તા. ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ થી ૧૯ ઓગસ્ટ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 10th August 2016 02:33 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયગાળામાં એક પ્રકારની ઉદાસીનતા કે વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય જણાતા તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. નાણાકીય ખર્ચ વધતો જણાશે. સપ્તાહમાં નોકરી-ધંધાના ક્ષેત્રે પરિવર્તન જોવા મળશે. જોકે વિરોધીના કારણે થોડીઘણી પ્રતિકૂળતા જોવા મળે. મકાન-જમીનની બાબતોમાં સમયનો સાથ મળતો જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. માનસિક સ્વસ્થતા કેળવવા પર વધુ લક્ષ આપવું જરૂરી છે. નાણાકીય દૃષ્ટિએ હવે થોડી વિકટ પરિસ્થિતમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચનો યોગ બળવાન છે. નાણાકીય તંગીનો અનુભવ થાય. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખૂલશે. પ્રમોશનની તકો જણાય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયગાળામાં તમારા મહત્ત્વના કામ સફળ થતા જણાશે. તમારો પુરુષાર્થ ફળતા સુખની લાગણી અનુભવી શકશો. ધારેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો આવશે અને આવક ખાસ વધશે નહિ તેથી થોડીક નાણાભીડ જણાય. નોકરી-ધંધા સંબંધિત કામગીરીમાં પ્રગતિ કે કાર્યસફળતા અને યશ-માન મળવાની આશા જણાય છે. જમીન-મકાન અને વાહન સંબંધિત કોઈ પ્રશ્નો હશે તો તેના સંતોષજનક ઉકેલ મળશે.

કર્ક (ડ,હ)ઃ સફળતા અને સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહમાં વધારો થશે. આર્થિક ચિંતાનો બોજો હળવો થાય. ઉઘરાણી યા લેણી રકમો પ્રાપ્ત થાય. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. આ સમય જીવનસાથીની તબિયત કાળજી માંગી લેશે. દામ્પત્યજીવનમાં નાની-નાની ચડભડ ન વધે તે જોવું રહ્યું. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન જણાય. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ જણાય, પણ કાર્યસફળતાના યોગ છે.

સિંહ (મ,ટ)ઃ તમારી મનની અપેક્ષાઓ મનમાં જ રહેતી લાગે. અશાંતિ અને ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થશે. આ સમયગાળામાં માનસિક સ્વસ્થતા જાળવવી મુશ્કેલ જણાય. આર્થિક પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બનશે. આવક ઘટે અને ખર્ચ વધે. કરજનો ભાર હળવો કરવામાં હજી સમય લાગે. ઉઘરાણીના કાર્યો પણ વિલંબમાં પડે. નોકરીના ક્ષેત્રે કેટલીક સાનુકૂળ તક મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના આયોજનમાં આળ વધી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ નિરર્થક મુદ્દે ચિંતા રહેશે. શારીરિક સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ મળશે. નાણાકીય પ્રતિકૂળતા હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. શુભ કાર્યો માટે ખર્ચ વધશે. લાંબા સમયથી ફસાયેલી ઉઘરાણીના નાણાં પરત મેળવી શકશો. કાર્યસફળતા મળે. નોકરિયાત વર્ગને નાહકની પરેશાની જણાય. સહયોગીઓ સાથે મતભેદો વધશે. વેપાર-ધંધાના પ્રશ્નો ઉકેલાય. નવીન તકો ઝડપી લેશો તો લાભમાં રહેશો.

તુલા (ર,ત)ઃ આ સમયમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી ચિંતા પણ જણાશે. મનની મુરાદ મનમાં જ રહેતી લાગે. વધુ મહેનત છતાં અલ્પ ફળ મળે. મન પર ભાર વધતો જણાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય કટોકટીભર્યો જોવા મળશે. તમારા આર્થિક કાર્યોમાં અંતરાયો જોવા મળે. અટવાયેલા લાભ કે લેણા મળવામાં હજી સમય લાગી શકે છે. નાણાકીય સમસ્યાઓ વધુ ગૂંચવાય નહિ તે જોવું રહ્યું.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયક પુરવાર થશે. જૂની મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થતાં આનંદ-ઉલ્લાસ અનુભવશો. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કામકાજો પાર પડશે. ખર્ચાની સગવડ થઈ શકશે. કોઇ મુદ્દે ચિંતા હશે તો તેનો માર્ગ મળે. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો અવરોધ દૂર થશે. વેપાર-ધંધામાં અડચણ દૂર થતાં પ્રગતિના પંથે પ્રયાણ થાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ અંગત મૂંઝવણ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. તમારી અગાઉની કામગીરીઓના કારણે ખર્ચ - વ્યય વધશે. નાણાકીય દૃષ્ટિએ મૂંઝવણો રહેશે. કોઈ નવા ખર્ચ વધવા નહીં દો તો રાહત અનુભવશો. નોકરીના ક્ષેત્રે પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થયું હશે તો તેમાંથી બહાર નીકળશો. યશ-માન મળે. વેપાર-ધંધામાં અનુકૂળ માહોલ રહેશે. પ્રશ્નો હશે તો ઉકેલાશે. હિતશત્રુઓની કારી ફાવશે નહીં.

મકર (ખ,જ)ઃ દ્વિધાઓ અને પરેશાનીઓનો અંત આવતા સાનુકૂળ માહોલ સર્જાશે. મહત્ત્વની તકો મળતા વિકાસના પંથે પ્રયાણ થશે. આનંદ-ઉલ્લાસ અનુભવશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બને. આ સમયમાં નાણાકીય મૂંઝવણોનો ઉપાય મળશે. મિત્રોની મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયાસ સફળ થશે. અવરોધોને પાર કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિના પંથે પ્રયાણ કરશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયક પુરવાર થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીજનોથી સહકાર અને મદદ મળશે. ઉઘરાણીના નાણા મળતાં આવક વધશે. તમારા આવનારા ખર્ચાઓની સગવડ ઊભી થઈ શકશે. ચિંતાનો માર્ગ મળશે. નોકરિયાતોના બદલી-બઢતીના અટવાયેલા કાર્યો આગળ વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક તંગદિલી કે અકળામણમાં વધારો થશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતા ખર્ચના પ્રસંગોમાં વધારો થાય. લાભ મળવામાં હજી અંતરાય જણાય. કોઇને ધીરધાર કરશો નહી. મોટા આર્થિક સાહસ કરતાં પહેલાં વિચારજો. નોકરિયાત વર્ગને ઉત્સાહવર્ધક તક મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીની કારી ફાવે નહીં. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter