મેષ (અ,લ,ઈ)ઃ તમારી માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મરતબો વધશે. તમારી યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે તમે પરિસ્થિતિ સાચવી શકશો ખરા. જરૂર વખતે પૈસા મળતા આનંદ થશે. તમારી આવકવૃદ્ધિ કરતાં ખર્ચને વધવા ન દેશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. લગ્ન-વિવાહ સંબંધી વાતોમાં વેગ આવશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં તમે તમારી માનસિક સ્વસ્થતાને ઉત્સાહમાં પલટાવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ અને અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા જણાશે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો. ધંધાકીય ક્ષેત્રે કોઈ મહત્ત્વની સફળતા મેળવી શકશો. વડીલોની સેવાઓનું ફળ આ સમયમાં મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં સફળતા મળતાં તમારામાં ઉત્સાહવૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થિત સુધરતા સાનુકૂળતા જણાશે. અગાઉ કરેલા કેટલાક કામકાજોમાંથી આર્થિક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરિયાત પૂરતી સગવડ પણ થઈ શકશે. શેર-સટ્ટાથી લાભ જણાય નહીં. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. સંતાનો તરફથી સારી મદદ મળે. સામાજિક-રાજકીય કાર્યોનું ફળ મળશે.
કર્ક (ડ,હ)ઃ તમારી મનોમૂંઝવણ કે આંતરિક વ્યથાની સ્થિત્માંથી ગ્રહયોગો છૂટકારો સૂચવે છે. આ સમયમાં હવે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવું. આવકના નવા સ્ત્રોતો વધારવાનું કાર્ય સફળ થશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. ખર્ચ પણ વિશેષ થવાના યોગો છે. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ વધ્યે જાવ. કાર્યસફળતાનો યોગ છે. બઢતી મળે. રચનાત્મક ફેરફારો થશે. સંતો-મહાપુરુષોનો સમાગમ ફળે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે સારી તક તથા લાભ મળવાના સંજોગો જોવા મળશે. પ્રગતિકારક સમય છે. વેપારી વર્ગને ધંધાકીય મુશ્કેલીઓ દૂર થશે. પ્રયત્નો ફળશે.
સિંહ (મ,ટ)ઃ કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓનાં કારણે અશાંતિ કે ઉદ્વેગના પ્રસંગો સર્જાતા જોવા મળશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહીં. આવક કરતાં જાવક વધતાં મૂંઝવણો જણાશે, જેનો ઉકેલ લાવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોમાં સફળતા મળશે. વિવાદો યા વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે. જમીન-મકાનના કામકાજો અંગે સમય સામાન્ય જણાય છે. લગ્નઇચ્છુકોને સારું પાત્ર મળવાના યોગો બળવાન બનશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ મનોબળ દૃઢ બનાવીને આયોજન પ્રમાણે આગળ આવશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવી શકશો તેથી રાહત - નિરાંત મળે. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. વિશેષ લાભના યોગો અલ્પ છે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે.
તુલા (ર,ત)ઃ માનસિક રાહત અને નવસર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. આ સમય દરમિયાન તમારા મહત્વના કામકાજો દ્વારા તમે વધુ સારી તક અને સફળતા મેળવી શકશો. માનસિક તાણ, અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમયમાં નાણાંભીડ તથા ચિંતાનો અનુભવ થશે. ધાર્યું ફળ મળે નહીં. ઘણા પુરુષાર્થ બાદ નાણાંની જોગવાઈ કરવાના કામો પતશે. તમારી જરૂરિયાતો પૂરતાં નાણાંની આવક ઊભી થાય. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ થશે. ધીરેલા કે ફસાયેલા નાણાં મળતા રાહત થાય. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા માર્ગ આડેના અવરોધોથી ચિંતા કરશો નહીં. આગળ વધ્યે જાવ કોઈ કશું છિનવી શકશે નહીં. સંતો-મહાપુરુષો તરફથી સ્નેહભાવ રહે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે મહત્ત્વના કામો થઈ શકે. આશા અને પ્રગતિનું વાતાવરણ સર્જાતું જણાશે. પુરુષાર્થ ફળદાયી બનતો જોવા મળશે. નાણાંકીય જવાબદારીઓ વધશે. આવક વધવાના યોગો અલ્પ છે. ખોટા નાણાંકીય રોકાણ ન થઈ જાય તે જોવું રહ્યું. નોકરિયાતો જે તકની આશા રાખે છે તે તક હજુ દૂર ઠેલાતી જણાશે. આપની સંપત્તિ વિષયક ચિંતા વિલંબથી ઉકેલાશે. દામ્પત્યજીવનનાં જીવનસાથીનો સહકાર મળે. કૌટુંબિક મતભેદોનો ઉકેલ લાવી શકશો. સામાજિક-માંગલિક કાર્યો થાય. ધાર્મિક લાભ મળે.
મકર (ખ,જ)ઃ અંગત બાબતોના કારણે અજંપો અને વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખજો. નાણાંકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. કેટલાક ખર્ચ વધવાનો યોગ જણાય છે. વ્યવસાયિક ક્ષેત્રે તમારો પ્રભાવ વધે. વધુ નવીન તકો મળે. વેપાર-ધંધામાં ઉન્નતિ અને વિકાસના દ્વારા ખુલતા લાગશે. લાંબા સમયના અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલી શકશો. માન-પ્રતિષ્ઠા વધશે. તમારા સંપત્તિને લગતા કામકાજોમાં અવરોધો કે મુશ્કેલી જણાશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી સ્થિતિ તંગ જ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહિ. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ યા ચૂકવણી અંગે સહાય મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમય કાર્યભાર અને નવીન જવાબદારીઓ વધારનાર છે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળામાં માનસિક તાણ રહેતી જણાશે. અન્ય સાથે ઘર્ષણમાં કે વાદવિવાદમાં ન ઉતરવાથી શાંતિ જાળવી શકાય. ઉત્પાત - અજંપોની લાગણી અનુભવાશે. ખર્ચા વધતાં આપની પરિસ્થિતિ બગડે. બોજો-કરજ વધવાનો યોગ છે. ધારેલા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાય છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખૂલશે. પ્રમોશનની તકો જણાય છે. તમારા પ્રયાસો સફળ નીવડશે. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે. મિલકત-મકાન અંગેની સમસ્યાઓ યથાવત્ રહેશે. સામાજિક-ધાર્મિક કાર્યોમાં ફળ મળે.