તા. ૧૩ ઓક્ટોબર થી ૧૯ ઓક્ટોબર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 19th October 2018 08:48 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક રાહત અને નવસર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. આ સમય દરમિયાન મહત્ત્વના કામકાજો દ્વારા વધુ સારી તક અને સફળતા હાંસલ કરશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં નાાણાંભીડ અને ચિંતાનો અનુભવ કરવો પડશે. ધાર્યું ફળ મળે નહીં. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈ કરવાના કામો પાર પડશે. તમારી જરૂરિયાતો પૂરતાં નાણાંની આવક ઊભી થાય. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રૂંધાશે. વાદ-વિવાદ સર્જાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને કુનેહપૂર્વક પાર કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફ જણાય છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચા માટે જરૂરી નાણાંકીય વ્યવસ્થાઓ કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળશે. નોકરિયાતને કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. માનસિક સ્વસ્થતા જળવાશે. શુભ કાર્ય પાર પડતાં આનંદ મળે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા સાંપડે. નોકરિયાતોને સમસ્યાઓનો ઉકેલ મળે. સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ - હિતશત્રુઓ ફાવશે નહિ. સમસ્યાનો ઉકેલ મળે. મકાન-મિલકત, જમીન-ખેતીના કામકાજો કરવા માટે જરૂરી તકો અને સાનુકૂળતા મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ ગ્રહોની ચાલ જોતાં પ્રવૃત્તિઓમાં વેગ આવે. નવરચના સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્પાત ઘટશે. કાલ્પનિક ચિંતાઓ છોડશો તો સમય વધુ આનંદમય રીતે સમય પસાર થશે. અવરોધ કે મુશ્કેલી હશે તો પાર કરી કરશો. આર્થિક મૂંઝવણોનો ઉકેલ મળે. જરૂરી નાણાંની વ્યવસ્થા થઈ શકશે. શેર-સટ્ટા દ્વારા લાભ મળે નહિ. નોકરિયાતોને અંગત સમસ્યાના ઉકેલનો માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠાં પડે. વેપાર-ધંધાની કાર્યવાહીમાં વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવી શકશો. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ મળે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે ધાર્યું આયોજન પાર પડશે નહીં તેમ લાગે છે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથેના સંબંધો સારા રહે. સહકર્મચારીઓ સાથે વિવાદ ન થાય તે જોવું રહ્યું. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો પૂર્ણ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય સાનુકુળ અને સફળ નીવડતાં મનોસ્થિતિ હળવી બનશે. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધે. ખર્ચાની જોગવાઈ કરી શકાશે. જવાબદારીઓ પાર પડે. શેરસટ્ટાથી લાભ નથી. અન્યના વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મુશ્કેલીના સમયે મિત્રોની મદદ મળી રહેશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત કરશો તો સારા લાભ પ્રાપ્ત કરી શકશો.

તુલા (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ સાનુકૂળ રીતે ઉકેલાશે. વિચારો કે કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહિ. માનસિક સ્વસ્થતા જાળવી લેશો તો કશું જ સંકટ ભોગવવું પડશે નહીં. તમારા અટવાયેલા લાભ મેળવવાના પ્રયાસો સફળ થશે. જૂનું લેણું મળે. હવે તમારે આર્થિક બાબતો વધુ વ્યવસ્થિત રાખવાની જરૂર થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે જરૂર આગળ વધી શકશો. માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતને બદલી કે પરિવર્તનના યોગ છે. વિઘ્નોને પાર કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ખાસ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ-બે મોટા ખર્ચના પ્રસંગો આવશે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકંદરે ઠીક ઠીક સારું ફળ મળે. નોકરી ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રૂંધાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધા ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. જમીન-મકાનના કામકાજો પાર પડે. સારી તક મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં મનોબળ દૃઢ બનાવશો અને આયોજન પ્રમાણે આગળ ચાલશો તો ચોક્કસ સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો. રાહત-નિરાંત વર્તાશે. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિઓમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હેરાનગતિ થશે કે અવરોધો નડશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જવું રહ્યું. ઉગ્રતાને સંયમમાં રાખજો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભના દ્વાર ખૂલશે. જમીન-મિલકતને લગતા કામકાજમાં પ્રગતિ થાય.

મકર (ખ,જ)ઃ આ સમય ઘણો ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ વિકાસની તકો અને કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવી શકશો. આર્થિક પરિસ્થિત વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં પણ તમે કોઈ ઉકેલ મેળવીને કામ સાધી શકશો. આયોજનને આંચ આવે નહિ. આવકવૃદ્ધિનો પણ માર્ગ મળે. ભાવિમાં લાભ માટે ઉન્નતિની તક મળે. જરૂરી સહાય - મદદ થાય. મકાન-જમીનના પ્રશ્નોમાં ચિંતા ઉપજાવે. ખોટા ખર્ચ અવરોધ વધારશે. જીવનસાથીની તબિયત નરમ બનતા જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તકો આ સમયમાં મેળવી શકશો. સફળતાના કારણે માનસિક ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. તમે દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો પાર પડશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્ય સફળતા હાંસલ થાય. નોકરી અને ધંધાના ક્ષેત્રે થોડાક અવરોધો હશે તો તેને પાર કરી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણને વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો. આર્થિક આયોજન સાકાર કરવા માટે જોઈતા નાણાં મળશે. નાણાંકીય આવક કરતાં ખર્ચ અને ચૂકવણીનો બોજ વધુ રહેશે. આ સમય ચિંતામાં પસાર થયા. નોકરિયાતોને ઇચ્છિત સફળતા મળે નહીં. ઘર્ષણ વિવાદના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter