તા. ૧૬ નવેમ્બર થી ૨૨ નવેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 15th November 2019 05:35 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આપની સક્રિયતા વધશે. સર્જનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળશે. મહત્ત્વના સંબંધો દ્વારા કોઈ અનુકૂળ તક મળે. પરિણામે માનસિક આનંદ અનુભવી શકશો. ખોટી ચિંતાઓ નિરર્થક લાગશે. લાગણીઓ કરતાં તમારા ધ્યેયને મહત્ત્વ આપજો. આર્થિક બાબતો માટે ગ્રહયોગો અનુકૂળ છે તેથી નાણાકીય કામકાજો પાર પડશે. ઉઘરાણી અને નવા મૂડીરોકાણના કામકાજો થશે. કોઈ સારી તક દ્વારા આવકવૃદ્ધિનો ચાન્સ છે. નોકરીના ક્ષેત્રે જો કોઈ સંઘર્ષ કે વિરોધનું વાતાવરણ સર્જાયું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં અતિશય કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. આપના સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહિ. પ્રતિકૂળતાઓના કારણે કામ ધાર્યા સમયમાં થાય નહિ. આ સમયના યોગો દર્શાવે છે કે મકાન અંગેની સમસ્યાનો ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ વર્તાય. ભાડાના મકાન કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમયમાં નોકરિયાતો માટે કોઈ નવા ફેરફારો સર્જાશે. ઉપરી સાથેના સંબંધો સાચવજો. તરફેણની વ્યક્તિ બદલાશે. જીવનસાથીની તબિયત બગડી હોય તો સુધરે. સામાજિક કામમાં યશ-માન મળે. વિરોધીના કારણે તમારા માર્ગમાં વિઘ્નો જણાશે, જે દૂર કરી શકશો. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચના સાકાર થતી જણાશે. માનસિક ભારણ ઓછું થાય. સર્જનાત્મક કાર્યો થાય. નવી મુલાકાત સફળતા અપાવશે. નોકરીમાં રાહત રહે. વેપારમાં ક્રમશઃ પ્રગતિ થાય અને ઇચ્છાઓ સાકાર થાય. મકાન-જમીનના પ્રશ્નો ઉકેલાય. શુભ સમાચાર મળે. ધાર્મિક પ્રસંગો ગોઠવાય. પતિ-પત્ની વચ્ચે મતભેદ ઓછા થાય.

કર્ક (ડ,હ)ઃ ઉગ્રતા અને આવેશને કાબુમાં રાખજો. કોઈને કોઈ કારણસર મનનો બોજો અને તાણ વધશે. અન્ય સાથે ઘર્ષણ ન થાય તે જોવું રહ્યું. ઉતાવળા કોઈ પણ કામ હાથમાં લેશો તો પસ્તાવાનો વારો આવશે. નોકરિયાતો માટે કાર્યભાર વધશે. વેપારી વર્ગને પરિસ્થિતિ થોડીક સુધરતી જણાય. મહત્ત્વનાં નિર્ણયો લેવા માટે અને સ્થાવર મિલકતના પ્રશ્નો માટે આ સમય અનુકૂળ છે. જમીન તથા તેને લગતા લાભ મેળવવાના પ્રયત્નો સફળ થાય. સંતાનોના પ્રશ્નો ચિંતા રખાવશે.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવણનો ઉકેલ આ સપ્તાહમાં મળશે. તમારે વધુ પ્રવૃત્તિયમ બનીને પુરુષાર્થ કરવો પડશે. કૌટુંબિક જવાબદારીઓને લઈ માનસિક ચિંતા વધશે. નાણાકીય રીતે સંજોગો સુધરતા જણાય. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. સંપત્તિ બાબતે કદાચ મનમાં અવઢવ રહે. ભાગીદારીમાં અકારણ ચિંતા ઊભી થાય તો તેનાથી દૂર રહેવા સલાહ છે. સંતાન બાબતની ચિંતાઓમાં વધુ પડતા લાગણીવશ થઇને નિર્ણય ન લેશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નોનો પુરતો લાભ ન મળતાં ટેન્શન વધશે. વેપાર-ધંધામાં ઘરાકીથી અશાંતિ જણાય. નોકરીમાં યથાવત્ પરિસ્થિતિ રહેશે. દામ્પત્યજીવનમાં વિસંવાદિતા હશે તો દૂર થશે. સંતાનો અંગેની ચિંતા ઓછી થાય. ભાતૃવર્ગમાં વિખવાદ જણાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી જરૂરી.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો સર્જાતા વિકાસ થાય. અણધારી તકો મળશે. જે ભાવિ માટે લાભદાયક જણાય. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં તમારી આવક વધવાના કે નાણાંની જોગવાઈ કરવાના પ્રયત્નો સફળ થશે. આવક-જાવકના પાસાં સમતોલ કરવામાં સફળ રહેશો. ઉપરાંત લેણાં નાણાં પ્રાપ્ત થતાં આર્થિક આયોજન સરળ બનશે. ધંધા-વેપારમાં સર્જાયેલી સમસ્યાનો ઉકેલ મળે. અકારણ વિવાદનો પ્રસંગ ઉદભવે તો એવા સંજોગોમાં મૌન ધારણ કરવું હિતમાં છે. બીજાઓની કામગીરીમાં આ સપ્તાહે માથુ નહિ મારવા અમારી સલાહ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ નૂતન વર્ષની શુભકામનાઓ ફળે એ જ અભ્યર્થના. આ સપ્તાહ માનસિક બેચેનીમાં વધારો કરશે. તમારા અગત્યના કાર્યોમાં અવરોધો આવશે. નોકરીમાં મુશ્કેલી રહે. ધંધા-વેપારમાં કાળજી લેવી જરૂરી છે. પ્રીતિપાત્રો મુખ ફેરવશે. અણધારેલી મુશ્કેલીનો સામનો કરવો પડશે. નાણાકીય ભીડ રહે. અંગત પ્રશ્નો ગૂંચવાય. પ્રવાસ-યાત્રા ટાળવા. તબિયતની કાળજી રાખવી જરૂરી છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણોના કારણે બેચેની - વિષાદ યા વ્યથાનો અનુભવ થાય. વળી ધાર્યું કામ મંદ ગતિએ કામ આગળ ધપતાં અજંપો વધશે. નિરાશ થયા વિના પ્રયત્નો જારી રાખવાથી જ શ્રેય પ્રાપ્ત થાય. આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક અને ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાભીડ રહે. આર્થિક મુદ્દે ટેન્શન વધશે. તમારે અથાગ પ્રયત્નો કરીને જાવકને ઓછી કરવી પડશે. મોટા કે અણધાર્યા લાભના યોગો જણાતા નથી. જમીન-મકાનની સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. આ અંગે કોઈની મદદ મળી જાય. વિવાદનું સમાધાન થઈ શકે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધતા જણાય. કૌટુંબિક પ્રશ્નો હલ થશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં સર્જનાત્મક કાર્યમાં વિકાસ થાય. પ્રવૃત્તિઓમાં વધારો થાય. નવી ભાગીદારી માટેની તકો ઉત્પન્ન થાય. જોકે ભાગીદારીમાં કાળજી રાખવી જરૂરી છે. આવકના પ્રમાણમાં ખર્ચ પણ વધતો જણાય, પરંતુ આપ કાળજી રાખશો તો લાભ થઈ શકશે. મિત્રો તથા સ્નેહીઓની હૂંફ મળે. આ સમયમાં મિલકત સંબંધિત કોઈ પણ જાતની ચર્ચામાં પડશો નહિ. તમને નુકસાન જવાની શક્યતા વધારે છે. પ્રવાસની ઇચ્છા થાય. જોકે તેમાં અવરોધ આવે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં એકંદરે આર્થિક સ્થિતિ તંગ જોવા મળશે. ઉઘરાણીઓ કે આવકો ન થતાં નિરાશા વધશે. સામે ખર્ચનો પ્રવાહ વધુ જણાશે. કૌટુંબિક બાબતો અંગેના ખર્ચ થાય. મિલકત સંબંધિત સમસ્યાઓ હશે તો તેનો ઉકેલનો માર્ગ મળે. મકાનની ફેરબદલી થઈ શકે. વાહન અંગે પણ તકલીફ જણાશે. નોકરિયાત વર્ગને ખાસ કોઈ મુશ્કેલી જણાતી નથી. તમારા પ્રયત્નોનું સાનુકૂળ ફળ આવે. ધંધા-વેપારમાં ધીમો, પણ સારો સુધારો થવાના સંજોગો છે. લગ્નજીવનમાં સામાન્ય મતભેદોને બાદ કરતાં એકંદરે સુખદ સમય બને.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં અંગત પ્રશ્નો કે મૂંઝવણોનો કોઈ ઉકેલ આવશે. સાથે સાથે કોઈ સર્જનાત્મક ધાર્મિક માંગલિક કે સામુહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવશે. જીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. પ્રવાસ-યાત્રા સફળ નીવડે. નોકરિયાતોને બદલીની શક્યતા છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે કેટલાક નવીન ગૂંચવાડા કે સમસ્યાઓ ઉદ્ભવતાં માનસિક અશાંતિ વધશે. અભ્યાસ-સંતાન વગેરે અંગે સાનુકૂળતા વધશે. નાણાંકીય બાબતો ગુંચવાતી જણાશે. અને ધાર્યા નાણાકીય કામકાજો થાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter