તા. 7 જાન્યુઆરી 2023થી 13 જાન્યુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th January 2023 07:18 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ નવું વર્ષ તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે. સપ્તાહ દરમિયાન તમારું કોઈ વિશેષ કાર્ય સફળ થશે. તમારા કાર્યક્ષેત્ર પર તમારી આવડત અને યોગ્યતાને કારણે પ્રશંસા થાય. વ્યાપારમાં થોડી કાર્યકુશળતા વધારવી જરૂરી. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. નવા વર્ષનું આગમન સારી રીતે આનંદ ઉલ્લાસથી કરશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા લક્ષ્યની એકદમ નજીક પહોંચી ગયા છો એવો અનુભવ સપ્તાહ દરમિયાન થાય. વ્યસ્તતામાં વધારો જોવા મળશે. પરિવારના લોકો સાથે સુખદ સમય વ્યતીત કરશો. તમારી મહેનતનું પરિણામ તમારા વ્યવસાયના ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં થોડી ટેન્શનવાળી પરિસ્થિતિ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ધીરે ધીરે ઉકેલ આવતો જોઈ શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ 2023નું નવું વર્ષ આપના વ્યક્તિત્વમાં નિખાર લાવશે. નવી બાબતોમાં અથવા નવા કાર્યો તરફ તમારું ધ્યાન કેન્દ્રીત થાય. વ્યવસાય-ઉદ્યોગમાં બધી જવાબદારીનો ભાર હવે જાત પર લેવાની જગ્યાએ થોડું બીજા ઉપર પણ નાંખવાની જરૂર છે. કુંવારા લોકો માટે નવા સંબંધની શરૂઆત થાય. કામની સાથે સાથે હવે સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન આર્થિક સમસ્યા ઉકેલાશે. પરિવારના સભ્યોમાં તમારું માન–સન્માન વધશે. પતિ-પત્ની વચ્ચે સંબંધ સુધરતા જોવા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવેલા તમારા પ્રયાસને લીધે મનપસંદ જગ્યાએ એડમિશન મેળવી શકશો. હેલ્થને લઈને થોડી મુશ્કેલી વધશે. શરીરનો દુઃખાવો અને સ્નાયુ દર્દની સમસ્યા સતાવશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં કંઈક નવું શીખવામાં સમય પસાર થાય. કાર્ય ઉપર વિજય પ્રાપ્ત થવાથી આનંદ અનુભવશો. જોકે, બીજી બાજુ ઘરમાં કંઈ અશુભ બનાવને કારણે મન થોડું બેચેન બનશે. વ્યવસાય – નોકરીમાં સહકર્મચારી સાથે સંબંધ સુધરે. તમારું પ્રભુત્ત્વ વધે. આર્થિક રીતે કોઈ મુશ્કેલી રહેશે નહીં તેમ છતાં ખર્ચ પર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ પણ કાર્ય ઉપર આખરી નિર્ણય લેતાં પહેલાં કોઈ યોગ્ય વ્યક્તિ સાથે સલાહ-વિચારણા જરૂર. તમારું ધ્યેય નક્કી કરી આગળ વધશો તો ફાવશો. કરિયર સંબંધિત મહત્વપૂર્ણ મદદ તમને પ્રાપ્ત થશે. અપરિણીત વ્યક્તિને હવે ચિંતા દૂર થાય, યોગ્ય પાત્ર પ્રાપ્ત કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધશે.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન કોઈ અંગત વ્યક્તિની સમસ્યા ઉકેલવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખર્ચને ટાળજો. વ્યાપારમાં થોડો વધુ પ્રચાર-પ્રસાર જરૂરી બને. કાર્યક્ષેત્રમાં હવે થોડી હળવાશ થાય. કાર્યભાર ઓછો થતો જોઈ શકશો. મકાન રિપેરિંગના કામકાજમાં હજી થોડી વધુ વિલંબિત પરિસ્થિતિ સર્જાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારા કાર્યક્ષેત્ર અંગે લોકો દ્વારા થતાં વિરોધને બાજુ પર મૂકી તમારા નિર્ણય લઈ આગળ વધશો તો અચૂક સફળ થશો. થોડી મુશ્કેલી પણ વધશે, પરંતુ મંઝીલ સુધી પહોંચવાના તમારા પ્રયત્નો સફળ થાય. થોડું ડિસિપ્લિન જીવનમાં જરૂરી રહેશે. સંબંધોમાં તમારી અપેક્ષાઓને કારણે બીજાને દુઃખ ન થાય તેનું ધ્યાન રાખજો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ ઘરના માંગલિક પ્રસંગોના આયોજનમાં વ્યસ્ત બનતું જોઈ શકશો. ખરીદીમાં સમય વધુ વ્યતીત થાય. સમયનો ભરપૂર ઊપયોગ કરી લેજો. વ્યવસાય – નોકરીમાં થોડું પદ્ધતિસર કામકાજ જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને પોતાના ઉચ્ચ અભ્યાસના સપનાં પૂરાં કરવા માટે થોડી વધુ દોડધામ કરવી પડશે. મહેનત પણ જરૂરી બનશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન થોડી ઉતાર-ચઢાવ વાળી પરિસ્થિતિ રહેશે. આર્થિક બાબતોમાં થોડું ટેન્શન વધતું જોવા મળે. કોઈ અણધાર્યા ખર્ચા આવી શકે છે. વ્યવસાયિક રીતે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં એના ફાયદાઓ પણ ચકાસી લેજો. લગ્નજીવમાં મધુરતા લાવવા માટે પાર્ટનર સાથે ચર્ચા-વિચારણા કરવી આવશ્યક બનશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે વારસાગત સંપત્તિને લગતા વિવાદનો ઉકેલ આવશે. થોડું નુકસાન પણ ભોગવવું પડે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. કાર્યક્ષેત્ર ઉપર વાતચીતમાં અથવા તો તમારી વાણી ઉપર કંટ્રોલ રાખજો. વ્યાપારમાં વર્તમાન સ્થિતિ ઉપર તમારું ધ્યાન કેન્દ્રીત કરવાથી ફાયદો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ વ્યક્તિગત તેમજ સામાજિક જીવન વચ્ચે સંતુલન જાળવજો, નહીં તો તમારે જ નુકસાની વેઠવી પડે. વ્યવસાયમાં તમારા નિર્ણયોને સ્પષ્ટ રીતે રજૂ કરવા પડે. નોકરિયાત વર્ગને આ સમયમાં થોડી રાહત રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. વાહનની ખરીદીની ઈચ્છા પૂર્ણ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter