મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ઘણો પ્રવૃત્તિમય અને ઉદ્યમી રહેશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વધશે. વળી, યોગ્ય પ્રશંસા ન થતાં નિરાશા કે ઉદ્વેગ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મેળવી શકશો. આર્થિક વ્યવહારો સાચવવા પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરિયાતો માટે આ સમય એકંદરે પ્રગતિકારક જણાય છે. અટવાયેલા લાભ મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધ સર્જાતા લોકો ફાવશે નહીં. સામાજિક, રાજકીય ક્ષેત્રની કામગીરી માટે યશ-માન-કીર્તિ મેળવાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર ભારણ વધારવા ન દેશો. આમ થશે તો જ અજંપિત સ્થિતિમાંથી મુક્તિ મળશે. નાણાંકીય જવાબદારીમાં વધારો થતો જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશે નહિ. મોટા સાહસમાં પડશો નહિ. નુકસાન - હાનિના યોગ છે. નોકરિયાતોમાં ઉત્સાહ વધે તેવી તક આવે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ મનોસ્થિતિ માટે આ સમયના ગ્રહયોગો ઉદ્વેગ તથા ઉત્પાત સૂચવે છે. અંજપો વધશે. લાગણીના આવેશને કાબૂમાં રાખવા પડશે. અન્ય સ્નેહીજનોથી ઘર્ષણમાં ન ઉતરી પડાય તે જોજો. સ્વસ્થતા ધીરજ જાળવવી મુશ્કેલ લાગશે. આ સમય દરમિયાન નાણાકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. તમારા ખર્ચાને માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણીના કે લેણી રકમો નાણાં મળશે. અન્ય સાધનો દ્વારા આવકવૃદ્ધિ થાય.
કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ બને. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવી મળશે. તેનો ઉપયોગ કરી લેજો. મન પરનો બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નાણાકીય પરિસ્થિતિને તમે સમતોલ કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યાઓમાંથી પાર નીકળી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ, મૂંઝવણો, તેને લગતા ખર્ચ વધે. ધાર્યા અનુસાર કામ પાર પડે નહીં. ધાર્મિક સાહિત્યનું વાંચન શાંતિ અપાવશે. સંતાનના પ્રશ્નો અંગે ચિંતા ઓછી થશે.
સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ - બેચેની વધતાં જણાશે. માનસિક તાણના ભોગ બનશો. આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતા નાણાંકીય સંજોગો જરા મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. ઉચ્ચ અધિકારી સાથે ઘર્ષણ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભો ગુમાવવા પડશે. નિરાશા સાંપડશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભ ઊભો થાય. અહીં આવકના પ્રમાણ કરતાં ખર્ચ વિશેષ રહેશે. નોકરિયાતોને સામાન્ય પરિસ્થિતિ મનને અજંપિત કરે તેવી લાગશે.
તુલા (ર,ત)ઃ સફળતા-સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા યા બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી યા લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાવધ રહેવું. ધાર્યું કામ પાર પડે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ રહેશે. જોકે સપ્તાહના અંતે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. પરિશ્રમ વધુ માંગી લે તેવો સમય છે.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક ઉમંગ-ઉલ્લાસ જળવાશે. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. અહીં કેટલીક નવરચના માટે લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ઉઘરાણીઓના કામકાજ પતાવી શકશો. આવક-જાવક બંને રહેશે. લાભ સામે વ્યય પણ થશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનાર છે. હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો સમય છે. ધાર્યું ફળ મળે નહીં.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહની પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળિયા નિર્ણય લેતાં પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા કેળવજો. લાંબા સમયથી રોકાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્ય અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. સંતાન સંદર્ભે ચિંતા ઓછી થાય.
મકર (ખ,જ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે પ્રગતિમાં વેગ આવે. નવરચનાઓ સાકાર થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્પાત ઘટશે. અવરોધો યા મુશ્કેલી હશે તો તમે તેને પાર કરી શકશો. નાણાંકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટી ખર્ચાઓ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાભીડ વર્તાશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આંશિક કાર્યસફળતા અને સાનુકૂળતા વધતાં આ સપ્તાહમાં સુખ-શાંતિની લાગણી અનુભવશો. નિરાશા દુર થાય. તમારા ગૂંચવાયેલા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. ધીરજથી કામ લેશો તો સફળતા મળે. નાણાંકીય પ્રતિકૂળતા હશે તો હવે તેનો ઉકેલનો માર્ગ મેળવી શકશો. ખર્ચાઓ પૂરતા નાણાંની જોગવાઈ કરી શકાય. જોકે ઇચ્છિત લાભ કે આવક ન થતાં અસંતોષ અનુભવાય. દેવાની ચૂકવણી માટે હજુ સાનુકૂળતા જણાતી નથી. નાણાંભીડનો ઉકેલ મળે, પણ ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે. નાણાંકીય દૃષ્ટિએ મિશ્ર સમય જણાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારી મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. ધાર્મિક-સામાજિક કાર્યો માટે યાત્રા-પ્રવાસનું આયોજન થાય. સપ્તાહ આર્થિક રીતે મધ્યમ રહે તેથી વધારાની આવક ઊભી કરવા મહેનત કરવી પડે. નવા ખર્ચાનો બોજો વધશે, પણ તેને તમે પાર પાડી શકશો. નોકરિયાતોને કાર્યક્ષેત્રે હજુ કેટલાક વિઘ્નો જણાય તેથી રાહ જોવી પડે.