મેષ (અ,લ,ઈ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર બોજ વધારવા નહીં દો તો અજંપામાંથી મુક્તિ આપશે. નાણાકીય રીતે સમય ખર્ચાળ નીવડશે. મોટા ખર્ચ થાય. જરૂરી આર્થિક આયોજન કરવામાં પણ અવરોધ આવે અને વધુ પ્રયત્ને કાર્યસફળ થાય. નવા કામકાજમાં જોઈતી સાનુકૂળતા મળશે. વિકાસનો તબક્કો શરૂ થશે. નોકરિયાતને અટવાયેલા લાભ મળશે અને ઉન્નતિનો માર્ગ ખૂલશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ચિંતાના વાદળો વિખેરાતા મન રાહત અનુભવશે. ઉત્સાહપ્રેરક આગેકૂચ કરશો. મનના અરમાન સાકાર થતાં લાગશે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ સજાગ રહેવું યોગ્ય છે. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવું રહ્યું. જૂની ઉઘરાણી મેળવવા પ્રયત્નો વધારજો. નોકરિયાતો વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ધંધા-વેપાર સાથે સંકળાયેલા વર્ગને સારી તકો આ સમયમાં મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક તાણ અને કાલ્પનિક ચિંતાના કારણે બેચેનીનો અનુભવ થશે. ખોટા વાદવિવાદથી દૂર રહેજો. નાણાકીય બાબતોમાં આ સમયમાં ગ્રહયોગો સાથ આપશે. તમારા પ્રયત્નો સફળ થતા જણાય. નાણાકીય ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતો માટે આ સમયગાળો પરિવર્તન અને સાનુકૂળતાનો સંકેત આપે છે. કેટલાક અવરોધો હશે તો તે દૂર થશે. મિત્રો, પરિચિતો ઉપયોગી બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળશે. વિરોધીથી ચિંતા રાખવાને કારણ નથી.
કર્ક (ડ,હ)ઃ અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશીની લાગણી અનુભવશો. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક ભારણ હળવું બનશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં મળે. નોકરી અંગે તમે કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. પરિવર્તનની તક મળશે. બદલી પણ શક્ય છે. વિકાસના પંથ તરફ ધ્યાન કેન્દ્રીત કરજો. વ્યવસ્થિત બનીને રહેશો તો અગવડ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવશે. જૂની ઉઘરાણી પરત મળશે. વેપાર-ધંધામાં કામનો બોજો અને ટેન્શન વધશે.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન વિના કારણ ચિંતાઓથી માનસિક તાણ સર્જાશે. કાલ્પનિક ભયથી દૂર રહેજો. તમારા પ્રયત્નો લાંબા ગાળે સફળતા જરૂર આપશે. અલબત્ત, ઝડપી પરિણામોની આશા રાખશો નહીં. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોના કારણે અશાંતિ રહેશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળશો. તમારા અટવાયેલા લાભો પ્રાપ્ત કરી શકશો. ધંધા-વેપારમાં પ્રગતિનો અવસર મળશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ અરસામાં આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ અને શાંતિ અનુભવશો. કાલ્પનિક ચિંતાને મનમાં ટકવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને એકંદરે સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. તમારા આર્થિક વ્યવહારો પાર પડશે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો મોકો ગુમાવવો પડશે. બદલીનો યોગ પ્રબળ છે.
તુલા (ર,ત)ઃ સપ્તાહના ગ્રહયોગો દર્શાવે છે કે સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ થશે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયગાળામાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાત માટે આ સમય વિઘ્નરૂપ જણાય છે. તમારા કામકાજો હજુ સ્થિગત રહેતા જણાય. અગત્યના નિર્ણય માટે રાહ જોવી પડશે. ધંધા-વેપારમાં કેટલાક અવરોધનો સામનો કરવો પડશે.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ થશે. અશાંતિ અને અજંપામાંથી છૂટવા સતત કાર્યરત રહો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આ સમયમાં આવક વધવાના યોગો છે. ખાસ નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. ખોટા ખર્ચને મોકૂફ રાખજો, નહિતર આર્થિક બોજો વધી જશે. જો તમે નોકરિયાત હો તો તમારા પુરુષાર્થનું ફળ મળશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ રચનાત્મક અને નવી કાર્ય પ્રવૃત્તિઓને કારણે ઉત્સાહ વધશે. આશાનો સંચાર થશે. કેટલાક નવીન આયોજનની દિશાઓ ઉઘડતી જણાશે. અંગત બાબતોને કારણે મનોસંઘર્ષ રહેશે. આર્થિક સમસ્યા યથાવત્ રહેતી જણાશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. વધુ નવીન તકો મળશે. વેપાર-ધંધામાં વિકાસના દ્વાર ખૂલતાં જણાશે. લાંબા સમયનાં અણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ મળશે.
મકર (ખ,જ)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણકારક રહેશે. એક પ્રકારની અજંપાની ભાવના રહેશે. અકળામણ પણ વધતી જણાય. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળતા જણાય નહીં. શેર-સટ્ટામાં લાભ લેવાં જતાં પસ્તાવો ન થાય તેની કાળજી રાખજો. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનતા જણાય. વર્તમાન નોકરીમાં પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતી વગેરે અંગેની સમસ્યાઓના ઉકેલ માટે માર્ગ મેળવશો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં આશાસ્પદ સંજોગો પેદા થતાં ઉત્સાહ અને માનસિક શાંતિ અનુભવશો. તમારી રચનાત્મક પ્રવૃતિઓને વેગ મળશે. ઉઘરાણીઓના કામકાજ પાર પડશે. તમારા નોકરી સંબંધિત પ્રશ્નો હલ થશે. પ્રગતિનો માર્ગ ખૂલ્લો થાય. ખટપટો કરનારા ફાવશે નહિ. ગૂંચવાડામાંથી બહાર નીકળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ ભાવિની તકો મળશે. જમીન-મકાનના મુદ્દે કોઈ અણધારી ચિંતા ઊભી થાય. કૌટુંબિક મિલકત અંગે ઘર્ષણ થઇ શકે છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાઓથી વ્યથા જન્મશે. આ સમયગાળામાં આર્થિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જરૂરી છે. યોજનાલક્ષી કામગીરીમાં સફળતા મળશે. જોકે વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે.