વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહમાં આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિના ઉજળા સંજોગ છે. રોકાયેલા - અટકાયેલા કાર્યની પૂર્તતા થઈ શકશે. અગર કોઈની મદદની ઈચ્છા હશે તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે. આવક કરતાં જાવક વધુ રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી પરેશાની રહેશે. નોકરી-ધંધામાં કોઈ કામમાં ઉતાવળ રાખશો નહીં, થોડું જોઈજાળવીને કામ આગળ વધવું હિતાવહ રહેશે. સંતાનસંબંધી પ્રશ્નો હવે હલ થતાં જોઈ શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય તમારા માટે જમીન–મકાન કે પ્રોપર્ટીને લગતા કામકાજમાં સારી એવી સફળતા અપાવનાર સાબિત થાય. નોકરિયાત વર્ગને આવકમાં વધારો થાય. સામાજિક રીતે માનપાન–પ્રતિષ્ઠામાં વધારો થાય. ધંધા-ઉદ્યોગમાં થોડું જોઈજાળવીને ઈન્વેસ્ટ કરવાની સલાહ રહેશે. તમારું ધ્યાન પૂરેપૂરું વ્યવસાયમાં કેન્દ્રિત રાખવું જરૂરી રહેશે. વાહન ખરીદીની ઈચ્છા હવે પૂર્ણ થાય. સપ્તાહનો મધ્ય ભાગ થોડો ટેન્શન, બેચેનીવાળો પસાર થાય . માતા-પિતાની ચિંતા રહ્યા કરશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપનું આ સપ્તાહ ઉત્તમ સિદ્ધિદાયક પુરવાર થાય. જોકે, આપના સ્વભાવને અહીં બદલાવાની જરૂર રહેશે નહીં તો બનેલા કાર્યો બગડવાની શક્યતા બળવાન બનશે. શેરમાર્કેટમાં ફાયદો મળે, પણ વધુ જોખમ લેવા જેવું નથી. આર્થિક રીતે આ સમય શુભદાયી રહેશે. નાના-મોટાં રોકાણોની વ્યવસ્થામાં સફળતા મળે. સંતાનોના અભ્યાસ માટેની ચિંતા હવે ઓછી થાય. આપનો સમય ભક્તિમાર્ગમાં પસાર થાય. મકાન–મિલકતના પ્રશ્નોમાં હજી થોડી ઘણી મુશ્કેલીઓ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમય મિશ્ર રહેશે. કેટલાક કાર્યોમાં ભાગ્યોદય જોવા મળે તો કોઈક કાર્યમાં નિષ્ફળતા પણ સાંપડે. જોકે, આપના જીવનસાથીનો સહયોગ હંમેશા આપની સાથે રહેશે જે દરેક મુશ્કેલીમાંથી બહાર આવવામાં માટે આપને મદદરૂપ બની રહેશે. આર્થિક રીતે તો કોઈ સમસ્યા રહેશે નહીં, પરંતુ ખર્ચાઓને થોડા કંટ્રોલમાં રાખવા જરૂરી રહેશે. ધંધામાં ભાગીદારીથી ફાયદો થાય. નવી પ્રોપર્ટીની ખરીદી માટે તૈયારી કરી શકો છો.
• સિંહ (મ,ટ): તમારું આ સપ્તાહ આનંદ-ઉલ્લાસવાળું રહેશે. માનસિક રીતે બધી ચિંતાઓ ભૂલીને તમે પરિવાર સાથે ખૂબ સારો સમય પસાર કરી શકશો. ધંધા-વ્યવસાયમાં ધીમે ધીમે પ્રગતિ થતી જોવા મળશે. આર્થિક પરિસ્થિતિમાં પણ સારો એવો બદલાવ જોઈ શકશો. સંતાનના લગ્ન બાબતની ચિંતા પણ હવે દૂર થતી જણાય. વિદ્યાર્થીઓની વ્યસ્તતામાં થોડો વધારો થાય. પરીક્ષાનું ભારણ વર્તાય. કરિયરની શરૂઆત કરનારાને માટે થોડો પડકારજનક સમય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે સ્વાસ્થ્ય અંગે થોડીઘણી ચિંતાઓ રહેશે. આળસ–સુસ્તી વધતી જોવા મળે. મન ઉદાસી તેમજ બેચેની અનુભવે. કામકાજમાં મન ઓછું લાગે, જેથી પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા પર પણ વિપરિત થઈ અસર થઈ શકે છે, જેની કાળજી રાખવી. આર્થિક પરિસ્થિત યથાવત્ રહેશે. વિઝા સંબંધિત કામગીરી માટે થોડી દોડધામ કરવી પડે. વિદેશમાં અભ્યાસની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે હવે ઉત્તમ સમય આવી રહ્યો છે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં તમારા વાણી-વર્તન લાભ કરાવશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય એવી કામગીરી આપના દ્વારા થાય. સેલ્સ અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં તમારા લક્ષ્ય પૂરા કરવા તેમજ ભાવિ યોજનાઓ માટે સ્વજનની સલાહ ઉપયોગી બનશે. વિદ્યાર્થીઓ માટે મનની એકાગ્રતા વધારવા યોગ–મેડિટેશન લાભકારક સાબિત થાય. પરિવાર સાથે પણ સારો એવો સમય વ્યતીત કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ અઠવાડિયું આપના માટે મધ્યમ ફળદાયી રહેશે. કોઈ કામમાં ટેન્શનવાળી સ્થિતિ જણાય. જોકે, તમારી મહેનતનું સારું પરિણામ પણ પ્રાપ્ત મેળવશો. સ્વાસ્થ્યની બાબતમાં સામાન્ય તકલીફ રહેશે. જમીન–મકાન, સંપત્તિની બાબતમાં પરિવાર સાથે વાતચીત કરીને આગળ નિર્ણય લેવું સલાહભર્યું છે. નોકરિયાત વર્ગને કાર્યબોજ અંગે થોડીઘણી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહ આપના માટે પ્રગતિકારક રહેશે. સંબંધોમાં સુધાર લાવવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. અન્યોને જોડવામાં કડીરૂપ પણ બની શકો છો. યાત્રા-પ્રવાસનું આયોજન થશે. ધંધા-વ્યવસાયમાં કમિશન, ટ્રાવેલિંગ, ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં પણ ખૂબ લાભ જોવા મળશે. ધંધાને વિસ્તારવા માટે તમારી યોજનાઓ પર પણ હવે કામ આગળ વધારી શકો છો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ કામને લઈને આ સપ્તાહમાં તમારો ઉત્સવાહ વધતો જોવા મળશે. વિચારોમાંથી નકારાત્મક્તા હવે દૂર થતી જોવા મળશે. જીવનમાં નોંધપાત્ર બદલાવ પણ જોવા મળશે. આર્થિક દૃષ્ટિએ પણ તમારા ધાર્યા કાર્યો પૂરા કરી શકશો. ખર્ચામાં ઘટાડો થાય. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથેના સંબંધમાં સુધારો જોવા મળશે. સંતાન અંગે થોડી ચિંતાઓ રહેશે. વ્યવસાયિક રીતે નવા રોકાણો અથવા પ્રોજેક્ટ્સ મેળવવા માટે થોડી મહેનત વધારે કરવી પડે, પણ અંતમાં સફળતા હાથ લાગે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થઈ શકે છે. જમીન–મકાનની ખરીદી, પ્રોપર્ટી સંબંધિત કાર્યોથી લાભ પ્રાપ્ત થાય. આવકના સ્ત્રોત વધારવા માટેના નવા રસ્તાઓ ખુલતાં જોવા મળશે. નોકરિયાત વર્ગને કામને લીધે પ્રવાસ કરવો પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા વધારવી જરૂરી. જીવનસાથીની મદદ થકી આપનાં ઘણા કામને આસાનીથી પાર પાડી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આર્થિક રીતે સદ્ધરતા અપાવનારો છે. નોકરિયાત વર્ગને આગળ વધવા માટે ખૂબ સારો અવસર પ્રાપ્ત થઈ શકે છે. બીજી તરફ, પ્રતિસ્પર્ધી પણ એટલા જ સક્રિય હશે જેથી કોઈ પણ જાતની બેદરકારી આપને નુકસાન પહોંચાડી શકે છે તેનું ધ્યાન રાખશો. સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા - તકલીફ રહેશે. હોસ્પિટલના ધક્કા વધતાં જોવા મળશે. એકંદરે આ સપ્તાહ આપનું થોડું ઉતાર–ચઢાવવાળું પસાર થાય.