તા. ૧૮-૪-૧૫થી ૨૪-૪-૧૫ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 15th April 2015 07:40 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓનો બોજ વધે નહિ તેની કાળજી રાખજો. મનમાંથી ખોટા વહેમ અને ભય દૂર કરશો તો આનંદ માણી શકશો. તમારી યોજનાઓને યોગ્ય આકાર આપી શકશો. આર્થિક દૃષ્ટિએ આ સમય મિશ્ર પુરવાર થાય. એક તરફ વધુ પડતાં ખર્ચ રહેશે તો બીજી બાજુ આવકમાં નજીવો વધારો આર્થિક હાલત જૈસે થે રાખશે. નોકરિયાતોને ધાર્યું ફળ મળે નહિ. વેપાર-ધંધામાં આયોજન વિલંબમાં પડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરી-ધંધા અંગે કોઇ સમસ્યા હશે તો અવશ્ય કોઈ સારો ઉકેલ મળશે. ભાવિ લાભ માટે ઉન્નતિ-પ્રગતિની તક સાંપડશે. મકાન- જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવશે. ખોટા ખર્ચ આર્થિક આયોજનમાં અવરોધ ઉભા કરશે. જીવનસાથીની તબિયત નરમગરમ બનતી જણાય. કૌટુંબિક કારણસર મતભેદ જાગશે. શત્રુની કારી સફળ થાય નહિ.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવા માટે આ સપ્તાહના ગ્રહો મદદરૂપ થશે. અલબત્ત અન્ય વ્યક્તિઓ સાથે માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. જોકે ખર્ચા સામે આવકનું પ્રમાણ અલ્પ રહેતા પરિસ્થિત કપરી બનતી જણાશે. આવક વધારવાનો નવો માર્ગ શોધવો પડશે. આ દિશામાં તમારા પ્રયાસો સફળ થશે.

કર્ક (ડ,હ)ઃ તમારી આસપાસના સંજોગો ગમેતેટલા મુશ્કેલીભર્યા હશે તો પણ તમે કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવીને સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. નાણાકીય સ્થિતિ સંતોષકારક રહે તેવી શક્યતા નથી. જોકે તમારા આર્થિક વ્યવહારો નભી જશે. નોકરીના ક્ષેત્રે દેખાતા લાભો મૃગજળસમાન સાબિત થશે. બઢતી-બદલીની આશા ફળશે નહીં. વિરોધીઓના કારણે લાભ અટકશે. વેપાર-ધંધાના આયોજન પાર પાડવામાં સંઘર્ષનો સામનો કરવો પડશે. સંપત્તિ સંબંધિત બાબતોમાં પ્રતિકૂળતા જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સુખદ અને સાનુકૂળ બનાવી શકશો. ઉતાવળા બનશો નહિ. આર્થિક રીતે સમય મધ્યમ જણાય છે. વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડે. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો મળશે. સ્થળાંતરના યોગ છે. વિરોધીના હાથ હેઠા પડે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા સૂચવે છે. અગત્યના પ્રશ્નો હલ કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવામાં સપ્તાહના ગ્રહયોગો મદદરૂપ નીવડશે. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓને પ્રગતિના પંથે આગળ ધપાવવા માટે તકો પણ સાંપડશે. ખર્ચાઓ વધુ અને આવક અલ્પ રહેતા પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે. આ માટેના તમારા પ્રયત્નો સફળ પણ થશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન અધૂરા રહેલા કામકાજો પાર પાડી શકશો. અટવાયેલા લાભો પણ મેળવશો. અંગત સમસ્યાઓ ઉકેલાશે. વેપાર-ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો તેમાં સુધારો થશે. સમસ્યા ઉકેલવાનો માર્ગ મળે. અકારણ ખર્ચાઓને અંકુશમાં રાખજો. આર્થિક આયોજન જરૂરી. કૌટુંબિક અને ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સંવાદિતભરી રહેશે. અંગત પ્રશ્નોનું નિરાકરણ આવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયગાળામાં ચિંતા અને ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરીત લાગે તો પણ સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. આવકમાં વૃદ્ધિના યોગ છે. લાંબા સમયથી બાકી ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. નોકરિયાતોને એકંદરે કામનો બોજો વધશે. જવાબદારી વધે તેથી ભાર અનુભવશો. પ્રતિકૂળતા કે મુશ્કેલીના યોગ જણાતા નથી. કામગીરીઓ સફળ બને. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. ત્વરિત લાભની શક્યતા નથી.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં માનસિક સ્થિતિ સ્વસ્થ રહેશે. ટેન્શનમાંથી મુક્તિ મેળવતા રાહતનો અનુભવ થાય. નવી તકો આવે તે ઝડપી લેજો. યશ-સન્માન વધે. નાણાકીય સ્થિતિ થોડાઘણા અંશે ગૂંચવાયેલી જણાય. જવાબદારીઓમાં વધારો થતો જણાશે. ઉઘરાણી મેળવવા પ્રયત્નો વધારજો. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય પ્રગતિકારક જણાય છે. નોકરિયાત વર્ગને મુશ્કેલીના સંજોગોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં મન પર ભારણ વધતું જણાય. માનસિક તાણ વર્તાય. ખોટી ચિંતા અનુભવશો. શારીરિક સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ મળશે. નાણાકીય પ્રતિકૂળતા હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. શુભ કાર્યોનું આયોજન થશે. ઉઘરાણીના નાણા મેળવી શકશો. કાર્યસફળતાના યોગ છે. નોકરિયાત વર્ગને થોડીક પરેશાની જણાય. વેપાર-ધંધાના પ્રશ્નો ઉકેલાશે.

કુંભ (ગ,શ,ષ,સ)ઃ મહેનતનું ફળ મળવામાં વિલંબ થાય. વધુ મહેનતે અલ્પ ફળ આપનાર સમય. મન પરનો બોજો અકળામણ વધે. નાણાભીડના કારણે ધાર્યા કામ થાય નહીં. આયોજન મોકૂફ કે મુલતવી રાખવા પડે. ફસાયેલા નાણાં મળવા મુશ્કેલી જણાશે. નોકરી-ધંધાના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો. કોઈ અગત્યનું કામ પાર પડશે. મકાન-જમીનની લે-વેચના કામમાં કાળજી રાખવી જરૂરી.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં મન આશા અને નિરાશાઓ વચ્ચે ઝોલા ખાતું જણાશે. આર્થિક આયોજન સાકાર કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. સફળતા અને સાનુકૂળતાની તક ઊભી થાય. વિલંબથી પ્રશ્નો હલ થતાં જણાય. ઉઘરાણીની રકમ મેળવી શકશો. નોકરિયાતોને સફળતા મળશે. બદલી-બઢતી અંગેના પ્રયત્નો સફળ બનશે. શત્રુની કોઇ ચાલ ફાવશે નહિ. વેપાર-ધંધામાં પ્રગતિ થાય. પ્રગતિ માટે સાનુકૂળ તક પ્રાપ્ત થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter