તા. ૨૦ જૂન થી ૨૬ જૂન ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 19th June 2020 11:00 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારી મનની અપેક્ષાઓ મનમાં જ રહેતી લાગે. અશાંતિ - ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થશે. આ સમયમાં માનસિક સ્વસ્થતા જાળવવી મુશ્કેલી જણાય. આર્થિક પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચ વધે. કરજનો ભાર હળવો કરવામાં હજી વાર લાગે. ઉઘરાણીના કાર્યોમાં પણ વિલંબ જણાય. નોકરીના ક્ષેત્રે કેટલીક સાનુકૂળ તક મળે. મહત્ત્વના કામમાં આગળ વધી શકશો. વિરોધીના હાથ હેઠા પડે. ધંધાકીય કામગીરીમાં હજી મંદી વર્તાય. અગત્યના કામકાજમાં હજી ઇચ્છીત ફળ પામી શકશો નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. બેચેની-વ્યથાઓમાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ પ્રાપ્ત થાય. નાણાકીય સ્થિતિ તંગ યા મૂંઝવણભરી રહેતી જણાશે. ધાર્યા લાભ અટકશે. આથી આપને વ્યવસ્થિત આયોજન કરવા અને સમજીવિચારીને ખર્ચ યા રોકાણ કરવા સલાહ છે. શેરસટ્ટાના માર્ગે લાભના યોગ નથી. નોકરિયાતો માટે ધીમે ધીમે મહત્ત્વની તકો ઊભી થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી, નવા ખર્ચાનો બોજો પણ વધશે. જેને તમે નિપટાવી શકશો. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. તેથી રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ માનસિક અશાંતિ યા તો તંગદિલીના પ્રસંગો ઓછા થશે. આનંદ અને ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનકૂળતાનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મનની મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં નાણાંકીય દૃષ્ટિએ રાહત અનુભવવા મળે. આરોગ્ય અને માનસિક શાંતિની દૃષ્ટિએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે. તેથી આ સમયમાં ચિંતા તાણ અને આવેશ વધે. સ્વસ્થતા ધારણ કરવી મુશ્કેલી બને. કૌટુંબિક અને ગૃહજીવનમાં વ્યર્થ વાદવિવાદના કારણે સંઘર્ષ જણાશે. નોકરિયાતો માટે કેટલાક સાનુકૂળ સંજોગો અને ધંધાકીય ક્ષેત્રે આપના પ્રયાસો આવક કે નાણાકીય દૃષ્ટિએ સફળ બને.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય હવે મહત્ત્વના પ્રસંગોની ઝલક દર્શાવશે. અવ્યવસ્થા કે અસ્થિરતાના વાતાવરણમાંથી મુક્ત બની શકશો અને પુરુષાર્થનું મીઠું ફળ મળતું લાગશે. અલબત્ત નોકરિયાતોને પરિસ્થિતિ માનસિક અશાંતિરૂપ જણાશે. પોતાના ઉપરી અમલદારો સાથે વૈચારિક મતભેદો સર્જાતા માનસિક તણાવ વધતો જણાશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન જણાશે. કેટલાક હિતશત્રુના કારણે આપને મૂંઝવણોનો અનુભવ કરવો પડશે. ખાસ કરીને નોકરીના ક્ષેત્રે ગુપ્ત શત્રુઓથી ચેતતા રહેજો.

તુલા (ર,ત)ઃ માનસિક ઉગ્રતા અને આવેશને કાબૂમાં રાખજો. કોઈને કોઈ કારણે મનનો બોજો તાણ વધશે. અન્ય સાથે ઘર્ષણો ન જાગે તે જોવું રહ્યું. ઉતાવળા પગલાના કારણે પસ્તાવું પડે. નાણાકીય મૂંઝવણ હજુ ખાસ દૂર થાય તેમ જણાતું નથી. એક સાંધતા તેર તૂટવાનો ઘાટ જણાશે. આવક થશે અને તેનો સારા માર્ગે ઉપયોગ થતા જવાબદારીનો બોજો ઘટશે. એકાદ લાભનો પ્રસંગ જોવા મળે. નોકરિયાતોને કાર્યભાર વધશે. જોઈતી સફળતા મેળવવામાં હજુ અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરીથી વિખવાદ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતાં આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ મેળવી શકશો. નાણાંકીય સ્થિતિ સાનુકૂળ બનતા કેટલાક અટવાયેલા લાભ, ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે આર્થિક વ્યવસ્થા કરી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળશે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય મૂંઝવણો જણાશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ વધશે. મિલકતોના પ્રશ્નોથી ચિંતા રહે. ગૃહજીવનની પરિસ્થિતિ સંવાદિતભરી બનાવવા સમાધાન અને બાંધછોડ કરવી પડશે. જીવનસાથીથી સુમેળ વધે. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. વિદ્યાર્થીઓને સફળતા મળે.

મકર (ખ,જ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થ બનશે. વિપરીત સંજોગોમાંથી માર્ગ મળતાં આનંદ થશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ માટે જરૂરી નાણાંની વ્યવસ્થાઓ કરી શકશો. મિત્રો-સ્વજનો ઉપયોગી બનશે. એકંદરે સારો લાભ પણ મળે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધા અંગે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાય. સંપત્તિમાં વૃદ્ધિ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવ્યે પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ - હાનિ થાય. કરજનો ભાર અકળાવશે. તમે નવા મૂડીરોકાણને ટાળજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો જોવા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. મકાન બદલવું યા નવું લેવું હશે તો પણ સંજોગોની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા બર આવે નહીં.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરી સફળ થતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવક વધશે. નોકરિયાતને બઢતી આડે હજી અવરોધ જણાશે. સહકર્મચારી કે ઉપરી દ્વારા યશ-માન ન મળતા ઉદ્વેગ જણાશે. મકાન-વાહન-સંપત્તિ અંગે કોઈને કોઈ મુશ્કેલી જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter