તા. ૧૪ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 11th January 2017 09:31 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ બૌદ્ધિક કામગીરીમાં સફળતા મળે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો હવે લાંબા ગાળે ફળ આપશે. ધાર્યા માર્ગે ધારી આવક ન થવાથી મુશ્કેલી પેદા થશે તો તેનો ઉકેલ પણ મળે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ છે. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજોનો હલ મેળવી શકશો. કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાશે. દામ્પત્યજીવનમાં ખાસ કોઈ ગંભીર ચિંતા રહે નહિ. પ્રવાસ-પર્યટન સફળ થાય. મિત્રો કે ભાતૃવર્ગ-પ્રિયજનથી વિયોગ-વિખવાદ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ કેટલાક જોડે માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. આ સમયમાં નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચા વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચ વધતા નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. વિરોધીથી સાવધ રહેવું. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો વિલંબથી કાર્ય થવાના યોગ છે. ઘર્ષણ કે વિવાદના પ્રસંગ ટાળજો. દામ્પત્યજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. સારા સમાચાર મળે. સંતાનો અંગે માનસિક તાણ રહેતી જણાશે. પ્રવાસ પર્યટન સફળ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ન કહેવાય અને ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતાં અજંપો અનુભવાશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં કોઈ અણધારી રીતે લાભ કમાઈ લેવાની લાલચમાં ન પડશો. આવક કરતા ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ છે. નોકરિયાતોને પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધોમાંથી બહાર નીકળાશે. વેપાર-ધંધાની વૃદ્ધિ-વિકાસના પગલાં, આયોજનો માટે આ સમય વિકાસકારક છે. તમારી સંપત્તિની લે-વેચના કાર્યોમાં સફળતા મળે. ગૃહજીવનનું વાતાવરણ મતભેદોને બાદ કરતાં સારું રહે. જીવનસાથીનો સાથ-સહકાર વધે. મહત્ત્વના કામ વિલંબમાં પડતાં જણાય.

કર્ક (ડ,હ)ઃ આવકના નવા સ્ત્રોત વધારવાનું કાર્ય સફળ થશે. અલબત્ત, તમારી આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગો હોવાથી ઠેરના ઠેર હોય તેવી સ્થિતિ લાગે. જરૂરિયાતો માટે જોગવાઈ થઈ પડશે તેમ લાગે છે. નોકરિયાતોને હવે કોઈ નવીન સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખુલશે. ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજ માટે સાનુકૂળતા જણાશે. નવું મકાન શોધવાના પ્રયત્નો ફળતા જણાશે. કૌટુંબિક વાતાવરણ ખોટા વાદ-વિવાદના કારણે કલુષિત ન થાય તે જોજો. પ્રિયજન સાથે વિખવાદ અને અશાંતિ સર્જાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં અકારણ ઉદ્વેગ યા ઉત્પાતના પ્રસંગો માનસિક તંગદિલીનો અનુભવ કરાવે તેમ લાગે છે. કાર્યશક્તિનું ફળ ન મળતાં નિરાશા જન્મશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. ઉપરથી ઘર્ષણ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભ ગુમાવવા પડે યા નિરાશા સાંપડે. મકાનની ખરીદી-વેચાણ કે ભાડેના પ્રશ્નો હલ થાય. કૌટુંબિક સંપત્તિના મામલાની પતાવટ થઈ શકશે. ભાતૃવર્ગથી મતભેદ જાગશે. સ્વજનો ખાસ ઉપયોગી બનશે. લગ્ન-વિવાહની વાતચીતમાં અંતરાય આવે. વિરોધીઓથી ચેતતા રહેજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ધીરજ અને ડહાપણથી કામ લેજો. તમે જે નાણાકીય લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. નોકરીની પરિસ્થિતિ યા વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહિ. ધંધા-વેપારની સ્થિતિ મૂંઝવતી જણાશે. મકાન કે સંપત્તિ બાબત ખર્ચ કે વાદવિવાદ વધે. માનસિક બોજો રહે. ભાતૃવર્ગથી વિવાદ થાય. અંગત આરોગ્યની કાળજી લેવી. સંતાનના પ્રશ્નો ગૂંચવાય. સરકારી કામકાજોમાં વિઘ્નો જણાશે.

તુલા (ર,ત)ઃ નાણાકીય દૃષ્ટિએ આ સમયગાળો સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચાની માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતાં જણાય. નોકરી અંગેની સમસ્યાનો ઉકેલ આવશે. ઉપરી કે અન્ય મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે વિકાસવૃદ્ધિના યોગ છે. મકાનની ખરીદી-વેચાણની બાબતમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો તે પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. જીવનસાથીનો પ્રેમ-સહકાર મળે. ગેરસમજોનું વાતાવરણ દૂર થશે. સામાજિક, કૌટુંબિક કાર્ય પાર પડે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખજો તો તમે વધુ નિરાશાથી ઉગરી શકશો. તમારું આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાકીય મુશ્કેલી અનુભવશો નહિ. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન જાય તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. વિરોધીની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. કૌટુંબિક સમસ્યાઓ માનસિક ચિંતાનો બોજ રખાવે. સ્વજનોથી વિવાદ જન્મશે. સામાજિક કાર્યમાં વિકાસ થાય. દામ્પત્યજીવનમાં ચઢાવ ઉતાર આવે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. નાણાકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ થતો નથી. આથી ધારી આવક કે લાભ પૂરા મળે નહિ. વધારાના ખર્ચા ઉભા થશે, તેથી આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહિ. ઉપરીનો સહકાર મળશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઉભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીમાં અવરોધ જણાય. કાર્ય ઉકેલાશે નહિ. નવી લે-વેચમાં પડવું નહીં. કૌટુંબિક વિસંવાદિતા-વિખવાદનું વાતાવરણ હોય તો તે સુધરશે. સ્વજનોથી મિલન-મુલાકાત થાય. જીવનસાથી સાથે સંવાદિતા વધશે. વિરોધીના કારણે અટવાયેલા લાભ માટે વધુ પુરુષાર્થ કરવાથી તે લાભ મળશે. આરોગ્યની કાળજી લેવી પડશે. સરકારી પ્રશ્નનો હલ થશે.

મકર (ખ,જ)ઃ ધ્યેય સિદ્ધ કરવાની સાનુકુળતા વધશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો, હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો સમય છે. ધાર્યું ફળ મળે નહિ. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. મિલકતોની લે-વેચના કાર્યો માટે ફાયદાકારક સમય નથી. આ સમયમાં કૌટુંબિક કામકાજો થાય. મતભેદો અને સમસ્યાઓનો યોગ્ય ઉકેલ મળશે. પ્રિયજન સાથે વિયોગ હશે તો મિલન થશે. આ સમયમાં આરોગ્યની કાળજી લેવાની ખાસ જરૂર છે. સંતાનોને લગતી સમસ્યા ઉકેલી શકશો. મિત્રોથી મતભેદ જાગશે.

કુંભ (ડ,હ)ઃ પ્રતિકૂળતાથી ડગી જશો નહિ, બલકે તમારે પુરુષાર્થ જારી રાખજો. તમારી આવક અને ખર્ચની સ્થિતિને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. આર્થિક પરિસ્થિતિ મૂંઝવણ રખાવશે. નોકરિયાતને કામનો બોજ વધશે. વિરોધીઓથી સાવધ રહેજો. ધંધાને ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો બાદ કાર્ય ઉકેલાશે. મકાન-જમીન કે સંપત્તિના મામલામાં યા તેને લગતા કામકાજના ઉકેલ માટે ગ્રહયોગો મદદરૂપ બની રહેશે. દામ્પત્યજીવનની સમસ્યાઓને ઉકેલી શકશો. વિવાહની કોઈ સારી તક મેળવી શકશો. પ્રિયજન સાથે ચકમક ઝરવાના યા વિયોગના યોગ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય દૃષ્ટિએ તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુને વધુ સમસ્યા સૂચવે છે. દેણું યા કરજ ન વધારશો. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે અવરોધાતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો એવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. વિરોધીઓ અને તમારા સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. અકારણ વિવાદના પ્રસંગો સર્જાશે. કૌટુંબિક જીવનની સમસ્યા ગેરસમજ વધારશે. લાગણીઓના આવેગો પર અને ગુસ્સા પર સંયમ રાખશો તેવી સલાહ છે. વાત વધુ વણસી ન જાય તે જોજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter