તા. 6 જુલાઇ 2024થી 12 જુલાઇ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th July 2024 09:13 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન તમારા ગ્રહ–નક્ષત્રોના આધારે ઘણી પરિસ્થિતિમાં બદલાવ આવશે. આર્થિક મામલે કોઈના કહેવા મુજબ આગળ વધશો તો નુકસાની ભોગવવી પડશે. જોકે, વ્યવસાયની દૃષ્ટિએ તમારા રાશિ મુજબના સંકેતો ઉત્તમ પરિણામ આપે એવી શક્યતા છે. નોકરીમાં પણ તમારી મહેનત રંગ લાવે. સ્વાસ્થ્યની રીતે આ સમયમાં હકારાત્મક ફેરફારો જોઈ શકશો. પરિવારના સભ્યો સાથે આનંદમય સમય વ્યતીત કરી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન નવા કામ શરૂ કરવાની ઈચ્છા સાકાર કરી શકશો. ભવિષ્યની યોજનાઓ તેમજ તેના માટેના યોગ્ય રસ્તા ઉપર કામ કરવાનું શરૂ કરી શકો છો. તમારી મહેનતનું સારું પરિણામ મેળવશો. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક દૃષ્ટિએ આ સમયમાં કોઈ પણ જાતના વિઘ્નો વિના કામકાજ પૂર્ણ કરી શકાય. નોકરિયાત વ્યક્તિઓને વધુ પડતી જવાબદારીનો બોજો રહેશે. વ્યક્તિગત જીવનમાં તમારા પાર્ટનર સાથેના સંબંધો સુધરતા જોવા મળે. વાહનખરીદી માટે સમય સારો છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે વ્યક્તિગત અને વ્યવસાયિક કાર્યોની વચ્ચે તાલમેલ જાળવી રાખવા વધુ મહેનત કરવી પડે. માર્ગ આડેની અડચણોને દૂર કરવા માટે તનતોડ મહેનત કરશો તો ફાવશો. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. નવી નોકરીની શોધ અહીં પૂરી થાય. તમારી આત્મશક્તિમાં સકારાત્મક પરિવર્તન જોઈ શકશો. સ્વાસ્થ્ય સંબંધિત થોડી સમસ્યાઓ રહેશે. સામાન્ય તાવ અને શરીરના દુઃખાવાની ફરિયાદ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો જોઈ શકશો. જોકે એ પોઝિટિવ તેમજ નેગેટિવ બંને પ્રકારે રહેશે. વ્યક્તિગત જીવન સુધારાવાળું જણાય, જ્યારે વ્યવસાયિક જીવનમાં થોડીઘણી ઉથલપાથલ જોવા મળે. આર્થિક મુદ્દે સમય જેમનો તેમ રહેશે. નોકરિયાત વ્યક્તિએ પોતાની કામગીરીમાં સફળ થવા માટે અત્યારથી ભવિષ્ય માટેની વ્યૂહરચના બનાવી રાખવી જરૂરી છે. સંતાનોની લગ્નવિષયક બાબતમાં આગળ ચર્ચા-વિચારણા કરી શકાય.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચેનું બેલેન્સ જાળવવા ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી તમારા માટે નુકશાનદાયક પુરવાર થઈ શકે છે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય તમે જાતે જ લો. આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને પણ થોડી વધુ સજાગતા હવે તમારે રાખવી પડશે. વિઝાને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જીવન સંબંધિત ઉત્સાહ અને આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેનો મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિમાં સુધરો થતો જોવા મળશે. અહીં મકાનના રિનોવેશનની બાબતોમાં આગળ વધી શકશો. વિદ્યાર્થીઓને પરીક્ષાને મામલે થોડું ભારણ રહેશે. કોર્ટ–કચેરીમાં હજી નિર્ણય આવતા વાર લાગશે.
• તુલા (ર,ત)ઃ તમારા વિરોધીઓની ગતિવિધિને નજરઅંદાજ નહીં કરવા સલાહ છે. ખાસ કરીને વ્યવસાયિક મામલામાં ખૂબ કાળજી રાખી કામગીરી કરવા સલાહ રહેશે. નોકરીમાં આ સપ્તાહ દરમિયાન આપને કામગીરીનું ભારણ વધતું જોવા મળે. જોકે, સામે તમારા કામની પણ પ્રશંસા મેળવી શકશો. નવી વાહનની ખરીદી શક્ય બને. નાની યાત્રા કે પ્રવાસની ઈચ્છા પૂર્ણ કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, કોઈ ગંભીર સમસ્યા રહેશે નહીં. આ સપ્તાહ દરમિયાન નાણાંકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર નાણાં લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિઓને કોઈ સારી જોબ ઓફર પ્રાપ્ત થાય. વ્યવસાયિક રીતે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ–પર્યટનથી થોડી મનોસ્થિતિ હળવી બનાવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરતા હતા તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો હવે ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો પણ આ યોગ્ય સમય છે. આર્થિક રીતે રાહત રહેશે. જૂનું દેવું ચૂક્તે કરી શકશો. વ્યવસાય–નોકરીમાં તમારી કાર્યપ્રણાલિમાં જરૂરી પરિવર્તન અપનાવશો તો અવશ્ય સફળતા હાંસલ કરશો. કામકાજ સાથે ઘર–પરિવાર માટે પણ પૂરતો સમય ફાળવી શકશો.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ થોડી જટિલ તેમજ મુશ્કેલ બનતી જોવા મળશે. જો થોડી વધુ ધીરજથી કામગીરી કરશો તો મુશ્કેલ સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં હમણાં જ જોડાયા હોય તો થોડું સમાધાનકારી વલણ અપનાવજો. વ્યવસાયમાં નવી ભાગીદારી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધજો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવા કરતાં પોતાની જાતે જ મહેનત અને વિશ્વાસ રાખીને કામગીરી કરશો તો યોગ્ય સફળતા મેળવી શકશો. નાણાકીય સ્થિતિ હાલ પૂરતી ડામાડોળ જણાય, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખીને પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી શકશો. વ્યાપારમાં નવું કામ કરવાની ઈચ્છા હશે તો એને તરત અમલમાં મૂકી આગળની કામગીરી શરૂ કરી શકો છો. મકાન–મિલકતના પ્રશ્નો ઉકેલી શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે, જેથી આત્મવિશ્વાસ પણ વધશે. અંગત સમસ્યાઓનો પણ હલ મેળવી શકશો. વ્યાપાર–નોકરીમાં પણ તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી રહેશે નહીં. નવા રોકાણો માટેની નાણાકીય જોગવાઈઓ ઊભી કરવામાં સફળ થશો. નાના પ્રવાસની યોજનાથી મન પ્રફુલ્લિતતા અનુભવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter