તા. ૧૪ જુલાઇ થી ૨૦ જુલાઇ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 13th July 2018 08:08 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. કોઇ મુદ્દાને સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી સ્થિતિ તંગ જ બનશે. તમારી યોજના મુજબ લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ યા ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમય કાર્યભાર અને નવીન જવાબદારીઓ વધારનાર છે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. અલબત્ત, પરિસ્થિતિ સુધરતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યના અને મૂંઝવણના પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો ચલાવવા માટે પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. નોકરિયાતોને સાનુકૂળતા જણાશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સહકાર મળશે. વધુ સારી નોકરીની સારી તક મળે. ધંધાર્થીઓ માટે પણ સફળતા અને વિકાસનો સમય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે. આગળ વધો અને ફતેહ મેળવો - આ સૂત્રને ધ્યાનમાં રાખીને ચાલશો તો જ ફતેહ તમારા કદમ ચૂમશે. જરૂરિયાતના પ્રમાણમાં નાણાં મળી રહે. નોકરિયાતને સંજોગો પલટાતા જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો અંગે હજુ સમય અનુકૂળ જણાતો નથી. ભાગીદાર સાથે ગેરસમજ વધતી લાગે. આ સમયગાળામાં મકાન-મિલકતના કામકાજો પાર પાડી શકશો.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં એક પ્રકારની ઉદાસીનતા અને વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય જણાતા માનસિક તણાવ વધશે. આપના સંજોગો સુધારવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થાય તે જોવું રહ્યું. ધંધાકીય ક્ષેત્રે વિકાસ ધીમો પડતો જણાશે. કાર્યબોજના કારણે ઝડપી પ્રગતિ ન થાય. બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવીન સ્થાન મળે નહીં. તમારી સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. કોઈને કોઈ મુશ્કેલી પેદા થાય. સંયુક્ત મિલકતો અંગે ઘર્ષણો પેદા થવા સંભવ છે.

સિંહ (મ,ટ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આ સમય આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવી છે. આથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા જોઈએ, નહિતર નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મેળવી શકશો. વર્તમાન જોબમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને આગેકૂચ ધીમી પડતી જણાશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાય નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ મળશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. કેટલીક સાનુકૂળતા છે. જોકે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાંકીય પરિસ્થતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. પૈતૃક સંપત્તિ મેળવી શકાશે. નોકરિયાતને સમસ્યા હશે તો હલ થશે. બઢતીથી તકો વધશે. વેપાર-ધંધાના વિકાસ માટેના પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ અહીં ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો આવવા છતાંય તમે મનોબળ ટકાવી શકશો. ધૈર્યપૂર્ણ અભિગમ તમને ઉપયોગી બનશે. મનની લાગણી દુભાવાના પ્રસંગે પણ સંયમ જાળવશો. ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. લોન-કરજ વધશે. ચોખ્ખી આવક થતી જણાશે નહીં. લાંબા સમયથી ધીરેલાં નાણાં પરત મળવામાં વિલંબ થાય. સંપત્તિની સમસ્યાઓના ઉકેલમાં વિલંબ થશે. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે. અકસ્માતથી સાવધ રહેવું જરૂરી છે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતાં આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ તમે મેળવી શકશો. નાણાંકીય સ્થિતિ સાનુકૂળ બનશે. કેટલાક અટવાયેલા લાભ મળવાથી તેમજ ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે આર્થિક વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી જણાતાં હશે તો પણ તમારા સ્થાનને આંચ નહીં આવે. બદલી - સ્થળાંતરના યોગ છે. નવા પ્રશ્નો ઉભા થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળામાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક આનંદ કે શાંતિ અનુભવી શકશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં લાવવા ન દેશો. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમે તેટલી વધે તો પણ નાણાંભીડ જણાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરિફોના પ્રશ્ને કે મકાનના પ્રશ્ન માટે હજુ સમય સાથ આપતો જણાશે નહીં. પરિવારમાં માંગલિક પ્રસંગો પાર પડતા જણાય. સંતાનો અંગે હજી ચિંતા જણાશે. યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડે.

મકર (ખ,જ)ઃ માનસિક રાહત અને નવસર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. આ સમયમાં તમારા મહત્ત્વના કામકાજો દ્વારા તમે વધુ સારી તક કે સફળતા મેળવી શકશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં તમને નાણાંભીડ તથા ચિંતાનો અનુભવ કરવો પડશે. ધાર્યું ફળ મળે નહીં. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈ થતાં કામ પાર પડશે. તમારી જરૂરિયાતો પૂરતાં નાણાંની આવક ઊભી થાય. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહેશે. ગૃહજીવનમાં આનંદ અને સહકારના કારણે સંવાદિતા સર્જાશે. જીવનસાથી સાથેના સાથેના મતભેદો ઉકેલાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમય માનસિક રીતે એકંદરે સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાના કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી છે. ઝડપી આવકની આશા રાખતા નહિ. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાશે. અટવાયેલા લાભ મળે. કામકાજ પર પડે. સારી તકો મળશે. વેપારમાં ઉન્નતિ જણાય અને હરીફો પર વિજય મળે. સંપત્તિના પ્રશ્નોથી માનસિક ચિંતા રહેશે. જમીન-મકાનના કામકાજોમાં અણઉકેલ્યા રહે. આપના કૌટુંબિક જીવનમાં આનંદ માણી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. હવે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન આપની નાણાંની પરિસ્થિતિ સારી આવકના આધારે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જોકે તમારી આર્થિક જવાબદારી હળવી થશે. મૂંઝવણ જરૂર દૂર થશે. નોકરિયાતો માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter