથી દરેક કસોટીમાંથી પાર ઉતરી શકશો. વ્યવસાય જગતમાં બદલાતી પરિસ્થિતિ સાથે તમારી નવી નીતિથી કામગીરી કરશો તેમાં ફાયદો રહેશે. નોકરીના ક્ષેત્રમાં તમારી સહકર્મચારી સાથે નજીવી બાબતે રકઝક થાય એવી સ્થિતિ આવી શકે છે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો જોવા મળે. જોકે, સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. જે આપને ખૂબ જ શાંતિ અને હકારાત્મક ઊર્જાનો અનુભવ કરાવશે. આર્થિક મામલે તમારી નજીકની કોઇ વ્યક્તિની મદદથી ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ લાવી શકશો. વ્યાપારિક સ્થિતિમાં થોડાઘણાં પરિવર્તન જોઈ શકશો. તમારાં માન–સન્માનમાં વધારો થાય. નોકરી માટેના જે પ્રયાસો તમે કરી રહ્યા છો તે હવે સફળ થતાં જોઈ શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કામનું ભારણ વધતું જોવા મળે, જેના કારણે તમારો સ્વભાવ પણ બદલાતો જોઈ શકશો. ચીડિયાપણું, ગુસ્સો, ટેન્શન અનુભવાશે. નાણાકીય રીતે આ સમય સારો રહેશે. તમારા કામનું વળતર પણ સારું મેળવશો. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારતા હોવ તો એ પણ શક્ય બનશે. વ્યવસાયમાં કોઈ પણ લેવડદેવડ કરતાં સમયે જરૂરી કાર્યવાહીથી જ આગળ વધશો. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા ધરાવતા હશો તો એ હવે સફળ થતી જોવા મળશે. બાળકોની બાબતમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે યોગ્ય વિચાર કરીને આગળ વધશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter