તા. ૧૬ એપ્રિલ ૨૦૧૬ થી ૨૨ એપ્રિલ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 13th April 2016 08:22 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ કેટલાક કારણોસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અશાંતિ અને અજંપામાંથી છૂટવા કાર્યરત રહો એ જ ઉપાય છે. આ સમયમાં આવક વધવાના યોગો છે. નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. આથી ખોટા ખર્ચને મોકૂફ રાખજો, નહીંતર આર્થિક બોજો વધી જશે. જો તમે નોકરિયાત હો તો તમારા પુરુષાર્થ ફળતો જોઈ શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. યોજનાના સાનુકૂળ પ્રત્યાઘાત જોવા મળશે. કૌટુંબિક સંપત્તિની લે-વેચના કામકાજ હાલમાં કરવા નહિ. બીમારીથી સાવધ રહેવા સૂચન છે. નવીન કામગીરીઓ સફળ થાય. પ્રવાસમાં મુશ્કેલીઓ યા અંતરાય આવે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો બનશે. પ્રતિકૂળતાથી ડગશો નહિ. બલ્કે તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત ચાલશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. નાણાકીય દૃષ્ટિએ જણાતી તકલીફોમાં બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચ માટેની જરૂરી આર્થિક વ્યવસ્થા કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બનશે. આ સમયમાં નોકરિયાતોને કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી અને બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહેનતના પ્રમાણમાં ફળ ન મળે.

મિથુન (ક,છ,ઘ)ઃ કારણ વિનાની ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ અને બેચેની વધતાં જણાશે. માનસિક તાણના ભોગ બનવું પડે. આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતાં નાણાકીય સંજોગો વધુ મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. ઉપરીથી ઘર્ષણ વિવાદ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભો ગુમાવવા પડે. નિરાશા સાંપડશે. સંપત્તિ-મકાન-જમીન વગેરે બાબતો અંગે ચિંતા વધશે. ધાર્યા અનુસાર કામ થાય નહિ. અવરોધો જણાશે. વાદ-વિવાદ ગૂંચવાડા વધશે. ગૃહજીવનમાં કારણ વિનાના પ્રશ્નોથી અશાંતિના વાદળો જણાશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા ટકી રહેશે. જોકે કાલ્પનિક ચિંતાઓને ત્યજવી પડશે. નાણાંકીય દૃષ્ટિએ સમય ખર્ચાળ જણાય છે. કોઈના કોઈ સ્વરૂપે મોટા ખર્ચ થાય. અહીં અજાણ્યાને ધીરધાર કરવાનું ટાળજો. નોકરિયાતોને ગ્રહો સાથ આપશે. જોઈતી તકો મળતી જણાશે. બઢતી-બદલીના પ્રશ્નો પણ ઉકેલાતા જણાય. ધંધાકીય ક્ષેત્રે તમે વિકાસવૃદ્ધિ જોઈ શકશો. નવા સંબંધો ઉપયોગી બનતા જણાય. મિલકત સંબંધી કામકાજો પાર પડશે. કૌટુંબિક સંપત્તિના લે-વેચના કાર્યો પાર પાડી શકશો. જીવનસાથીનો સાથસહકાર મળી રહેશે. ગૃહજીવનના વિવાદો ઉકેલી શકો.

સિંહ (મ,ટ)ઃ માનસિક મૂંઝવણો કે ચિંતાનો ઉકેલ મળતાં રાહત જણાશે. ગમેતેવા પ્રતિકૂળ સંજોગોમાંથી પણ માર્ગ મળશે. તમારા મહત્ત્વનાં કામકાજોમાં થતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. આવક વધશે, પણ ખર્ચા તેમજ ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધે. અસંતોષ વર્તાય. ઉતાવળે નાણાં રોકવાની લાલચ ટાળજો. નોકરિયાતની મહત્ત્વની કામગીરીઓ માટે સંજોગો અનુકૂળ થતાં લાગે. વિરોધીઓની કારી ફાવે નહિ. ઉપરીથી વિવાદ ટાળજો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મોટું સાહસ કે જોખમ ઉઠાવવું નહીં.

કન્યા (પ,ઠ,ણ)ઃ ધાર્યા આયોજન પ્રમાણે આગેકૂચ કરી શકશો. ચૈત્રી નવરાત્રિ શરૂ થતાં તમારી કાર્યસફળતાને વેગ મળે. છેલ્લા બે-ત્રણ મહિનાથી તમે ચિંતા બંધન-મુશ્કેલી અનુભવતા હોવ તો તેમાં ઘટાડો થતો જણાય. અન્યના સહકારથી, મદદથી તમારું કામ સરળતાવાળું બને. શારીરિક-માનસિક સ્વસ્થતામાં સુધારો થશે. નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેશો. રાજકીય, સરકારી ક્ષેત્રે નવી ઓળખાણ થતાં આનંદ અનુભવશો. ધર્મકાર્ય, શુભ કાર્યથી હૃદય-મન પ્રફુલ્લિત રહે. જેમનું જન્મવર્ષ ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે બદલાયું હશે તેઓ આકસ્મિક કાર્યસફળતાનો આનંદ માણશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહના ગ્રહયોગ અગમ્ય કારણોસર બેચેનીનો અનુભવ કરાવશે. કંઇ અશુભ કે અનિષ્ટ બનવાની આશંકા છોડી દેશો તો જ રાહત મળશે. તમારા અંગત પ્રશ્નો યથાવત્ રહેશે. ખોટી ચિંતાઓ છોડવાની સલાહ છે. નાણાકીય પ્રતિકૂળતા કે કટોકટીનો ઉકેલ મળશે. ધીરેલા નાણાં પરત મેળવશો. આવકવૃદ્ધિની તકો મળશે. આ સમયના ગ્રહયોગ રાહત આપનારા જણાય છે. અટકેલા લાભો મળવાના સંકેત છે. જૂના મૂડીરોકાણ, સંપત્તિ દ્વારા લાભ મળશે. આ સમય નવી જવાબદારીનો બોજો સૂચવે છે. માનસિક વ્યથા કે વિવાદ વધશે. પ્રતિકૂળ સંજોગો જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય પ્રગતિકારક તકોનું સર્જન કરી આપશે. તમારી યોજનાઓને આગળ વધતી જોઈને આનંદ અનુભવી શકશો. નાણાકીય પ્રતિકૂળતામાંથી માર્ગ મળી આવતા અટવાયેલા કામો પાર પડશે. મિત્રો, સ્નેહીજનો કે સ્વજનની મદદ મળતી જણાય. નોકરી-ધંધા ક્ષેત્રે આ સમયમાં મહત્ત્વની તક પ્રાપ્ત થાય, જેનો લાભ ભવિષ્યમાં મળશે. બદલીની શક્યતાઓ જણાય. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. મકાન-મિલકતના અટવાયેલા પ્રશ્નો હજુ પણ યથાવત્ રહે અને અવરોધો વધતા જણાશે. ગૃહજીવનમાં સામાન્ય અશાંતિ રહે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે, પણ ધીરજ ન ગુમાવવાની સલાહ છે. અશાંતિ પણ અનુભવશો. નાણાકીય દૃષ્ટિએ જોતાં આ સમયગાળામાં આવકના પ્રમાણમાં જાવક વધુ રહે તેમ હોવાથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ કરવાના ટાળજો, નહીંતર નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરિયાતને માર્ગ આડેના અવરોધ ધીમે ધીમે દૂર થતા જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મળતી જણાશે. મહત્ત્વના કામકાજો, કોલ-કરારોથી લાભ થાય. સંપત્તિ અને મકાન-જમીનને લગતી કાર્યવાહીઓ હજુ ગૂંચવાયેલી રહે. વધુ પુરુષાર્થે સફળતા મળે. મકાનની ફેરબદલીનો યોગ છે.

મકર (ખ,જ)ઃ કોઈને કોઈ પ્રકારની નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ કે ઉદ્વેગના પ્રસંગો સર્જાતા જણાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહિ. આવક કરતા જાવક વધતા મૂંઝવણો જણાશે, જેનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યાં કામકાજ થતા લાભ વધશે. જમીન-મકાનના કામકાજો અંગે સમય સામાન્ય જણાય છે. ધારો છો તેટલો ઝડપી ઉકેલ આવે નહિ. સંપત્તિના વિવાદો તમારી તરફેણમાં આવતા જણાય. લગ્નવિવાહની ગૂંચવણોનો ઉકેલ મળશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં સાનુકૂળતા વધશે. દૃઢતા અને મક્કમતા કેળવજો. સંજોગો કરતાં જે લક્ષણો છે તેનો વિચાર કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ બનતી અનુભવી શકશો. તમારી નાણાકીય મૂંઝવણો કોઈને કોઈ પ્રકાર મનને સતાવ્યા કરશે. એક સાંધતા તેર તૂટતા હોય તેવું જણાશે. એક બાજુથી નાણા આવે તો બીજી બાજુથી ચૂકવણીઓમાં વપરાશે. તમે જેટલા જાગૃત રહેશો તેટલી રાહત અનુભવી શકશો. નવા કામકાજોમાં જોઈતી સાનુકૂળતા મળશે. વિકાસનો નવો તબક્કો શરૂ થશે. નોકરિયાતને અટવાયેલા લાભ મળે. ઉન્નતિનો માર્ગ ખૂલે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ યોજનાઓ અંગે જોઈતી અનુકૂળતા સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તક મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થતાભરી રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકાશે. નાણાકીય કામગીરીઓ પાર પડશે. ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કોઈની સહાય કે મદદથી તમારા ખર્ચાને તમે પહોંચી શકશો. આર્થિક જવાબદારીઓ માટેની જોગવાઈ થાય. આ સમયમાં નોકરિયાતોને બઢતીનો લાભ મળશે. કેટલીક વ્યક્તિઓને સારી નોકરી મળે. બદલીનો પ્રસંગ પણ ઊભો થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પુરુષાર્થનો લાભ મળશે. સમય સુધરતો જણાશે. સંપત્તિની વૃદ્ધિ થાય. ભાગ્ય વિકાસકારક સમય સૂચવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter