તા. ૨૧ નવેમ્બર ૨૦૨૦થી ૨૭ નવેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th November 2020 04:53 EST
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આપના મહત્ત્વના કામકાજો માટે સાનુકૂળતા તથા સફળતાનો યોગ બનશે. અહીં આપના સ્નેહી-મિત્રોની મદદ મેળવી શકશો. સંબંધીની સહાયથી કાર્ય ઉકેલાતું જણાય. મહત્ત્વના સમાચાર - માંગલિક કાર્ય માટે સમય શુભ બનતો જણાશે. આપના મકાન, જમીન-મિલકતને લગતી સમસ્યાઓ હજી પણ ગૂંચવાયેલી રહેશે. જેનાં કારણે થોડીક પરેશાની વધતી જણાય. નોકરિયાતને વિલંબ-અવરોધોનો સમાનો કરવો પડશે. ધંધાદારી વ્યક્તિઓને પણ અણધારી પ્રતિકૂળતા બાદ કાર્ય સફળતા મેળવી શકશો. ગૃહજીવનમાં આનંદમય વાતાવરણ રહશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આપના પ્રયત્નોના લીધે કાર્યમાં સફળતા મેળવી શકશો. કાર્યક્ષેત્રે ઘણાં અંતરાયો બાદ કરતાં સફળતા પ્રાપ્ત કરી શકશો. નિરાશાના વાદળો વિખેરાય. આવકમાં ખાસ વધારો દેખાશે નહીં, જેથી ખર્ચાઓ ઉપર અંકુશ રાખવો. ગૃહજીવનમાં કોઈ મોટી જવાબદારીઓને કારણે થોડીક પરેશાની ભોગવશો. ધંધાકીય ક્ષેત્રમાં હજી સમય યથાવત્ રહેશે, છતાં પ્રયત્નો ચાલુ રાખવા. માતા-પિતાના આરોગ્યને લઈને ખાસ કાળજી રાખવી હિતાવહ છે. હિતશત્રઓથી સાવધાન રહેવું જરૂરી છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ અઠવાડિયું મહત્ત્વના નિર્ણયોના મામલે ખૂબ જવાબદારી દાખવી આગળ વધવું એવું સૂચન કરે છે. કોઈ મોટી હાનિમાંથી બચવા માટે સતત કાર્ય કરવું પડશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ઘણી એવી નવીન તકો આવશે. જોકે આંધળુ સાહસ ન કરવું. આરોગ્યને લઈને ખાસ કોઈ ચિંતા રહેશે નહીં. સામાન્ય દર્દો રહેશે. નાણાકીય દૃષ્ટિએ થોડી રાહત રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો હશે તો એ દૂર થાય. પ્રવાસ-પર્યટન થકી થોડીક મનની શાંતિ મેળવી શકશો. એકંદરે મિશ્રભાવ વાળો સમય છે.

કર્ક (ડ,હ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં રહેતા સફળતા અપાવશે. કોઈ સર્જનાત્મક કામગીરી દ્વારા મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. અહીંયા તમારી ધીરજ અને શક્તિ તમને કામ લાગશે. નાણાના અભાવે અટકેલા કાર્યોની પૂર્તતા થઈ શકશે. નોકરિયાત વર્ગ માટે સમયની સાનુકૂળતા સર્જાતા રાહતનો અનુભવ કરી શકશો. વ્યાપારના ક્ષેત્રમાં પણ સમયની સાથે સાથે નવીન ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સફળતા મેળવી શકશે. આરોગ્ય બાબતે નાની સમસ્યાનો સામનો કરવો પડે.

સિંહ (મ,ટ)ઃ આ સમયના યોગો આપને કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. નવીન તકો દ્વારા કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકશે. થોડોક કાર્યમાં ફેરફાર લાવશો તો સફળતા તમારા કદમ ચૂમશે. નોકરીના ક્ષેત્રમાં પણ સારી એવી તકો આપને સફળતા અપાવશે. આરોગ્યના ક્ષેત્રમાં આપને કોઈ ખાસ ચિંતાજનક સ્થિતિ જણાતી નથી. સંતાનોના લગ્નવિષયક બાબતે ચર્ચાઓ થઈ શકશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય આરોગ્ય બાબતે ચિંતા રખાવનાર છે. વિકાસના તબક્કાઓમાં અંતરાય જણાય. અચાનક કોઈ મહત્ત્વની તક ખૂલતા વિકાસના માર્ગ આડે આવેલા અંતરાયો દૂર થાય. નોકરિયાત વર્ગ માટે પોતાના સહ-કર્મચારી થકી તેમજ ઉપરી અધિકારીની મદદથી પ્રગતિ સાધી શકાય. આપનો સરળ સ્વભાવ કામ આવે. ધંધા-વેપારમાં નવાં રોકાણ કરતાં પહેલાં થોડાં સાવધાન રહીને આગળ વધવું હિતાવહ છે. સરકારી ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ માટે હિતશત્રુઓને લઈને ખાસ કાળજી રાખવી. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવે.

તુલા (ર,ત)ઃ તમારી મૂંઝવણોમાંથી મુક્તિ મળતા અને યોજનાઓ પાર પડતાં માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. રચનાત્મક પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આ સમયમાં તમારી કોઈ નાણાકીય ચૂકવણીઓ બાકી હોય તો તે ભરપાઇ કરી શકશો. ભાડાકીય આવકમાં વધારો જોવા મળે. તમારા કામની પ્રશંસા તમારા કાર્યક્ષેત્રમાં થાય. ધંધામાં પણ વિકાસ-વૃદ્ધિ જોઈ શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત થાય.

વૃશ્ચિક(ન,ય)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો ઊભા થાય. જેનાં કારણે માનસિક શાંતિ અને આનંદ અનુભવશો. કૌટુંબિક દૃષ્ટિએ માંગલિક પ્રસંગો ઉભા થાય. બાકી રહેલી ઉઘરાણી પરત મેળવી શકશો, જેના કારણે આર્થિક સદ્ધરતા કેળવાય. લાભની સાથે સાથે એવાં ખર્ચાઓ પણ થશે. સંતાનોના અભ્યાસને લઈને જે ચિંતાઓ હોય તે દૂર થતી જોવા મળશે. વડીલોના માર્ગદર્શનથી આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. આરોગ્ય સારું રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની પરિસ્થિતિ થોડીક કથળતી જણાય. સમાજના કાર્યોની દૃષ્ટિએ લાગણી દુભાય, જેના કારણે મન વ્યાકૂળ રહે. ઘરના કે અંગત કોઈ વ્યક્તિ સાથે તણાવભર્યા સંબંધો રહે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ગૂંચવાતા જોવા મળે. આ દરેક કાર્યોમાંથી બહાર આવવા માટે આપે ખૂબ જ ધીરજ જાળવવી પડશે. લેટ-ગો કરીને આગળ વધવાની વૃત્તિ રાખશો તો સફળતા મેળવી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સાનુકૂળ તકો ઊભી થઈ શકશે.

મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય. કંઈ અશુભ ન બનવાનું હોય છતાં ચિંતા રહ્યા કરે. આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે વધુ મહેનત અને પરિશ્રમ કરવા પડશે. મકાનના કામકાજમાં વિલંબ થતો જોવા મળે. ધંધા-વેપારના ક્ષેત્રમાં સ્થાન ફેર કે જગ્યાઓ બદલવાના પ્રસંગો બળવાન બનશે. નોકરીના કાર્યોમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. આરોગ્ય બાબતે થોડું સાચવવું જરૂરી.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સતત કાર્યશીલતા અને પ્રવૃત્તિઓના કારણે થોડો માનસિક થાક અનુભવાય. કાર્યના ભારણને કારણે બેચેની વર્તાય, પરંતુ સફળતા અને સિદ્ધિ આનંદનો અનુભવ પણ કરાવશે. કુટુંબના સભ્યો સાથેના અણબનાવો દૂર થાય. આકસ્મિક લાભના યોગ છે. નોકરિયાત વ્યક્તિઓએ કામને કારણે સતત આવન-જાવન કરવી પડે. ધંધા-વેપારના ક્ષેત્રમાં પણ મહેનત અને પુરુષાર્થ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય મિશ્રભાવ વાળો રહેશે. એક બાજુ ધંધાના નવાં-નવાં માર્ગો મળે અને બીજી તરફ કૌટુંબિક વાતાવરણ ગરમ રહે. તેમ છતાં આપનો સરળ સ્વભાવ અને સૂઝબૂઝની સમજ બંને માટે સરળ રસ્તાઓ શોધી શકશે. આરોગ્યની દૃષ્ટિએ જોઇએ તો, પેટની તેમજ આંખ-મસ્તકની સામાન્ય બીમારી રહે. માતા-પિતાના આરોગ્યની થોડી ચિંતા રહે. નોકરીમાં સારી એવી સાનુકુળ સ્થિતિ સર્જાતા પ્રગતિ અને સફળતા મેળવી શકાશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter