તા. 6 એપ્રિલ 2024થી 12 એપ્રિલ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th April 2024 06:45 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં આપના કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી સ્વસ્થતાપૂર્વક ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ રહેશે તથા તમારી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળો તેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશો. તમારા અટવાયેલા લાભ તથા બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવા માટે કાલ્પનિક ચિંતાઓ છોડવી પડશે. નજીકના સ્વજનોના વર્તન અને બોલેલું ધ્યાને ન લેવાના અભિગમથી પણ શાંતિ જાળવી શકશો. મનને વિક્ષેપ કરે તેવા પ્રસંગો બનશે. નાણાંભીડ વધતી જોવા મળશે. કોઇને પણ ધીરધાર ટાળજો. મોટા સાહસમાં પડવાનો આ સમય નથી. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીઓના કારણે થોડી પ્રતિકૂળતા જણાય. ધંધા-વેપારની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાય.

• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સાનુકૂળ ન લાગવા છતાંય એકંદરે આ સપ્તાહ સફળ નીવડશે. આપની પૂર્વનિર્ધારિત કામગીરી પાર પડશે. કોઈના સહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઊકેલાશે. આ સમયમાં નાણાકીય અવરોધોમાંથી માર્ગ મળશે. તમારી મૂંઝવણ અને ચિંતાઓનો ઉકેલ મળશે. આવકનું પ્રમાણ વધે, પણ તે સંતોષકારક ન જણાય. નોકરિયાતને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થાય. બદલી અંગેના પ્રયત્નો સફળ થાય.

• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહમાં અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો ઊભા થતાં પ્રગતિ જણાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભકારક જણાય. સ્નેહી-સ્વજનથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર થતાં પ્રસન્નતા વર્તાય. આપની આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાય. નવા સંબંધોથી લાભકારક પુરવાર થાય.

• સિંહ (મ,ટ): આ સમય તમારા અગત્યના કાર્યોનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબૂ રાખવો જરૂરી. ઉતાવળા નિર્ણયો ન લેશો. આપની નાણાંકીય સમસ્યાના કારણે પરિસ્થિતિ યથાવત્ રહે. વધારાની આવક અથવા જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે સમય-સંજોગ મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું. કોઈની સાથે વિવાદ સર્જાતો અટકાવશો.

• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મનોબળ ટકાવી રાખવું પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળશે નહીં, ઉલ્ટાની નિષ્ફળતા જોવી પડે. અહીં તમારી આવકની બાજુઓ પર પણ સવિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ સમયમાં વધુ પડતા ખર્ચ થશે. વળી લેણી રકમો પણ મળે નહીં. જેથી લાભની આશા રાખશો તેમાં હાનિ દેખાય. નોકરી-ધંધામાં આ સમય ખૂબ જ મહેનત માંગી લેશે.

• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતાં માનસિક અશાંતિ અને અજંપો વર્તાશે. મનને પ્રસન્ન રાખવા પ્રયત્નો કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢશો. નાણાકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે ખરા, પરંતુ ખોટા ખર્ચ – વ્યયના કારણે સ્થિતિ જેમની તેમ રહેશે.

• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકશે. નિરાશાના વાદળો વિખેરાતાં જણાય. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો અને જરૂરી આવક ઊભી થઈ શકશે. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધશે. લાભદાયી તકની આશા રાખી શકાય. સંજોગો સાનુકૂળ થતા જણાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉન્માદનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી. લાંબા સમયથી અટકેલાં લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્ય અંગે ખર્ચ વધશે. નોકરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે.

• મકર (ખ,જ)ઃ માનસિક તાણ વધે તેવા પ્રસંગો સર્જાશે. આવેશ અને લાગણીઓને કાબુમાં નહીં રાખો તો અન્યથી વિવાદ–ઘર્ષણ સર્જાય. માનસિક વ્યથા-વેદના અનુભવાય. આર્થિક રીતે સમય મધ્યમ છે. નોકરી અંગેના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. અવરોધોનો સામનો કરવો પડશે. વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી. ધાર્યું કામ વિલંબમાં પડતું જણાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે માનસિક મૂંઝવણ યા ચિંતાનો ઉકેલ મળતાં રાહત જણાશે. ગમેતેવા પ્રતિકૂળ સંજોગોમાંથી પણ રાહતનો માર્ગ મળી રહેશે. તમારા મહત્ત્વના કામકાજોમાં થતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. નાણાકીય ક્ષેત્રે જોઇએ તો આવક વધે, પણ ખર્ચ તથા ચૂકવણીના ભીંસ જૈસે થે રહે. માનસિક અસંતોષ વર્તાય. ઉતાવળે નાણાં રોકવા નહીં. નોકરિયાતને મહત્ત્વની કામગીરીઓ માટે સંજોગો સાનુકૂળ થતાં લાગશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય ઉત્સાહજનક નીવડશે. મનોકામનાની પૂર્તિ માટે હવે સંજોગો સુધરતાં જણાય છે. નવીન આશાનો જન્મ થાય. અશાંતિના વાદળો હટતાં જણાય. સાનુકૂળ વિકાસની તકો અને કાર્ય સફળતાના કારણો એકંદરે આનંદ-ઉલ્લાસ અનુભવશો. આર્થિક પરિસ્થિત વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં નાણાભીડમાંથી બહાર આવવાનો માર્ગ મેળવીને કામ સાધી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter