વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
મેષ રાશિ (અ,લ,ઈ)ઃ આપના મનની મુરાદ પુરી ન થતાં માનસિક અશાંતિ કે અંજપાનો અનુભવ થાય. માર્ગ આડેના અંતરાયો ધારો છો એટલા જલ્દી દૂર થશે નહીં, પરંતુ કોશિશ કરે રાખશો તો અંતે સફળ પુરવાર થશો. આવકની દૃષ્ટિએ કોઈ જૂનો લાભ પ્રાપ્ત થઈ શકે છે, જેના કારણે થોડીક રાહત અનુભવાય. શેરબજારથી લાભ પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વ્યક્તિઓને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં માર્ગ સરળ બનતો જાય. ધંધા-વેપારમાં ઉન્નતિકારક તક આવે તો ઝડપી લેશો. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાતાં જણાય.
વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ દરમિયાન સુખ અને સ્વસ્થતાનો અનુભવ થાય. સ્વસ્થતા અને સક્રિયતા વધતા જોવા મળે, જેના કારણે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકાય. નાણાકીય રીતે પણ સમયની સાનુકૂળતા રહેશે. નોકરીના ક્ષેત્રમાં થોડુંક વધારે સાવચેત રહીને કામગીરી કરવી, નહીં તો કામ તમે કરશો અને ક્રેડિટ કોઈ બીજી વ્યક્તિ લઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય. ધંધાકીય પ્રવૃત્તિઓમાં કાર્યભાર સહન કરવો પડે.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ ધારેલા કાર્યોની પૂર્તતા માટે તનતોડ મહેનત કરવી પડશે. કેટલીક વાર હારનો સામનો પણ કરવો પડે, પરંતુ જો આપ પ્રતિબદ્ધ રહીને કામગીરી કરશો તો અચૂક સફળતા મેળવી શકશો. ધંધા-નોકરીના સંદર્ભમાં સાનુકુળ તકો ઊભી થશે. વિદ્યાર્થીઓને સારાં પરિણામ મળે. ઇચ્છીત અભ્યાસ માટેના માર્ગ ખૂલે. પ્રવાસ-પર્યટનની દૃષ્ટિએ આપ આનંદની સાથે સાથે કોઈ મોટા લાભ પણ મેળવી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી થોડો વધુ સમય લાગશે. આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે.
કર્ક રાશિ (ડ,હ)ઃ નકામા વિચારો તમારા મગજમાં ઘર ન કરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારી જાતને કોઈને કોઈક કારણસર વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરશો તો વધુ સારું રહેશે. અંગત વ્યક્તિની સલાહ મુજબ આગળ વધવું હિતાવહ રહેશે. કાર્યક્ષેત્ર થકી ધનલાભ થવાની સંભાવના છે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો રહેશે. દાંપત્યજીવનમાં તાલમેળ બનાવી રાખશો. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવતા વાર લાગશે. સંતાનોની બાબતે ચિંતા રખાવે.
સિંહ રાશિ (મ,ટ)ઃ આ સમય આપને અંધકારમાંથી બહાર લાવીને ઉજાસ અને સફળતાનો અનુભવ કરાવશે. લાંબા સમયના પ્રયત્નોનું ફળ અહીં પ્રાપ્ત કરી શકશો. કોઈને ઉછીના આપેલાં નાણાં પરત થવાથી આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં ઉત્તમ તકો પ્રાપ્ત થાય, સાથે સાથે તમારા કાર્યક્ષેત્રમાં આધુનિક્તા લાવશો તો બમણી સફળતા પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થી વર્ગે મિત્રોથી ખાસ કાળજી રાખવી. આપના કિંમતી સમયનો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લાંબી મુસાફરી માટેના આયોજન પાર પડવાના યોગ છે.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ હકારાત્મક વિચારદૃષ્ટિ આપના વલણને એકદમ અલગ બનાવી શકશે, જેના કારણે આપ માનસિક સ્વસ્થતા સાથે આપની આસપાસ આનંદમય વાતાવરણ ઉભું કરી શકશો. આ બાબતનો લાભ આપના વ્યવસાયના ક્ષેત્રમાં પણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કૌટુંબિક કાર્યભારની જવાબદારી વધે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતે ખૂબ દોડાદોડીવાળો સમય રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. પ્રવાસના આયોજન સફળ થાય.
તુલા રાશિ (ર,ત)ઃ આ સમય દરમિયાન કાર્યક્ષેત્રે તમને સન્માન અને લાભની પ્રાપ્તિ થશે. વ્યાપારિક ક્ષેત્રમાં સારી તકો પ્રાપ્ત થશે, જેના કારણે પ્રગતિનો માર્ગ ખુલશે. પારિવારિક દૃષ્ટિએ ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરિયાત વર્ગને કેરિયર માટેના નવા માર્ગ ખુલ્લા થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડીક વધુ સંભાળ રાખવી હિતાવહ રહેશે. વિદ્યાર્થી વર્ગને સારાં પરિણામ પ્રાપ્ત થાય. વિદેશમાં અભ્યાસના યોગ પ્રાપ્ત થાય. સંતાનોની લગ્નવિષયક બાબતો માટે સાનુકુળ સમય રહેશે.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ આ સમય થોડો ટેન્શનવાળો રહેશે. કાર્યની પૂર્તતા માટે ખૂબ મહેનત કરવી પડે, સામે જોઈએ એવાં પરિણામ મેળવી શકાય નહિ. નોકરિયાત વર્ગને સાથી કર્મચારીઓ સાથે વાદવિવાદના પ્રસંગો સર્જાઈ શકે છે. કામનું ભારણ વધતું જાય. જોકે નાણાકીય દૃષ્ટિએ થોડોક રાહતવાળો સમય રહેશે. આર્થિક બોજો પણ ઓછો થાય. માતા-પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહેશે. વિદેશપ્રવાસ શક્ય બનશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપના તરફી ઉકેલ આવશે.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ આપને જોઈતી તકો પ્રાપ્ત કરી શકશો, જેના પરિણામ સ્વરૂપ તમારી કાર્યને લઈને સક્રિયતા - ઉત્સાહ વધશે. ઉમંગ-ઉલ્લાસમાં વધારો થશે. ધંધા-વેપારમાં નવી ટેક્નોલોજી અને આધુનિકરણનો લાભ મેળવી શકશો. નોકરીના ક્ષેત્રમાં કાર્યોની નોંધ લેવાય. બદલી-બઢતીના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આર્થિક રીતે માર્ગ આડેના અંતરાયો દૂર થાય. નવા જમીન-મકાનની ખરીદી શક્ય બને. વિદ્યાર્થી વર્ગ માટે સાવચેતીનો સમય. સમયની સાથેની છેડછાડ મુશ્કેલી ઉભી કરી શકે છે. મન લગાવીને મહેનત કરશો તો જ સફળતા મેળવી શકશો.
મકર રાશિ (ખ,જ)ઃ આ સમયમાં આપની માનસિક સ્વસ્થતાને ટકાવી રાખવા માટે આપે ખૂબ મહેનત કરી પડશે. કોઈને કોઈ કારણસર માનસિક શાંતિ ભંગ થઈ શકે છે. આપ અધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને સ્વસ્થતા જાળવી શકો છો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કાર્યભાર વધશે. હરીફાઈનો સામનો કરવો પડશે. આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી જરૂરી છે. આપના કૌટુંબિક સંબંધો સુધરતા જણાય. પ્રવાસ-પર્યટનના અવસર વધશે. એકંદરે થોડીક કાળજી રાખી કાર્ય કરશો તો અવશ્ય સફળતા મેળવી શકશો.
કુંભ રાશિ (ગ,સ,શ,ષ)ઃ આ સમય પ્રગતિકારક તેમજ ઉત્સાહવર્ધક સાબિત થશે. આપની કામગીરી થકી સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો. આપનું મન સતત સામાજિક પ્રવૃત્તિઓને લઈને કાર્યશીલ રહેશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ઉત્તમ તકની પ્રાપ્તિ અને સફળતાકારક સમય રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો થકી આનંદમય વાતાવરણ સર્જાય. મકાન-મિલકતના લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસના કારણે પ્રવાસ કે વિદેશ પ્રવાસના યોગો બળવાન બને.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન ઉગ્રતા, આવેશ કે ક્રોધને કાબૂમાં રાખશો. ખોટા વાદ-વિવાદમાં ફસાતા નહીં. વધુ પડતા વિશ્વાસુ બનીને પણ કાર્ય કરશો નહિ. પરિવારના સભ્યો સાથે આપના સંબંધો વધુ ન બગડે એનું ખાસ ધ્યાન રાખશો. વ્યવસાયના ક્ષેત્રમાં અગત્યના મૂડીરોકાણો અંગે ખૂબ વિચારીને આગળ વધશો. ભાગીદારીથી દૂર રહેજો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિમાં થોડોક સુધાર જણાતાં રાહત અનુભવાય. મકાન-મિલકતના કામકાજનો ઉકેલ આવશે.